For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નવા મંત્રીમંડળમાં સુરતને આટલું મહત્ત્વ કેમ અપાયું અને આપનું ફૅક્ટર કેટલું જવાબદાર?

નવા મંત્રીમંડળમાં સુરતને આટલું મહત્ત્વ કેમ અપાયું અને આપનું ફૅક્ટર કેટલું જવાબદાર?

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં નવી સીએમ ભુપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળની શપથવિધિ થઈ ગઈ છે. સુરતથી પૂર્ણેશ મોદી, હર્ષ સંઘવી, વિનોદ મોરડિયા, ગણદેવીથી નરેશ પટેલ અને કપરાડાથી જીતુ ચૌધરીને મંત્રીમંડળમાં સમાવાયા છે.

આમ સુરતથી સર્વાધિક ત્રણ મંત્રીઓ છે તથા ભાજપના પ્રદેશ પ્રમુખ ખુદ દક્ષિણ ગુજરાતથી છે અને દર્શના જરદોશને કેન્દ્રીય મંત્રી પહેલાં જ બનાવી દેવાયાં હતાં.

ભૂપેન્દ્રસિંહનું મંત્રીમંડળ

તાજેતરમાં જ નવસારીથી મંગુભાઈ પટેલને મધ્યપ્રદેશના રાજ્યપાલ બનાવાયા હતા.

આથી રાજકીય વર્તુળોમાં સવાલ ચર્ચાઈ રહ્યો છે કે સુરતને હવે જે મહત્ત્વ અને પ્રતિનિધિત્વ આપવામાં આવી રહ્યું છે તેની પાછળ શું કારણો રહેલા છે?

પાટીદાર આંદોલન સમયે સુરતની ભૂમિકા અગત્યની રહી હતી. ગત વિધાનસભાની ચૂંટણીમાં પણ જો સુરતની બેઠકો ન આવી હોત તો ભાજપ મુશ્કેલીમાં મુકાયો હોત એવું રાજકીય પંડિતોનું માનવું છે.

બીબીસીએ એ જાણવાની કોશિશ કરી કે નવા મંત્રીમંડળમાં સુરતનું પરિબળ કેટલું અને કેમ અસરકર્તા રહ્યું.

નવા મંત્રીમંડળ મામલે સુરતથી વરિષ્ઠ પત્રકાર મનોજ મિસ્ત્રી બીબીસી સાથેની વાતચીતમાં કહે છે, "આ ચૂંટણીલક્ષી ફેરફાર નથી પરંતુ ભાજના આંતરિક વિખવાદ/જૂથવાદને સંતુલિત કરી હિસાબ પૂરતો કરવાની વાત છે. આ સમગ્ર ઘટનાને સમજવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની લીડરશીપ અને તેઓ ગુજરાતમાંથી કેન્દ્રમાં ગયા તે પછી ગુજરાતમાં ઘટેલી બાબતોને ધ્યાને લેવી પડે."

https://www.youtube.com/watch?v=uybyqtz82eE

"મોદી પીએમ બન્યા પછી આનંદીબહેન આવ્યાં ત્યારે પણ નીતીન પટેલ દાવેદાર હતા. આનંદીબેને રાજીનામું આપ્યું ત્યારે પણ તેઓ પ્રબળ દાવેદાર હતા છતાં રૂપાણી સીએમ બન્યા. હવે આ વખતે રૂપાણીએ જ્યારે રાજીનામું આપ્યું ત્યારે પણ તેઓ દાવેદાર હતા પણ ભુપેન્દ્ર પટેલ સીએમ બન્યા. એટલે નીતીન પટેલને કેટલો અસંતોષ રહ્યો હશે એ સ્પષ્ટ રીતે સમજી શકાય છે."

"વળી આ દરમિયાન પીએમ મોદીએ સી. આર. પાટીલને સંગંઠનમાં પ્રમુખપદ આપ્યું. હવે ગુજરાત ભાજપમાં પાટીલ અને આનંદીબહેન પટેલનું જૂથ પ્રભાવી થયું છે. અમિત શાહે એક રીતે કહીએ તો આંતરિક બાબતો મામલે દરમિયાનગીરી ઓછી કરી દીધી હોય એવું લાગે છે."

શું સુરતને હવે પહેલાં કરતાં સારું પ્રતિનિધિત્ત્વ મળી રહ્યું છે? કેમ? આ સવાલનો જવાબ આપતાં મનોજ મિસ્ત્રી કહે છે,"સુરતને (દક્ષિણ ગુજરાત)ને મહત્ત્વ તો પહેલાથી જ મળતું આવ્યું છે. સી. આર. પાટીલ, દર્શના જરદોશ તો નવસારીથી મંગુભાઈ પટેલને મધ્યપ્રદેશના રાજ્યપાલ બનાવ્યા. હવે જે 3-4 મંત્રીઓ સુરતથી મળ્યા છે, તેમાં પણ આનંદીબહેન-સી. આર પાટીલ જૂથનો પ્રભાવ દેખાય છે."

"વળી સુરતમાં પાટીદાર ફૅક્ટર અથવા ચૂંટણીલક્ષી પડકારોને લીધે આ બધા ફેરફાર થયા એવું નથી. ભાજપને વિશ્વાસ છે કે તે ચૂંટણી જીતવાનો જ છે. એટલે આ માત્ર આંતરિક સ્તરે સમીકરણો સંતુલિત કરવાની કવાયત છે. ભુપેન્દ્ર પટેલ ખુદ પણ આનંદીબહેન પટેલ જૂથના છે."

"વળી આમ આદમી પાર્ટીના ઉદય કે પછી પાટીદાર આંદોલનના પરિબળની વાત કરીએ તો સુરતને મામલે આ ચૂંટણીલક્ષી હેતુ નથી. કોરોનાના પરિબળની વાત કરીએ તો કોરોના આખાય દેશમાં હતો. એટલે કોરોનાને લીધે મંત્રીમંડળ બદલાયું એવું નથી."


સુરતમાં જાતિગત સમીકરણો સંતુલિત કરાયાં?

દરમિયાન નવા મંત્રીમંડળમાં સુરત ફૅક્ટર વિશે વાત કરતા વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક અશોક પટેલ જણાવે છે, "નવા મંત્રીમંડળમાં જાતિગત સમીકરણો સારી રીતે સંતુલિત કરી લેવાયાં છે. આ વખતે મત માગવા માટે ખાસ મુદ્દાઓ નથી એટલે કે સૌથી મહત્ત્વની વાત જાતિગત સમીકરણો સંતુલિત કરવાની હતી."

"સુરતમાં કોળીને મંત્રીપદ, દક્ષિણ ગુજરાતમાં આદિવાસી બેલ્ટ કવર કર્યો. નરેશ પટેલ, જીતુ ચૌધરી, વિનુ મોરડિયા આ નામો દર્શાવે છે કે ભાજપે જાતિગત સમીકરણો મામલે દક્ષિણ ગુજરાતને સાચવી લેવા સારું ગણિત વાપર્યું છે."

"વળી બીજી તરફ ઓબીસીમાંથી પૂર્ણેશ મોદી અને જૈન સમુદાયમાંથી હર્ષ સંઘવી. મોરડિયા પાટીદાર બેલ્ટ સાચવશે. આમ ગત 2017ની વિધાનસભા ચૂંટણીમાં જે પડકારજનક સ્થિતિ સુરતની બેઠકો મામલે સર્જાઈ હતી તે આ વખતે ન સર્જાય એવું લાગે છે."

મંત્રીમંડળ અને મોદી-શાહની રાજકીય શૈલી વચ્ચેના સંબંધ પર અશોક પટેલ કહે છે, "મોટાભાગના ચહેરાઓ મોદીની નજીકના અથવા મોદીની નજીકની વ્યક્તિઓ સાથે નિકટતમ સંબંધ ધરાવતા છે."

વળી પાટીદાર અને અન્ય મુદ્દાઓ વિશે વાત કરતા તેઓ ઉમેરે છે, "આમ આદમી પાર્ટીનો જે ઉદય થયો અને પાટીદાર પરિબળ જોવા મળ્યું છે, તેની અસર પણ મંત્રીમંડળમાં જોવા મળી છે."

"કેમ કે પહેલાં પણ બસપા સહિતની કેટલીક પાર્ટીઓ ગુજરાતની રાજનીતિમાં ઝંપલાવી ચૂકી છે પણ એ સમયે એવું થતું કે તે કૉંગ્રેસના મતો તોડતી. પણ આમ આદમી પાર્ટી ભાજપની જે વોટબૅન્ક છે એમાં ગાબડું પાડે છે. એટલે સ્વાભાવિક છે કે તેને ધ્યાને લેવાઈ જ હોય."

