
મહારાષ્ટ્રમાં ફુટઓવર બ્રિજનો એક હિસ્સો તૂટી પડ્યો, 10 લોકો ઘાયલ
મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં આવેલા બલ્લારપુર રેલવે સ્ટેશન પર રેલવે ફૂટઓવર બ્રિજનો સ્લેબ તૂટી પડ્યો હતો. આ અકસ્માતમાં 10 લોકો ઘાયલ થયા છે. ઘટના બાદ પ્લેટફોર્મ પર ઘણા મુસાફરો હાજર હતા. આ દરમિયાન કેટલાક મુસાફરો હાઈ વોલ્ટેજ ઓવરહેડ વાયરને અડકતાં ગંભીર રીતે ઘાયલ થયા હતા.
બલ્લારપુર રેલવે સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓ આ તમામ ઘાયલ મુસાફરોની મદદ કરી રહ્યા છે. નાસભાગ ન થાય તે માટે એક ટીમ તૈનાત કરવામાં આવી હતી.
મધ્ય રેલવેના સીપીઆરઓ શિવાજી સુતારે જણાવ્યું હતું કે, નાગપુર ડિવિઝનમાં બલ્હારશાહ ખાતે ફૂટ ઓવર બ્રિજનો પ્રી-કાસ્ટ સ્લેબનો ભાગ રવિવારની સાંજે લગભગ 5.10 કલાકે તૂટી પડ્યો હતો. આ ઘટનામાં ચાર લોકો ઘાયલ થયા છે. તમામને પ્રાથમિક સારવાર બાદ સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં કોઈ જાનહાનિ અંગેના કોઈ અહેવાલ નથી.
સીપીઆરઓ અનુસાર, રેલવેએ ગંભીર રીતે ઘાયલોને એક લાખ રૂપિયા અને સાધારણ ઈજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. ઘાયલ લોકોને સારી સારવાર માટે અન્ય હોસ્પિટલોમાં રિફર કરવામાં આવી રહ્યા છે. તમામને સારી તબીબી સારવાર આપવામાં આવી રહી છે.