
બળાત્કાર પીડિત કિશોરીના ગર્ભપાતની ગુજરાત હાઈકોર્ટે કેમ ના પાડી?
ગુજરાતના નર્મદા જિલ્લામાં એક તેર વર્ષની કિશોરી પર બળાત્કાર થયો હતો.
બળાત્કારનો ભોગ બનેલી કિશોરીને સાતમી જાન્યુઆરીએ રાજપીપળામાં આવેલી જનરલ હૉસ્પિટલમાં મેડિકલ ચેક-અપ માટે લઈ ગયા હતા.
હૉસ્પિટલના મેડિકલ ઑફિસર દ્વારા તેમની સોનોગ્રાફી કરવામાં આવી હતી. સોનોગ્રાફીમાં એવું બહાર આવ્યું કે કિશોરીને છ મહિનાનો ગર્ભ છે.
કિશોરી તેમજ તેમના પરિવારજનો ગર્ભપાત કરાવવા ઇચ્છતા હતા. જેના માટે તેમણે હાઈકોર્ટમાં રિટ-અરજી કરીને ગર્ભપાતની મંજૂરી માગી હતી.
હાઈકોર્ટે તબીબોની રાય લઈને ગર્ભપાતની મંજૂરી આપી ન હતી. 18 જાન્યુઆરીએ કોર્ટે આ મામલે ઑર્ડર કર્યો હતો.
ઑર્ડરને ટાંકીએ તો અરજદારની રજૂઆતને ધ્યાને લઈને કોર્ટે પીડિત કિશોરીને સુવાવડ ન આવે ત્યાં સુધી રાજપીપળાના વનસ્ટૉપ સેન્ટરમાં રાખવાનો આદેશ કર્યો હતો.
સાથે જ તેમની દેખરેખ વગેરેના ખર્ચ માટે પીડિત કિશોરીના પરિવારને એક લાખ રૂપિયા ચૂકવવાનો રાજ્ય સરકારના આરોગ્ય અને કલ્યાણવિભાગને આદેશ કર્યો હતો.
તો કોર્ટે વડોદરાની એસએસજી હૉસ્પિટલમાં કિશોરીની સુવાવડ માટે તમામ વ્યવસ્થા કરવાનો પણ આદેશ કર્યો હતો.
- જેમના પર આંદોલન તોડવાનો આરોપ લગાવાઈ રહ્યો છે એ દીપ સિધુ કોણ છે?
- મુઘલકાળથી સત્તાનું કેન્દ્ર રહેલા લાલ કિલ્લાનું મહત્ત્વ અને ઇતિહાસ
સોનોગ્રાફી પછી ખબર પડી કે કિશોરી ગર્ભવતી છે

કિશોરી કોના દ્વારા ગર્ભવતી બની છે તેના વિશે કિશોરી અને તેમનો પરિવાર અજાણ છે.
કિશોરીના પરિવારને પણ છેક ત્યારે ખબર પડી જ્યારે કિશોરીનો સોનોગ્રાફી રિપોર્ટ આવ્યો.
સાત જાન્યુઆરીએ પીડિત કિશોરીનાં માતાએ જે પોલીસ એફઆઈઆર (ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ) નોંધાવી હતી તેમાં આરોપી તરીકે 'અજાણ્યા છોકરો' એવું લખાવ્યું હતું. એફઆઈઆરમાં પીડિત કિશોરીનાં માતાએ લખાવ્યું હતું કે, "ચાર જાન્યુઆરીએ બપોરે બારેક વાગ્યે હું તથા મારી દીકરી ગામની સીમમાં ખેતરમાં ઢોર માટે ઘાસચારો લેવાં ગયાં હતાં. તે વખતે મારી છોકરીના પેટનો ભાગ સાધારણ ફુલેલો જોતાં તે સંતાડતી હોવાનું લાગ્યું. મેં તેને પૂછ્યું કે બેટા તને પેટમાં કંઈ થાય છે? તને પેટમાં દુખાવો થાય છે કે કેમ? તેવું પૂછતાં તેણે મને ના પાડી હતી."
"પરંતુ મને તેનું પેટ ફુલેલું જણાતાં મેં તેને જણાવ્યું કે આપણે એક-બે દિવસમાં દવાખાને જઈને ડૉક્ટરને બતાવશું. એ પછી સાત જાન્યુઆરીએ સરકારી દવાખાનામાં બતાવતાં ડૉક્ટરે સોનોગ્રાફી કરાવવાનું કહ્યું હતું. સોનોગ્રાફી કરાવ્યા પછી ડૉક્ટરે જણાવ્યું કે મારી દીકરીને છ મહિનાનો ગર્ભ છે."
