For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતના આ સમાજે સ્થાનિકસ્વરાજની ચૂંટણીઓના બહિષ્કારની ચીમકી કેમ ઉચ્ચારી?

ગુજરાતના આ સમાજે સ્થાનિકસ્વરાજની ચૂંટણીઓના બહિષ્કારની ચીમકી કેમ ઉચ્ચારી?

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News

કચ્છના મુંદ્રા નજીકના સમઘોઘા ગામના ગઢવી સમાજના બે યુવાનોના કથિત પોલીસ અત્યાચાર બાદ મૃત્યુ નીપજતાં ગઢવી સમાજ દ્વારા દોષિતો સામે કાર્યવાહીની માગ સાથે મુંદ્રા-બંધનું એલાન કરાયું છે.

આટલું જ નહીં આ મામલે ન્યાય ન મળે તો ગઢવી સમાજની બહુમતીવાળાં કચ્છનાં ગામોમાં સમાજ દ્વારા આવનારા દિવસોમાં યોજાનારી સ્થાનિકસ્વરાજની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

નોંધનીય છે કે મુંદ્રા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ દ્વારા ચોરીના ગુના બાબતે ત્રણ શખ્સો હરજોગ ગઢવી, શામલા ગઢવી અને અરજણ ગઢવીને કથિતપણે ઉઠાવી લેવાયા હતા.

પોલીકર્મીઓ દ્વારા આ ત્રણેયને ગેરકાયદેસર કસ્ટડીમાં રાખી ઢોર માર મરાયો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે.

નોંધનીય છે કે ત્રણેય પૈકી 22 વર્ષીય હરજોગ ગઢવીનું રવિવારે અમદાવાદ સિવિલ ખાતે સારવાર હેઠળ કરુણ મૃત્યુ નીપજ્યું હતું.

આ પહેલાં 19 જાન્યુઆરીના રોજ આ ત્રણેય પૈકી એક અરજણ ગઢવીનું કથિતપણે ઢોર માર મારવાના કારણે મુંદ્રાના કૉમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે સારવાર દરમિયાન મૃત્ય નીપજ્યું હતું.

એક પછી એક ગઢવી સમાજના બે યુવાનોનાં પોલીસની કથિત ક્રૂરતાના કારણે મોત થતાં સમાજમાં ભારોભાર અસંતોષ જોવા મળી રહ્યો છે.

સોમવારે કચ્છના ગઢવી સમાજ દ્વારા મૃત્યુ પામેલા યુવાનોને ન્યાય અપાવવા માટે મહાસભાનું આયોજન કરાયું હતું, જેમાં હજારોની સંખ્યામાં સમાજના લોકો હાજર રહ્યા હતા.


પોલીસ સામે ગુનો નોંધાયો

પોલીસની કથિત ક્રૂરતાના કારણે નીપજેલાં મૃત્યુ બાબતે સ્થાનિક પોલીસ દ્વારા મુંદ્રા પોલીસ સ્ટેશનના સર્વિંગ ઇન્સ્પેક્ટર જે. એ. પઢિયાર સહિત ત્રણ હેડ કૉન્સ્ટેબલ અને એક GRD જવાન સામે ગુનો નોંધવામાં આવ્યો છે. જે પૈકી ઇન્સ્પેક્ટર પઢિયાર અને GRD જવાન વિરલ જોશીની ધરપકડ કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયા છે. જ્યારે બાકીના પાંચેય આરોપી પોલીસકર્મીઓ હજુ પોલીસની પકડથી બહાર છે.

પહેલાં કસ્ટોડિયલ અત્યાચાર દેખાતા આ મામલામાં હવે સમઘોઘા ગામના ભૂતપૂર્વ સરપંચ જયવીરસિંહ જાડેજાનો હાથ હોવાનો આક્ષેપ કરાતાં મામલો વધુ ગૂંચવાઈ ગયો છે.

