
પોર્ટ બ્લેયરઃ બે અમલદારો પર યુવતી પર ગેંગરેપ કરવાનો આરોપ, પૂર્વ મુખ્ય સચિવનુ નામ પણ સામેલ
અંદમાન અને નિકોબારની રાજધાની પોર્ટ બ્લેરમાં એક યુવતીએ બે અમલદારો પર સામૂહિક બળાત્કારનો આરોપ લગાવીને સનસનાટી મચાવી દીધી છે. બે અમલદારોમાંથી એક આઈએએસ છે. આરોપી IAS અધિકારી અંદમાન અને નિકોબાર ટાપુઓનો પૂર્વ મુખ્ય સચિવ હોવાનુ કહેવાય છે. પીડિતા 21 વર્ષની યુવતી છે જે નોકરીની શોધમાં હતી ત્યારે તેને શિકાર બનાવવામાં આવી હતી.
પીડિતાએ લેબર ઑફિસર પર પણ યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. યુવતીએ 22 ઓગસ્ટે પોર્ટ પ્લેયર પોલીસમાં ફરિયાદ કરી હતી. જેના પર પોલીસે કાર્યવાહી કરી અને 1 ઓક્ટોબરે એફઆઈઆર નોંધી. ઈન્ડિયન એક્સપ્રેસના સમાચાર મુજબ આરોપી અધિકારીઓમાંથી એક આઈએએસ ઑફિસર જિતેન્દ્ર નારાયણ છે જ્યારે બીજો આરએલ ઋષિ છે જે અંદમાન અને નિકોબાર ટાપુઓમાં લેબર કમિશનર તરીકે તૈનાત છે. આરોપી IAS અધિકારી જિતેન્દ્ર નારાયણ હાલમાં દિલ્લી ફાઇનાન્સિયલ કૉર્પોરેશનમાં ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે પોસ્ટેડ છે. એફઆઈઆરમાં બંનેના નામ સામે આવ્યા છે.
ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ પોલીસે પીડિતાના આરોપોની તપાસ માટે વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરી છે. પોલીસે મહિલાને સુરક્ષા પૂરી પાડી છે. આરોપી અધિકારી જિતેન્દ્ર નારાયણે આરોપોને નકારી કાઢ્યા છે અને તેમને વાહિયાત ગણાવ્યા છે. નારાયણે આરોપોને નકારીને પીએમઓ અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયને પણ રજૂઆત કરી છે.પીડિતાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યુ છે કે પોર્ટ બ્લેયરમાં આઈએએસ ઑફિસરના ઘરે એપ્રિલ અને મે મહિનામાં બે વાર તેનુ યૌન શોષણ કરવામાં આવ્યુ હતુ. પીડિતાએ પોર્ટ પ્લેયર ખાતેના IAS જીતેન્દ્ર નારાયણના રહેઠાણના સીસીટીવી ફૂટેજ આપવાની પણ માંગ કરી છે.
21 વર્ષીય પીડિતાએ તેની ફરિયાદમાં વધુમા જણાવ્યુ છે કે તે રોજગારની શોધમાં હતી અને તે દરમિયાન તે લેબર કમિશનર આરએલ ઋષિને મળી હતી. યુવતીએ ફરિયાદમાં જણાવ્યુ હતુ કે તેને નારાયણના ઘરે લઈ જવામાં આવી હતી જ્યાં તેને સરકારી નોકરીની ખાતરી આપવામાં આવી હતી. તેણે કહ્યુ કે તેને પીવા માટે દારૂ આપવામાં આવ્યો હતો પરંતુ તેણે ના પાડી દીધી હતી. બાદમાં બંને અધિકારીઓએ તેની સાથે ગેંગરેપ કર્યો હતો.