
ગુજરાતના આગામી મુખ્યમંત્રી કોણ હશે? જાણો નરેન્દ્ર સિંહ તોમરે શું કહ્યું?
ગાંધીનગર : ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદેથી અચાનક રાજીનામું આપ્યા બાદ રાજ્યના નવા મુખ્યમંત્રીનના નામની ચર્ચાઓ ચાલી રહી છે. ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતૃત્વથી રાજ્યના આગામી મુખ્યમંત્રી કોણ બનશે, તે અંગે મંથન ઝડપી થઈ ગયું છે. આ સંબંધમાં કેન્દ્રીય મંત્રી અને ગુજારાતના નિરીક્ષક નરેન્દ્રસિંહ તોમર અમદાવાદ પહોંચ્યા છે. અમદાવાદ પહોંચતા તોમરે જણાવ્યું કે, અમે અહીં ગુજરાતના આગામી મુખ્યમંત્રી કોણ હશે? તેની ચર્ચા કરવા આવ્યા છીએ. અમે આ અંગે પ્રદેશ ભાજપ પ્રમુખ અને અન્ય નેતાઓ સાથે ચર્ચા કરીશું.
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર ધામ ભવનનું ઈ ઉદ્ઘાટન કર્યું હતું, આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર હતા. આ ઉદ્ઘાટનના થોડા કલાકો બાદ વિજય રૂપાણીએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. આ સરદારધામ પાટીદાર સમાજ દ્વારા બનાવવામાં આવી છે, તેથી માનવામાં આવે છે કે, રાજ્યના આગામી મુખ્યમંત્રી પાટીદાર બની શકે છે. આ સાથે અટકળો એવી પણ લગાવવામાં આવી રહી છે કે, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને પણ રાજ્યની કમાન સોંપવામાં આવી શકે છે.
ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે કહ્યું હતું કે, રાજ્યના આગામી મુખ્યમંત્રી કોણ હશે તે કહેવું અશક્ય છે, તેનો નિર્ણય માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી લેશે. આ સાથે જ વિજય રૂપાણીના રાજીનામા બાદ નીતિન પટેલને મુખ્યમંત્રી બનાવવાની માંગ સોશિયલ મીડિયા પર ઉગ્ર બની છે. છેલ્લા કેટલાક મહિનાઓની વાત કરીએ તો, ભાજપનું નેતૃત્વ સતત દબાણ હેઠળ હતું કે, કોઈ પાટીદાર નેતાને રાજ્યના મુખ્યમંત્રી બનાવવામાં આવે. ભાજપને રાજ્યમાં પાટીદાર સમાજનું મહત્તમ સમર્થન છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું છે. વિજય રૂપાણીના રાજીનામા બાદ ભારતીય જનતા પાર્ટીએ રવિવારના રોજ (12 સપ્ટેમ્બર) વિધાનસભા પક્ષની બેઠક બોલાવી છે. બપોરે 2 કલાકે ભાજપ ધારાસભ્ય દળની બેઠક મળશે. આ બેઠકમાં ગુજરાતના આગામી મુખ્યમંત્રી કોણ બનશે, તેની ચર્ચા કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રીઓ પ્રહલાદ જોશી અને નરેન્દ્ર સિંહ તોમર આજે ભાજપના ધારાસભ્ય દળની બેઠક માટે ભાજપના કેન્દ્રીય નિરીક્ષકો તરીકે ગુજરાતની મુલાકાત લેશે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શનિવારના રોજ રાજ્યપાલને રાજીનામું સોંપ્યું હતું. આ બેઠકમાં ધારાસભ્ય પક્ષના નેતાની પસંદગી કરવામાં આવશે, જેની સાથે ગુજરાતને નવા મુખ્યમંત્રી પણ મળશે.
ભાજપના મહામંત્રી (સંગઠન) બી. એલ. સંતોષ અને ગુજરાતના રાજ્ય પ્રભારી ભૂપેન્દ્ર યાદવ પહેલેથી જ ગુજરાતમાં છે. આ કવાયત અંગે નેતાઓ પાસેથી સલાહ લેવામાં આવી રહી છે. શનિવારના રોજ વિજય રૂપાણીના રાજીનામા પહેલા પણ બંને વચ્ચે ઘણી બેઠકો અને ચર્ચાઓ ચાલી રહી હતી.
આ વિધાનસભા પક્ષની બેઠક ગાંધીનગરમાં યોજાશે. ગુજરાત ભાજપે તમામ ધારાસભ્યોને મોડી રાત સુધીમાં ગાંધીનગર પહોંચવાનો નિર્દેશ આપ્યો હતો. બેઠકમાં નવા મુખ્યમંત્રી ઉપરાંત ગુજરાતમાં 2 નાયબ મુખ્યમંત્રી બનાવવાની ફોર્મ્યુલા પર પણ ચર્ચા થશે.
મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ વિજય રૂપાણીએ કહ્યું હતું કે, પાર્ટી તેમને ભવિષ્યમાં જે પણ જવાબદારી આપશે તે સંભાળી લેશે. વિજય રૂપાણીએ ઓગસ્ટ 2016માં મુખ્યમંત્રી પદ સંભાળ્યું હતું. વર્ષ 2017ની ચૂંટણી બાદ પણ વિજય રૂપાણી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા હતા.
કોરોના મહામારી દરમિયાન સર્જાયેલી વિકટ પરિસ્થિતિને સંભાળી ન શકવા બદલ વિજય રૂપાણીની ટીકા થઈ રહી હતી. હાલ ભાજપ ડિસેમ્બર 2022માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીની તૈયારી કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, પાટીદારોએ માંગ કરી હતી કે, આગામી મુખ્યમંત્રી તેમના સમુદાયના હોવા જોઈએ.