આક્ષેપ છે કે જયવીરસિંહ અને પોલીસકર્મીઓએ સાથે મળી બનાવટી આરોપ હેઠળ ગઢવી સમાજના યુવકોને ફસાવ્યા છે.

એવો આક્ષેપ થઈ રહ્યો છે કે ગામના ભૂતપૂર્વ સરપંચ અને ગઢવી સમાજના આ યુવાનો વચ્ચે ઘણા સમયથી જમીન અંગે વિવાદ ચાલી રહ્યો હતો. આ જમીન પર કબજો મેળવવા માટે જયવીરસિંહ પોલીસકર્મીઓ સાથે મળીને યુવકો પર દબાણ લાવવાનું કાવતરું ઘડ્યું હોવાનો આરોપ મુકાઈ રહ્યો છે.

ભુજ ડિવિઝનના DSP જે. એન. પંચાલ, જેઓ આ મામલાની તપાસ કરી રહ્યા છે, તેમણે પોલીસ અને ભૂતપૂર્વ સરપંચ વચ્ચે કોઈ પણ પ્રકારની સાઠગાંઠ હોવાની માહિતી ન હોવાની વાત કરી હતી. જ્યારે બીજી તરફ કચ્છ જિલ્લા (પૂર્વ)ના SP સૌરભ તોલુંબિયાએ આ વાતની આશંકા સંપૂર્ણપણે નકારી નહોતી.


શું હતો સમગ્ર મામલો?

https://www.youtube.com/watch?v=gpg8QYXP_sI

મુંદ્રા પોલીસ દ્વારા 12 જાન્યુઆરી, 2020ના રોજ અરજણ ગઢવીને ઘરફોડના મામલે ઉઠાવી લેવાયા હતા. તેના ચાર દિવસ બાદ ખેતમજૂર તરીકે કામ કરતાં હરજોગ ગઢવી અને શામલા ગઢવીને પણ આ મામલે સમઘોઘા ગામેથી ઉઠાવી લેવાયા હતા.

ગુનાની FIR મુજબ 12 જાન્યુઆરીના રોજ સાંજે કચ્છના મુંદ્રા તાલુકાના સમઘોઘા ગામના રહેવાસી અરજણ છેરાજભાઈ ગઢવી મુંદ્રા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ પ્રાગપર પાટિયે તમારું પાર્સલ આવેલું છે તેવી માહિતી આપી સાથે લઈ ગયા હતા.

પરંતુ અરજણના સંબંધીઓએ પોલીસ સ્ટેશનમાં તપાસ કરતાં તેમને કોઈ ચોરીના ગુનામાં તપાસાર્થે પોલીસ લઈ ગઈ હોવાનું જણાવવામાં આવ્યું.

FIRની વિગતો અનુસાર અરજણને પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર ગોંધી રાખી ખૂબ જ માર મારવામાં આવેલો તેમજ પ્રતાડિત કરવા માટે ગુદાના ભાગે પેટ્રોલનાં પોતાં લગાવી અને શોક આપવામાં આવેલ હતા. અરજણભાઈને સારવારાર્થે સરકારી દવાખાનામાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમનું 19 જાન્યુઆરીના રોજ મરણ થયું હોવાનું જાણવા મળ્યું હતું.

નોંધનીય છે કે અરજણ ગઢવી એક ખેતમજૂર તરીકે કામ કરતા હતા.

અરજણને ઉઠાવી લઈ ગયા બાદ આ જ કામના આરોપસર ગઢવી સમાજના અન્ય બે યુવકો હરજોગ અને શામલાને પણ મુંદ્રા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ તપાસ માટે ઉઠાવી ગયા હતા.

