For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અબ્બાસ : વડા પ્રધાન મોદીના 'મિત્ર' અબ્બાસ ખરેખર કોણ છે?

અબ્બાસ : વડા પ્રધાન મોદીના 'મિત્ર' અબ્બાસ ખરેખર કોણ છે?

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે માતા હીરાબાના 100મા વર્ષમાં પ્રવેશ નિમિત્તે લખેલ એક બ્લૉગમાં એક મુસ્લિમ બિરાદર અબ્બાસનો ઉલ્લેખ કર્યો હતો.

વડા પ્રધાને અબ્બાસને પોતાના બાળપણના મિત્ર ગણાવ્યા હતા. અને દાવો કર્યો હતો કે અબ્બાસ તેમની સાથે તેમના જ ઘરમાં રહીને ભણ્યા હતા.

આ બ્લૉગ જાહેર થતાં જ અબ્બાસનું નામ સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવી ગયું.

modi

પહેલાં વાત નરેન્દ્ર મોદીએ બ્લૉગમાં શું કહ્યું તેની


બ્લૉગમાં પોતાનાં માતા હીરાબેન મોદી વિશે અનેક વાતોનો ઉલ્લેખ કરતાં પીએમ મોદીએ અબ્બાસ નામની એક વ્યક્તિનો ઉલ્લેખ કર્યો.

પીએમ મોદીએ પોતાનાં માતા હીરાબેનની આદતોનો ઉલ્લેખ કરતાં લખ્યું કે, "માતા હંમેશાં બીજાને ખુશ રાખવામાં ખુશ રહેતાં. ઘરમાં ભલે જગ્યા ઓછી હોય પરંતુ તેમનું હૃદય ખૂબ મોટું છે. અમારા ઘરથી થોડી દૂર પર એક ગામ હતું જેમાં મારા પિતાના ખૂબ સારા મિત્ર હતા. તેમનો પુત્ર હતો અબ્બાસ."

તેઓ આગળ લખે છે, "મિત્રના અસમય મૃત્યુ પછી પિતા અબ્બાસને અમારી ઘરે લઈ આવ્યા હતા. એક રીતે અબ્બાસ અમારા ઘરમાં રહીને જ ભણ્યો. અમે બધા બાળકોની જેમ જ માતા અબ્બાસનું ધ્યાન રાખતાં. ઈદ પર તેમની પસંદના પકવાન બનાવતાં. ત્યોહારોના સમય આસપાસના કેટલાંક બાળકો અમારા ઘરે આવીને જમતાં હતાં."

"તેમને પણ મારાં માતાના હાથની રસોઈ ખૂબ ભાવતી."

પીએમ મોદીએ પોતાના બ્લૉગમાં બીજું શું કહ્યું? અહીં વાંચો - પીએમ મોદીનાં માતાના જન્મદિને 'અબ્બાસ'ની ચર્ચા કેમ થઈ રહી છે?


વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અબ્બાસનો ઉલ્લેખ કર્યો ત્યાર બાદથી સોશિયલ મીડિયામાં ચર્ચા ચાલી રહી છે. આ અંગે બીબીસી ગુજરાતીએ વડનગરમાં નરેન્દ્ર મોદીના મોટા ભાઈ અને અબ્બાસના પરિવારજનોનો સંપર્ક કર્યો હતો.


કોણ છે અબ્બાસ?

વડા પ્રધાન મોદીના મોટા ભાઈ સોમાભાઈ મોદીએ બીબીસી ગુજરાતીના પ્રતિનિધિ ભાર્ગવ પરીખ સાથે ફોન પરની વાતચીતમાં કહ્યું હતું કે, "અબ્બાસ વડનગરની પાસેના ગામ રસૂલપુરા ખાતે રહેતા હતા. એમના પિતા નાની ઉંમરમાં ગુજરી જતાં એમને ભણવાનું છોડવું પડે એમ હતું. આ વાતની મારા પિતાને ખબર પડતાં તેમણે એમને અમારી સાથે અમારા ઘરમાં રાખ્યા અને ભણાવ્યા."

"પાંચ વર્ષ સુધી એ મારા નાના ભાઈ પંકજ સાથે ભણતા હતા. ભણીને એ ગુજરાત સરકારમાં ક્લાસ-2 અધિકારી તરીકે ફરજ બજાવ્યા બાદ નિવૃત્ત થયા હતા."

બીજી તરફ બીબીસી ગુજરાતીના પ્રતિનિધિ કેતન પટેલ સાથે વાત કરતાં અબ્બાસભાઈ અંગેની વિગતો જણાવતાં સોમાભાઈએ કહ્યું કે, "અબ્બાસભાઈ મુસ્લિમ હતા. વડનગરની પાસેના એક ગામ રસૂલપુર કે કમાલપુરના હતા. જોકે મને ગામનું નામ બરોબર યાદ નથી. તેઓ અને મારા નાના ભાઈ પંકજ સાથે ભણતા. તેઓ બંને મિત્રો હોઈ ઘરે આવવા-જવાનું રહેતું."

તેઓ અબ્બાસને મોદીના પિતાએ કરેલી મદદ વિશે વાત કરતાં કહે છે કે, "અબ્બાસ સામે એવી મુશ્કેલી ઊભી થઈ કે તેમના પિતા ગુજરી જતાં તેમણે પોતે ખેતીનું કામ સંભાળવાનું અને અભ્યાસ છોડી દેવાનું વિચાર્યું પરંતુ મારા પિતાએ તેમને સમજાવ્યા અને ભણવાનું ચાલુ રખાવ્યું. અને તેને અમારા ઘરે રહેવાની વ્યવસ્થા કરી આપી. અમે બધા ભાઈઓ અને અબ્બાસ એક સાથે મળીને જ જમતા હતા."

"અમારા પરિવારમાં કાયમ એવી લાગણી રહેલી છે કે માનવતાના ધોરણે અમે મદદ કરતાં ખચકાતા નથી."

તેઓ અબ્બાસભાઈ હાલ ક્યાં હોવાની વાતના પ્રશ્ન અંગે વાત કરતાં કહે છે કે, "અબ્બાસભાઈ સરકારમાં સિવિલ સપ્લાયમાં વર્ગ-2 અધિકારી હતા. તેઓ વર્ષ 2014માં રિટાયર થયા. રિટાયર થયા પછી તેઓ કદાચ ગામમાં સરપંચ પણ બન્યા હતા."

અબ્બાસભાઈ સાથે ખાસ યાદ અંગે વાત કરતાં સોમાભાઈ જણાવે છે કે, "અમે જ્યારે જમવા બેસતાં ત્યારે બધા એક જ લાઇનમાં બેસતા. તે સમયે હિંદુ-મુસ્લિમ જેવું કંઈ જ નહોતું."


અબ્બાસના પરિવારનો વાત કરવાનો ઇનકાર

બીબીસી ગુજરાતીએ અબ્બાસ વિશેની માહિતી મેળવવા માટે મોદી પરિવારના સભ્યો અને અબ્બાસના ગામ વડનગર ખાતે કેસીમ્પા ગામના લોકો સાથે વાત કરી હતી. જેની બીબીસી ગુજરાતી દ્વારા સ્વતંત્રપણે ખરાઈ કરી શકાઈ નથી.

બીબીસી ગુજરાતીએ અબ્બાસના પરિવારજનો સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેમણે કોઈ વાત કરવાનો ઇનકાર કર્યો હતો.

ઇન્ડિયન એક્સપ્રેસ અખબારે પોતાના એક અહેવાલમાં વડા પ્રધાનના 'મિત્ર' અબ્બાસ વિશે તેમના ભાઈ પંકજ મોદીએ આપેલી વિગતો પ્રકાશિત કરી છે.

જે મુજબ અબ્બાસ હાલ 64 વર્ષના છે અને ગુજરાત સરકારના વર્ગ-2ના નિવૃત્ત અધિકારી છે. તેઓ ગત અઠવાડિયે જ પોતાના પુત્ર પાસે ઑસ્ટ્રેલિયાના સિડની જતા રહ્યા છે.

અહેવાલમાં મહેસાણાના કેસીમ્પા ગામના અબ્બાસ મીયાંજીભાઈ રામદાસા મોમીનને વડા પ્રધાને તેમના 'પરિવારજન' ગણાવ્યા હોવાની વાત કરાઈ છે.

પંકજભાઈએ અબ્બાસને 'કુલીન વ્યક્તિ' ગણાવી હતી. તેમજ તેઓ પાંચ વખત નમાજ પઢનારા અને હજ કરી ચૂકેલા હોવાની વાત પણ કરી હતી.

પંકજભાઈએ અહેવાલમાં આગળ કહ્યું કે, "અબ્બાસના અને મારા પિતા એકમેકના મિત્ર હતા. તેમના ગામમાં કોઈ કૉલેજ નહોતી અને તેઓ પ્રાથમિક શાળા બાદ અભ્યાસ છોડવાના હતા. મારા પિતાએ તેમને અભ્યાસ ન છોડવા સમજાવ્યા. અબ્બાસે અમારી સાથે રહીને આઠમા અને નવમા ધોરણમાં ભણ્યા."

વડા પ્રધાનના મોટા ભાઈ સોમાભાઈએ કહ્યું હતું કે, "તેઓ પંકજના સહાધ્યાયી હતા, લગભગ બે વર્ષ સુધી, તે અમારી સાથે અમારા ઘરમાં જ રહ્યા."

પંકજભાઈએ એ પણ વાત યાદ કરે છે કે કઈ રીતે તેમનો પરિવાર અબ્બાસ સાથે મળીને તહેવાર ઊજવતો.

પંકજભાઈએ અખબારને કહ્યું કે, "અબ્બાસ પરિવારની એક વ્યક્તિ જેવા હતા. તહેવારોમાં મારાં માતા તેમના માટે ભોજન બનાવતાં. મને મોહરમ યાદ છે જેમાં મુસ્લિમો શોક પાળે છે અને કાળાં કપડાં પહેરે છે... મારી પાસે એક શર્ટ હતું જે અબ્બાસ પહેરતા."


'2002ની હિંસામાં મકાન પર થયો હુમલો'

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નાના ભાઈ પ્રહ્લાદ મોદીએ બીબીસી ગુજરાતીના પ્રતિનિધિ ભાર્ગવ પરીખ સાથેની વાતચીતમાં કહ્યું કે, "અબ્બાસના પિતાનું અવસાન થયું ત્યારે એની આર્થિક સ્થિતિ સારી નહોતી. મારા નાના ભાઈ પંકજ મોદીએ મારી માતા અને પિતાને વાત કરી તો અબ્બાસને અમારા ઘરે રાખ્યો હતો."

પ્રહ્લાદ મોદી આગળ કહે છે કે, "અબ્બાસનાં સગાં ખેતમજૂરી માટે આબુ રોડ તરફ ગયાં હતાં. એટલે એને ભણવાનું છોડવું પડે એમ હતું. એસ.એસ.સી. પછી એ આગળ ભણીને ગુજરાત સરકારમાં નોકરીમાં જોડાયા. જાતે અબ્બાસ મોમીન હતા. અબ્બાસ રામછડા ગુજરાત પુરવઠા નિગમમાં મૅનેજર તરીકે કામ કરતા હતા. છેલ્લે એ નિવૃત્ત થયા ત્યારે પાટણ હતા. હાલ ઑસ્ટ્રેલિયા એમના દીકરા સાથે રહે છે."

અબ્બાસ વિશે વધુ વાત કરતાં પ્રહ્લાદ મોદી કહે છે કે, "2002ની હિંસા સમયે ગાંધીનગરમાં એમના મકાન પર હુમલો પણ થયો હતો. એ સમયે પણ એમણે કોઈ સરકારી સહાય લીધી નહોતી. અમારા ઘરના સભ્ય જેવો હતો." આ માહિતીની પુષ્ટિ સ્વતંત્રપણે બીબીસી ગુજરાતી નથી કરી શક્યું.


'મોદીના પિતા સાથે અબ્બાસના પિતાના સંબંધ વિશે ખ્યાલ નથી'

આ સિવાય બીબીસી ગુજરાતીના અન્ય એક પ્રતિનિધિ કેતન પટેલ અનુસાર વડનગરમાં ઉપરોક્ત મકાન અબ્બાસનું હોવાનું જણાવવામાં આવ્યું છે.

મકાનમાં રહેતા પરિવારે આ વાતની પુષ્ટિ કરી પરંતુ તેમણે વધુ માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો. તેમણે એ વાતની પુષ્ટિ કરવાનો પણ ઇનકાર કર્યો હતો કે અબ્બાસ હાલ ક્યાં છે.

કેતન પટેલ સાથેની વાતચીતમાં કેસીમ્પાના એક સ્થાનિકે કહ્યું કે, "અબ્બાસભાઈનો જન્મ મહેસાણાનો જ છે. તેમના બે દીકરા યાસીન અને નઝર અલી છે. જે પૈકી નાનો દીકરો નઝર અલી ઑસ્ટ્રેલિયામાં સર્વિસ કરે છે. જ્યારે યાસીન વડનગર ખાતે દુકાન ચલાવે છે."

તેઓ અબ્બાસ વિશે વધુ માહિતી આપતાં કહે છે કે, "અબ્બાસના બે ભાઈ છે. તેમનાં નામ નૂરમહમદ અને રસૂલ છે."

સ્થાનિક અબ્બાસના પિતા વિશે માહિત આપતાં જણાવે છે કે, "અબ્બાસના પિતા ખેડૂત હતા અને તેમની જમીન અહીં જ ગામમાં છે."

જોકે તેઓ વડા પ્રધાન મોદીના પિતા સાથે અબ્બાસના પિતાની ભાઈબંધી અંગેની વાત અંગે કશી જાણ ન હોવાનું જણાવે છે.


તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

Facebook પર સમાચાર વાંચવા અહીં ક્લિક કરો.

Instagram પર બીબીસી ગુજરાતીને અહીં ફૉલો કરો.

YouTube પર બીબીસી ગુજરાતીના વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો.

Twitter પર બીબીસી ગુજરાતીની ફૉલો કરવા અહીં ક્લિક કરો.


https://www.youtube.com/watch?v=yU7vS4rN62c

English summary
Abbas: Who is Prime Minister Modi's 'friend' Abbas really?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X