"બીજી તરફ જો ચૂંટણી પર કે સુરતની બેઠકો પર શું પ્રભાવ પડશે એ કહેવું હોય તો એમ કહી શકાય કે ભાજપને આ વખતે ખાસ કોઈ વાંધો નહીં આવે. છતાં જો એકાદ બેઠક આમતેમ થાય તો તેને બીજેથી જ સંતુલિત કરી શકાય છે."

"રહી વાત મોદી-શાહની, તો નીતીન પટેલ ભલે અસંતુષ્ટ હોય એ આ જોડી સામે બળવો નથી કરવાના. પહેલાં રૂપાણી સામે પાટીલ લવાયા અને હવે નીતીન પટેલ-પાટીલ સામે ભુપેન્દ્ર પટેલ. જેઓ આનંદીબહેન પટેલ જૂથના છે. એટલે હવે પીએમ મોદીએ એક મજબૂત સંતુલન સાધવાની કોશિશ કરી છે."


'જનતાની નારાજગી નડે નહીં એટલે મોદીએ ચહેરા બદલ્યા'

https://www.youtube.com/watch?v=jf3qtroMyuc

સુરતના રાજકારણ પર છેલ્લા ઘણા દાયકાથી નજર રાખનારા એક અન્ય રાજકીય વિશ્લેષકે નામ ન જણાવવાની શરતે કહ્યું, "પીએમ મોદીએ ખરેખર ઍન્ટિ-ઇન્કમ્બસી ન નડે એટલે ચહેરાઓ જ બદલી નાખ્યા છે. જનતામાં નારાજગી છે. પણ જનતા ચૂંટણીમાં કામ કરે એ પહેલાં એ કામ મોદીજીએ જ કરી નાખ્યું અને એ તમામને હઠાવી દીધા છે."

"મોદીજીની આ સ્ટાઇલ છે. જનતા કામ કરે એ પહેલાં તેમણે કામ કરી લીધું છે. કોરોનાને લઈને પણ લોકોમાં નારાજગી છે. જોકે લોકો છતાં ગુજરાતમાં ભાજપને જ પસંદ કરે છે."

આંતરિક જૂથવાદ વાત પર તેઓ તેઓ ઉમેરે છે, "સી. આર. પાટીલને પ્રમુખ બનાવ્યા તો બીજી તરફ દર્શનાબહેનને કેન્દ્રમાં લીધાં અને હવે પૂર્ણેશ મોદીને કૅબિનેટમાં લીધા. આથી આ રીતે પણ તેમણે એક સમીકરણ સંતુલિત કર્યું છે."

"તથા પાટીદાર ફૅક્ટર પણ રહ્યું છે. અને એક રીતે જોઈએ તો આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ જેવી જ લાગે છે. કેમ કે તેનાથી નુકસાન કૉંગ્રેસને જ થઈ રહ્યું છે. ભાજપની બેઠકો આપ પાસે ગઈ પણ કૉંગ્રેસ સાવ સાફ થઈ ગઈ. એટલે ભાજપ માને છે કે ભલે જે બેઠકો જવાની છે તે જાય પણ તે કૉંગ્રેસને ન જ મળવી જોઈએ."

"આગામી વિધાનસભામાં આપ વિધાનસભામાં સુરતથી ઍન્ટ્રી લે એવી જે વાત હતી તેની સામે હવે નવા મંત્રીમંડળથી ભાજપે મોટો પડકાર સર્જી દીધો છે. હવે આપ માટે સુરત સહેલું નહીં રહે."

"ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ગામડામાં તકલીફ પડી હતી ત્યારે શહેરોની બેઠકો મદદ કરી ગઈ હતી. જોકે હવે તો તે ગામડાઓમાં પણ મજબૂત થયો છે. આથી આગામી ચૂંટણી મામલે સુરત એટલો મોટો પડકાર નથી રહ્યો."


કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર
કોરોના વાઇરસ ફર્નિચર

https://youtu.be/uybyqtz82eE

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Why was Surat given so much importance in the new cabinet and how responsible is your factor?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X