ઇન્ડિયન એક્સપ્રેસ ડોટ કૉમના એક અહેવાલ પ્રમાણે પોલીસે પહેલાં તો અરજણનું મૃત્યુ હૃદયરોગના હુમલાના કારણે થયો હોવાની વાત કરી. પરતું ગઢવી સમાજના આગેવાનોએ એવો આક્ષેપ કરીને અરજણનું મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો કે તેમનું મૃત્યુ પોલીસના મારના કારણે થયું છે.

જ્યારે વિરોધપ્રદર્શન વધુ ઉગ્ર બન્યું ત્યારે સ્થાનિક પોલીસ દ્વારા અરજણનું મૃત્યુ નીપજાવવા મામલે મુંદ્રા પોલીસ સ્ટેશનના ત્રણ હેડ કૉન્સ્ટેબલ, શક્તિસિંહ ગોહીલ, અશોક કન્નડ અને જયદેવસિંહ ઝાલા સામે અરજણનું મૃત્યુ નીપજાવવા બાબતે અને ગેરકાયદેસર રીતે ગોંધી રાખવા બાબતે IPCની કલમ 302, 343 અને 114 અંતર્ગત ગુનો નોધવામાં આવ્યો હતો.

અરજણના મૃત્યુ બાદ ચોરીના કેસમાં મુંદ્રા પોલીસ સ્ટેશનના આરોપી કર્મચારીઓ દ્વારા ઉઠાવી લવાયેલ હરજોગ અને શામલાને 20 જાન્યુઆરીના રોજ ભુજ શહેરીની જી. કે. જનરલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી 23 તારીખે બંનેને અમદાવાદ સિવિલ હૉસ્પિટલ ખાતે રેફર કરવામાં આવતાં ત્યાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બંને પૈકી હરજોગનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.

આ સમગ્ર મામલા અંગે જાણકારી કચ્છના ભુજ ડિવિઝનના DSP જે. એન. પંચાલે કહ્યું હતું કે, "20 તારીખના રોજ નોંધાયેલ FIRમાં અરજણ ગઢવી નામના યુવકનું મૃત્યુ નીપજાવવા બદલ મુંદ્રા પોલીસ સ્ટેશનના હેડ કૉન્સ્ટેબલ શક્તિસિંહ ગોહીલ, અશોક કન્નડ અને જયદેવસિંહ ઝાલાનાં નામ હતાં."

"આ મામલાની વધુ તપાસ હાથ ધરતાં મુંદ્રા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે. એ. પઢિયાર, કૉન્સ્ટેબલ કપિલ દેસાઈ, કૉન્સ્ટેબલ ગફુરજી ઠાકોર અને GRD જવાન વિરલ જોશીનાં નામ સામે આવ્યાં હતાં. જે પૈકી જે. એ. પઢિયાર અને વિરલ જોશીની ધરપકડ કરી તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે."

"આ કામના ત્રણેય આરોપી હેડ કૉન્સ્ટેબલો, કૉન્સ્ટેબલો અને ભૂતપૂર્વ સરપંચ જયવીરસિંહ જાડેજાને પકડવા માટે જુદીજુદી ટીમ બનાવવામાં આવી છે. તેઓ પણ જલદી પોલીસની પકડમાં આવી જશે."

ઘટના વિશે વધુ વાત કરતાં તેઓ જણાવે છે કે, "બંને મૃતકોના પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં મલ્ટિપલ ઇંજરીના કારણે મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે. પીડિતોના પરિવારજનો અને સમાજના આગેવાનોએ ઉચ્ચ અધિકારીઓએ યોગ્ય કાનૂની કાર્યવાહીનો આશ્વાસન આપ્યા બાદ મૃતદેહો પણ સ્વીકારી લેવામાં આવ્યા છે."


શું જમીનવિવાદને કારણે થઈ હત્યા?

આ મામલામાં સમાઘોઘા ગામના ભૂતપૂર્વ સરપંચ જયવીરસિંહે પીડિત અરજણ, હરજોગ અને શામલા ગઢવીના કબજા હેઠળની જમીન પડાવી લેવા માટે સ્થાનિક પોલીસ સાથે મળીને તેમને ખોટા કેસમાં ફસાવી અને ઢોર માર મારવાનું કૃત્ય કર્યું હોવાનો આક્ષેપ કરાઈ રહ્યો છે.

કચ્છના ગઢવી સમાજના આગેવાન વિજય ગઢવી આ અંગે વાત કરતાં જણાવે છે કે, "જયવીરસિંહનો અરજણ, હરજોગ અને શામલા ગઢવીના કબજા હેઠળની જમીન બાબતે વર્ષોથી વિવાદ ચાલી રહ્યો હતો. તેમની નજર આ જમીનો બદલ મળનાર સરકારી વળતરની રકમ પર હતી."

"આ જમીનો નર્મદા કૅનાલમાં આવતી હોવાથી સરકારે આ જમીનો બદલ ભારે વળતર ચૂકવ્યું છે. આ જમીન અંગે વિવાદ પેન્ડિંગ હોવાથી આ જમીન માટે કોઈ વળતર ચૂકવાયું નહોતું."

"સરકારી વળતરની રકમ પોતાને મળી શકે તે માટે કબજો ખાલી કરાવવા માટેનું કાવતરું ઘડીને જયવીરસિંહે ગઢવી સમાજના આ ત્રણેય યુવાનોને ફસાવ્યા છે. જેમાં સ્થાનિક પોલીસના કેટલાક પોલીસકર્મીઓએ આ કામમાં તેમનો સાથ આપ્યો છે."

તેઓ આ બનાવ અંગે વધુ વિગત આપતાં આગળ જણાવે છે કે, "સ્થાનિક પોલીસ જે ચોરીના કેસમાં ત્રણેય યુવાનોને લઈ ગઈ હતી તે અંગે કોઈ પણ મુદ્દામાલ કબજે કરવામાં નથી આવ્યો. ઊલટાનું તપાસમાં બહાર આવ્યું છે કે જયવીરસિંહે પોલીસ લૉકઅપમાં અને તેમની વાડીએ લઈ જઈને પીડિત યુવકોને ઢોર માર માર્યો છે. જેથી તેઓ ગભરાઈને જગ્યા ખાલી કરી દે."

"જ્યારે તેમનો ક્રૂર માર ન સહન કરી શકતાં એક યુવકનું મૃત્યુ નીપજ્યું ત્યારે સ્થાનિક પોલીસે આ મામલો દબાવવાનો પ્રયાસ કર્યો એ જ તેમની આ મામલામાં સંડોવણીની દાસ્તાન કહી આપે છે."

https://www.youtube.com/watch?v=B37GvDgplDc

આ કેસમાં તપાસ અધિકારી DSP જે. એન. પંચાલે જણાવ્યું હતું કે, "સમઘોઘા ગામના ભૂતપૂર્વ સરપંચ જયવીરસિંહ ઝાલાએ પણ પોલીસ અધિકારીઓ સાથે મળીને પીડિતોને માર માર્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે."

"આરોપીઓને મુંદ્રા પોલીસ સ્ટેશનમાં ડિસ્ટાફની ઑફિસમાં તેમજ મુદ્દામાલની રિકવરી માટે પૂછપરછ માટે જે ખાનગી સ્થળે લઈ જવામાં આવ્યા હતા, ત્યાં પણ ભૂતપૂર્વ સરપંચે અને પોલીસ અધિકારીઓએ માર માર્યો હતો."

પીડિતો અને ગામના ભૂતપૂર્વ સરપંચ વચ્ચે ચાલી રહેલા જમીનવિવાદ અંગે માહિતી આપતાં તેઓ જણાવે છે કે, "મૃત્યુ પામનાર હરજોગ ગઢવી અને શામલા ગઢવી સાથે ગામના ભૂતપૂર્વ સરપંચ જયવીરસિંહ વચ્ચે જૂનો જમીનવિવાદ છે. જોકે, આ વિવાદને લઈને પોલીસ અને ભૂતપૂર્વ સરપંચે સાઠગાંઠ કરીને પીડિતોનું મૃત્યુ નીપજાવ્યું છે તેવી કોઈ માહિતી ધ્યાનમાં આવી નથી. આ મામલો પ્રોપર્ટી ડિટેક્શનનો હતો."