"મારી દીકરીને આ બાબતે પૂછપરછ કરતાં પ્રથમ ગભરાઈ ગઈ હતી અને આનાકાની કરવા લાગી હતી. ત્યારપછી શાંતિથી આશ્વાસન આપી પૂછપરછ કરતાં તેણે અમને જણાવ્યું હતું કે ગૌરીવ્રત વખતે એટલે કે છ-એક મહિના અગાઉ બપોરની સમયે એક અજાણ્યો છોકરો આપણા ઘરે આવ્યો હતો. મને એકલી જોઈને મારી સાથે બળજબરીથી ખરાબ કામ કરી જતો રહ્યો હતો. એ વખતે ઘરે કોઈ હતું નહીં જેથી કોઈએ મને છોડાવી નહોતી."
"માબાપ આ જાણી જશે તો મને માર મારશે એવી બીકે અને બદનામી ન થાય એ માટે મેં આ બનાવની કોઈને વાત કરી નહોતી. હાલમાં મારી છોકરી ઘણી ગભરાયેલી છે."
કિશોરી પર બળાત્કાર અને ગર્ભવતી થવાનો આ મામલો જિલ્લા બાળસુરક્ષા એકમ પાસે આવ્યો હતો.
ત્યારપછી બાળકોના અધિકાર માટે કામ કરતી એક સંસ્થાએ કોર્ટ કેસ માટે કિશોરીના પરિવારને મદદ કરી હતી અને હાઈકોર્ટમાં કેસ દાખલ થયો હતો.
એ સંસ્થાના એક કાર્યકર્તાએ બીબીસીને જણાવ્યું હતું કે "કિશોરી હજી પણ કંઈ બોલતી નથી. તેનાં મમ્મી-પપ્પા ગરીબ છે. બંને મજૂરી કરીને પેટિયું રળે છે. કિશોરી સાથે દુષ્કર્મ થયું ત્યારે પણ બંને મજૂરી પર જ હતાં. તેમને પણ ખ્યાલ નથી કે આરોપી કોણ હોઈ શકે."
"અમે પોલીસને કહ્યું છે કે કિશોરીને હજી થોડો સમય આપો. તેનું ટ્રૉમા કાઉન્સેલિંગ થાય પછી કદાચ કંઈક બોલે. કિશોરીની ઉંમર માતૃત્વ ધારણ કરવાની નથી, તેથી આ દિવસો દરમિયાન પણ તેનું કાઉન્સેલિંગની તો ચાલી જ રહ્યું છે."
https://www.youtube.com/watch?v=Wa6GXKqEC1A
આ કેસમાં કિશોરી તરફથી દલીલ કરનારાં વકીલ દીપમાલા દેસાઈએ બીબીસી સાથે વાત કરતાં કહ્યું હતું કે, "કિશોરી સાથે દુષ્કર્મ થયું ત્યારે તો તે બાર કે સાડા બાર વર્ષની જ હતી. હાલ તે રાજપીપળાના વનસ્ટૉપ સેન્ટરમાં તેની માતા સાથે રહે છે."
"અમે કોર્ટને અરજ કરી હતી કે તે પોતાના ગામડાના ઘરે જાય તો તેને સમાજ વગેરેનો ડર લાગી શકે છે. સારું છે કે તેને વનસ્ટૉપ સેન્ટરમાં જ રાખવામાં આવે. કોર્ટે આ વાતને માન્ય રાખી હતી."
તેઓ વધુમાં કહે છે, "શારીરિક આરોગ્ય તો એનું સારું છે પણ તે હજી પણ થોડી ગભરાયેલી છે. તપાસ અધિકારીઓ સાથે મારી વાત થઈ તો જાણવા મળ્યું છે કે ડરને લીધે તે ઘટના વિશે કશું બોલી નથી રહી. છોકરીની માનસિક સ્થિતિ ચિંતા ઉપજાવે તેવી છે. તે રડ્યાં પણ કરે છે. તેના પરિવારને પણ સમાજનો ડર છે."
"તેને ક્યારે બાળક અવતરશે એની કોઈ તારીખ હજી નથી આવી. તેને પ્રીમૅચ્યોર્ડ ડિલિવરી થાય અને સિઝેરિયન કરવું પડે એવી પણ શક્યતા છે. બાળક અવતરશે પછી તેનો પરિવાર મોટે ભાગે દત્તકકેન્દ્રમાં આપી દેશે. બાર વર્ષની કિશોરી કેવી રીતે બાળકને ઉછેરી શકે એ પણ એક સવાલ છે."
તબીબોના રિપોર્ટને આધારે કોર્ટે ગર્ભપાતની મંજૂરી ન આપી
કિશોરી તરફથી એમનાં માતાએ હાઈકોર્ટને અરજી કરીને ગર્ભપાતની મંજૂરી આપવાની દાદ માગી હતી.
