• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતનાં મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ લાગુ કરવા છતાં કોરોનાના કેસ કેમ વધી રહ્યા છે?

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં કોરોના વાઇરસના વધી રહેલા કેસોને જોતાં વિજય રૂપાણી સરકારને તાકીદનાં પગલાં ભરવાની ફરજ પડી હતી, જોકે, એમ છતાં રાજ્યમાં કેસો સતત વધી રહ્યા છે.

સરકારના આરોગ્ય અને કુટુંબકલ્યાણ વિભાગની માહિતી અનુસાર ગુજરાતમાં 21 નવેમ્બરથી 29 નવેમ્બર સુધીમાં છેલ્લા 10 દિવસમાં કોરોના વાઇરસના 13,816 કેસ નોંધાયા છે. જ્યારે 132 દરદીઓનાં મૃત્યુ થયાં છે.

આ દિવસ દરમિયાન અમદાવાદમાં કોરોનાના 2,953, સુરતમાં 2,001, વડોદરામાં 1,188 અને રાજકોટમાં 803 કેસ નોંધાયા છે. અહીં એ નોંધવું ઘટે કે આ આંકડા ગુજરાતનાં ચારેય શહેર પૂરતા જ એટલે કે મહાનગરપાલિકાની હદ પૂરતા જ મર્યાદિત છે.

'અમદાવાદ મિરર'ના અહેવાલ અનુસાર ગુજરાતમાં કોરોના વાઇરસના કારણે નવેમ્બર મહિનામાં જે કુલ દરદીઓનાં મૃત્યુ થયાં છે તેમાંથી 49 ટકા દરદીઓનાં મૃત્યુ છેલ્લા આઠ દિવસમાં થયાં છે.

ગુજરાતમાં 22 નવેમ્બરથી 29 નવેમ્બરની એમ આઠ દિવસની વચ્ચે 123 લોકોનાં મૃત્યુ થયાં છે. આ આંક નવેમ્બરમાં મૃત્યુ પામેલા લોકોના 49.2 ટકા છે.

તો આ દરમિયાન રવિવારે ગુજરાતમાં કોરોના વાઇરસના કારણે રાજ્યમાં વધુ 16 દરદીઓનાં મૃત્યુ થયાં છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના 1,564 કેસ નોંધાયા છે અને આ સાથે જ રાજ્યમાં કુલ કેસની સંખ્યા 2,08,278ને પાર કરી ગઈ છે. જ્યારે કુલ મૃતાંક 3969 થઈ ગયો છે.

તો રાજ્ય સરકાર દ્વારા કોરોનાને નાથવાના ભાગરૂપે પરીક્ષણો પણ વધારાયાં છે. ગત અઠવાડિયામાં 5,24,555 પરીક્ષણ કરવામાં આવ્યાં. જેમાંથી 10,866 દરદી કોરોના વાઇરસથી સંક્રમિત હોવાનું માલૂમ પડ્યું છે.

નોંધનીય છે કે ગુજરાત સરકારે કોરોના વાઇરસના વધતાં જતાં કેસને ધ્યાનમાં રાખીને રાજ્યનાં મુખ્ય ચાર શહેરો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં રાત્રી કર્ફ્યુની જાહેરાત કરી છે. છતાં કોરોના વાઇરસના કેસ વધી રહ્યા છે.


રાત્રી કર્ફ્યુથી કેટલો ફરક પડશે?

નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે બીબીસી ગુજરાતીના સહયોગી ભાર્ગવ પરીખને જણાવ્યું હતું, "કોરોના વાઇરસની સાંકળ તોડવા માટે રાત્રી કર્ફ્યુ લાદવામાં આવ્યો. એ જ પ્રકારે શનિવારે અને રવિવારે કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યો. કોરોના વાઇરસની ચેઇન ધીમેધીમે તૂટી રહી છે."

તેમણે એમ પણ સ્પષ્ટ કર્યું હતું કે હવે આગામી દિવસોમાં શનિવાર અને રવિવારે કર્ફ્યુ આપવાની યોજના નથી.

જોકે, રાત્રી કર્ફ્યુથી કેસ ઓછા થયા નથી એવું અમદાવાદના ફૅમિલિ ફિઝિશિયન અને નિષ્ણાત ડૉ. પ્રવીણ ગર્ગનું કહેવું છે.

બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં ડૉ. પ્રવીણ ગર્ગ કહે છે, "રાત્રી કર્ફ્યુથી મોટો ફરક પડતો નથી. આ તો જે યુવાનો પાનનાં ગલ્લે- ચાની કિટલી પર બેસી રહેતા હતા તેમને અટકાવવા માટે પગલાં લેવાયાં છે કે તેઓ પોતાના પરિવારને સંક્રમિત ન કરે."

ડૉ. ગર્ગ માને છે કે આનાથી પાંચથી 10 ટકાનો ફરક પડી શકે છે.

કેસ વધવા પાછળ લોકોના બેજવાબદાર વર્તનને વિશે વાત કરતા તેઓ કહે છે, "જે પ્રકારે લોકોનું બેજવાબદાર વર્તન છે તેના કારણે કોરોના વાઇરસના કેસ વધી રહ્યા છે. લોકો આજે પણ માસ્ક પહેરતા નથી, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખતા નથી. જેના કારણે સંક્રમિતોની સંખ્યા વધારે આવી રહી છે."

અમદાવાદ મેડિકલ ઍસોસિયેશનના પ્રમુખ ડૉ. કિરીટ ગઢવી કહે છે, "જે પહેલાં ભીડ થઈ હતી તેના કારણે કેસ આવી રહ્યા છે."

રાજ્યમાં હાલ કોરોના વાઇરસના જે કેસો નોંધાઈ રહ્યા છે, તેમાં દિવાળીએ કેટલો ભાગ ભજવ્યો છે?

ડૉ. પ્રવીણ ગર્ગને આ અંગે વાત કરતાં જણાવે છે, "વાઇરસનો ઇન્ક્યૂબેશનનો સમયગાળો બેથી 14 દિવસનો હોય છે. જ્યારે દિવાળીને હવે 10 દિવસ થઈ ગયા છે. માટે આ કહેવું મુશ્કેલ છે કે કેસ જૂના સંક્રમણને કારણે છે કે નવાને લીધે. પરંતુ કેસ તો વધવાના જ છે કારણ કે સંક્રમણ ખૂબ જ ફેલાયું છે"

તબીબ

ડૉ. કિરીટ ગઢવી પણ ડૉ. પ્રવીણ ગર્ગ જેવી વાત કરતા કહે છે, "રાત્રી કર્ફ્યુના કારણે આપણે મોટા મેળાવડા, જુવાનિયાઓ જે રીતે હરીફરી રહ્યા હતા તેને ટાળી શકાય છે. એક રીતે જોઈએ તો રાત્રી કર્ફ્યુના કારણે ભવિષ્યમાં થોડો સુધારો જોવા મળશે."

તેઓ આને સમજાવતા કહે છે, "કોરોના વાઇરસની સાંકળ પંદર દિવસની હોય છે જે તોડી શકાય છે. પરતું એ જ્યાં સુધી ચાલશે ત્યાં સુધી લોકો સંક્રમિત રહેશે. એને તોડવા થોડા ઘણા અંશે રાત્રી કર્ફ્યુ સારું છે. બાકી સંપૂર્ણ લૉકડાઉન જ ચેઈન તોડી શકે છે."

જોકે, આ બંને ઍક્સપર્ટ રાત્રી કર્ફ્યુને એકદમ અસરકારક માનતા નથી.


મોટા પ્રમાણમાં પરીક્ષણ

ગુજરાતમાં આ દરમિયાન પરીક્ષણો પણ વધારવામાં આવી રહ્યાં છે. રાજ્યમાં ગત અઠવાડિયા દરમિયાન પાંચ લાખ કરતાં વધુ પરીક્ષણો કરાયાં હતાં, જેમાં દસ હજાર કરતાં વધુ લોકો કોરોના પૉઝિટિવ હોવાનું સામે આવ્યું હતું.

ત્યારે પરીક્ષણોના વધેલા આંકડાઓને લીધે પણ કેસ વધુ નોંધાઈ રહ્યા હોવાનું ડૉ. ગર્ગનું માનવું છે.

ડૉ. ગર્ગ જણાવે છે, "જેટલાં પરીક્ષણો વધારે કરવામાં આવશે તેટલા વધારે કેસ આવવાના જ છે."

જોકે, ફાયદો ગણાવતા તેઓ કહે છે, "લોકો ટેસ્ટ વધારે કરાવશે તો જલદી આઇસોલેટ થશે અને વધારે લોકોને સંક્રમિત થવાથી બચાવશે"

ડૉ. કિરીટ ગઢવી કહે છે, "ટેસ્ટિંગ વધવાના કારણે કેસ વધી રહ્યા છે. જોકે, એવા લોકો પણ છે મોટી સમસ્યા છે જે ટેસ્ટ કરાવી નથી કરાવી રહ્યા. એમના લીધે કેસ ઘટાડવામાં ઘણો લાંબો સમય લાગી જશે."


સંક્રમણ ઘટડાવા માટે શું પગલાં લેવાં?

સંક્રમણ ઘટાડવા માટે તબીબો માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા અને હેન્ડ સૅનિટાઇઝરનો ઉપયોગ કરવાની સલાહ આપે છે.

આ ઉપરાંત લક્ષણો દેખાય તો કોરોના વાઇરસનું ટેસ્ટિંગ કરાવવા માટે પણ કહે છે.

ડૉ. પ્રવીણ ગર્ગ જણાવે છે, "આ સિઝનમાં લોકોને ઉધરસ, શરદી અને તાવ આવતો હોય છે. લોકોને લક્ષણ હોવા છતાં કોરોના વાઇરસનો ટેસ્ટ કરાવતા ગભરાઈ રહ્યા છે. રોજ વીસથી પચ્ચીસ શરદી, ખાસી, તાવના દરદીઓ આવતા હોય છે. તેમને ટેસ્ટ કરાવવાનું કહીએ. દસ વખત સમજાવીએ ત્યારે માત્ર બે લોકો રાજી થાય છે."

તેઓ ઉમેરે છે, "જો તમને લક્ષણો હોય તો તમારે ટેસ્ટ કરાવવો જોઈએ અને તમે પૉઝિટિવ આવો અને તમે આઇસોલેટ થઈ જાવ તો બીજા સંક્રમિત થવાથી બચી શકે. પરંતુ હાલ લોકો ટેસ્ટ કરાવતા નથી અને બે ત્રણ દિવસ રાહ જુએ છે જેના કારણે સંક્રમણ ફેલાવવાની શક્યતા રહે છે. જો તેઓ આઇસોલેટ થઈ જાય તો કેસની સંખ્યા ઘટાડી શકાય છે."

ડૉ. પ્રવીણ ગર્ગ જેવી જ વાત કરતાં ડૉ.કિરીટ ગઢવી કહે છે, "પહેલા દિવસે તાવ, શરદી અને ખાસી આવતા હોય તો લોકોએ સાદી દવા લેવાની જગ્યાએ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ."

"વહેલી તકે તપાસ થાય ટેસ્ટ કરાવો તો ખબર પડે કે કોરોના વાઇરસ છે કે નહીં. જો હોય તો તે પ્રમાણે નિદાન થાય અને ન હોય તો એ પ્રમાણે નિદાન કરી શકાય. આમ લોકોએ ચેતવું જરૂરી છે."

ડૉ. કિરીટ ગઢવી કહે છે, "લોકોએ જાગૃત થવાની જરૂરિયાત છે કામવગર ઘરની બહાર નીકળવાની જરૂર નથી. લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને હૅન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ કરવાની જરૂર છે."

વૅક્સિન ન આવે ત્યાં સુધી પગલાં લેવા અંગે ડૉ. પ્રવીણ ગર્ગ કહે છે, "લૉકડાઉન કરવું એ સરકાર માટે બહુ અઘરો વિષય છે અને હવે લૉકડાઉન આવશે નહીં માટે વૅક્સિન ન આવે ત્યાં સુધી સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું, માસ્ક પહેરવો અને હાથ ધોવા જરૂરી છે."

જોકે, આ બધા વચ્ચે રાજ્યમાં કોરોનાની પરસ્થિતિ કાબૂમાં હોવાનું રાજ્ય સરકારનું માનવું છે.

નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે કહ્યું, "દેશના કુલ કેસના 18 ટકા કેસ મહારાષ્ટ્રમાં છે, 14 ટકા કેરળમાં, 9 ટકા દિલ્હીમાં, પશ્ચિમબંગાળમાં 5.5 ટકા, રાજસ્થાનમાં 5.2 ટકા, હરિયાણમાં 4.6 અને ગુજરાતમાં 3.1 ટકા છે. આમ ગુજરાત આઠમા ક્રમે આવેલું છે. જેથી સ્થિતિ કાબૂમાં છે."

તો રાજ્યમાં લેવાઈ રહેલાં પગલાં અંગે વધારે માહિતી આપતાં તેઓ જણાવે છે, "સરકાર બીજાં રાજ્યોમાંથી આવતા લોકોને થર્મલ ગનથી તપાસી રહી છે, જો શંકાસ્પદ જણાય તો તેમનો કોરોના વાઇરસનો ટેસ્ટ કર રહી છે."

"ગુજરાત સરકાર 50 હજારથી 3 લાખ રૂપિયા એક દરદી પર ખર્ચીને કોરોના વાઇરસને કાબૂમાં લાવવા પ્રયત્ન કરી રહી છે."https://www.youtube.com/watch?v=WgMjdMdOIBQ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Why corona cases are on the rise despite night curfew in metro cities of Gujarat?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X