જોકે, કચ્છ જિલ્લા (પૂર્વ)ના SP સૌરભ તોલુંબિયા સ્થાનિક પોલીસ અને ભૂતપૂર્વ સરપંચની સાઠગાંઠવાળી વાતને નકારતાં નથી.

તેઓ કહે છે કે, “એકવાર તમામ આરોપીઓ પકડાઈ જાય પછી પોલીસ આ એંગલની પણ તપાસ કરશે કે શું ખરેખર ભૂતપૂર્વ સરપંચ અને સ્થાનિક પોલીસે સાઠગાંઠ રાખી જમીનવિવાદ મામલે પીડિતોનું મૃત્યુ નીપજાવ્યું છે કે કેમ?"

"અમે આ થિયરીને સંપૂર્ણ નકારતા નથી. પરંતુ સત્ય તપાસ બાદ જ બહાર આવી શકશે. આ કેસમાં સ્થાનિક પોલીસના ભાગે ગંભીર બેદરકારી જોવા મળી છે. જે કારણે સ્થાનિક પી. આઈ. પર પણ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે."

https://www.youtube.com/watch?v=jxcry2-teR0

ગઢવી સમાજ દ્વારા સ્થાનિકસ્વરાજની ચૂંટણીનો બહિષ્કાર કરવાની વાત હતી એ વિશે તેમની સમજાવટ કરી લેવાઈ છે કે કેમ?

આ પ્રશ્ન અંગે જવાબ આપતાં તપાસ અધિકારી DSP પંચાલ કહે છે કે, "અમે પોલીસ તરીકેની અમારી કામગીરી કરવા અંગે તેમને આશ્વાસન આપ્યું છે. સ્થાનિકસ્વરાજની ચૂંટણીની વાત કરીએ તો ત્યાં સુધી તો અમારી તપાસ પૂરી પણ થઈ ગઈ હશે."

સ્થાનિકસ્વરાજ્યની ચૂંટણીના બહિષ્કારની વાત અંગે સ્પષ્ટતા કરતાં વિજય ગઢવી જણાવે છે કે, "ગઢવી સમાજ તરફથી એવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ સ્થાનિક ગ્રામ્ય સ્તરે જે ગામડાંમાં ગઢવી સમાજની બહુમતી છે ત્યાં સમાજના લોકોએ ઠરાવ કર્યો છે કે જો પીડિતોને વહેલી તકે ન્યાય નહીં મળે તો તેઓ સ્થાનિકસ્વરાજ્યની ચૂંટણીમાં ભાગ નહીં લે."

"અમારી મુખ્ય માગણીઓ છે કે પીડિતોના પરિવારજનોને પૂરતું વળતર ચૂકવવામાં આવે, સાક્ષીઓને રક્ષણ પૂરું પાડવામાં આવે અને આરોપીઓની વહેલી તકે ધરપકડ કરવામાં આવે."

"સમાજની એકતાનું પ્રદર્શન કરવા માટે સોમવારે મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આસપાસનાં ગામોના 12-15 હજાર લોકો એકઠા થયા હતા. તેમજ પીડિતોને વહેલી તકે ન્યાય અપાવવા માટે સોમવારે મુંદ્રા બંધનું આહ્વાન પણ કરાયું હતું."


કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર
કોરોના વાઇરસ ફર્નિચર

https://www.youtube.com/watch?v=GadW8MkxShU&feature=youtu.be

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Why did this society in Gujarat threaten to boycott the local body elections?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X