હાઈકોર્ટે આ મામલે તબીબોની ટીમનો અભિપ્રાય મેળવ્યો હતો. એને આધારે કોર્ટે ગર્ભપાતની મંજૂરી નહોતી આપી.
કોર્ટના આદેશ બાદ વડોદરાની એસએસજી હૉસ્પિટલના તબીબોએ પીડિત કિશોરીના ટેસ્ટ કરીને એક રિપોર્ટ રજૂ કર્યો હતો.
તેમાં જણાવ્યું હતું કે, 'કિશોરીના ગર્ભમાં છવ્વીસ સપ્તાહ અને ચાર દિવસનો ગર્ભ છે. જેનું અંદાજે વજન આઠસો નવ ગ્રામ જેટલું છે. આ સ્થિતિમાં ગર્ભપાત કરીએ તો બાળક જીવતું નીકળશે અને જો પૂરતી કાળજી રાખવામાં આવે તો એના બચવાના પણ મહત્તમ ચાન્સ છે. આ ઉંમરે અને ગર્ભાવસ્થાના આ તબક્કે પ્રસૂતિ કરતાં ગર્ભપાત વધારે જોખમી છે. બીજી તરફ કાયદા મુજબ ચોવીસ સપ્તાહ સુધીના ગર્ભના ગર્ભપાતની જ મંજૂરી આપવામાં આવે છે.'
દીપમાલા દેસાઈએ બીબીસીને જણાવ્યું હતું કે, "કોર્ટે મેડિકલ બોર્ડની તબીબોની ટીમના અભિપ્રાયને માન્ય રાખીને ગર્ભપાતની ના કહી હતી. એ મેડિકલ બોર્ડમાં બે સિનિયર ગાયનેકૉલૉજિસ્ટ, એક સાઇકિયાટ્રિટ્રસ્ટ, એક પીડિયાટ્રિશયન તેમજ એક કાર્ડિયૉલૉજિસ્ટ હતા."
"કિશોરીને હૃદયની પણ સમસ્યા છે તેથી બોર્ડમાં કાર્ડિયૉલૉજિસ્ટ પણ હતા. પાંચ જણાની આ ટીમે કહ્યું કે કિશોરીની સુવાવડમાં તો જોખમ છે જ પણ ગર્ભપાતમાં વધુ જોખમ રહેલું છે. તેથી કોર્ટે ગર્ભપાતને મંજૂરી નથી આપી."
"અમારી રજૂઆત હતી કે જ્યાં સુધી એની સુવાવડ ન થઈ જાય ત્યાં સુધી તેને વનસ્ટૉપ સેન્ટરમાં રાખવામાં આવે અને તેની પૂરતી તબીબી તેમજ માનસિક સંભાળ રાખવામાં આવે."
"એસએસજી હૉસ્પિટલમાં એને સુવાવડ વખતે સ્પેશિયલ રૂમ મળે. સુવાવડની તારીખ હોય તેના દસ દિવસ અગાઉ એસએસજી હૉસ્પિટલમાં તેને દાખલ કરવામાં આવે. કોર્ટે આ બાબતોને માન્ય રાખી છે."
હાઈકોર્ટે તબીબોની ટીમનો રિપોર્ટ રેકૉર્ડ પર લીધો હતો અને આદેશમાં નોંધ્યું હતું કે, 'પીડિત કિશોરીને વનસ્ટૉપ સેન્ટરમાં રાખવા માટેની તમામ વ્યવસ્થા ગોઠવવામાં આવે. સુવાવડ વખતે તેને એસએસજી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવે. ત્યાં પણ તમામ તબીબી સંભાળ લેવામાં આવે. સુવાવડ પછી જો એ બાળકને પીડિત કિશોરી અને તેનો પરિવાર રાખવા તૈયાર ન હોય તો તેને દત્તક આપવા માટેની તજવીજ પણ કાયદેસર રીતે કરવાની રહેશે.'
- લાલા લાજપતરાય અને પંજાબ નેશનલ બૅન્કની રસપ્રદ કહાણી
- એ માતાપિતા જે પાંચ મહિનાની પુત્રીના ઇલાજ માટે 16 કરોડનું ઇંજેક્શન લેવા ઝઝૂમે છે
- કોરોના વાઇરસની દવા મળી, જે બચાવી રહી છે લોકોના જીવ
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચી શકાય?
- કોરોના વાઇરસ દૂધની થેલી અને શાકભાજી પર કેટલું જીવે છે?
- કોરોના વાઇરસનો ચેપ આખરે કયા પશુમાંથી ફેલાયો?
https://www.youtube.com/watch?v=QSovVgj_bns
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો