
શિવસેના બાદ AIADMK સાથે ગઠબંધન પર ભાજપની નજર, પીએમ મોદી સંભાળશે કમાન
આગામી લોકસભા ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી તમામ સ્થાનિક પક્ષો સાથે ગઠબંધનની કોશિશોમાં લાગી છે. આ કડીમાં પક્ષને સૌથી મોટી સફળતા મહારાષ્ટ્રમાં મળી છે જ્યાં ભાજપ શિવસેના વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી તકરાર ખતમ થઈ ગઈ છે. બંને પક્ષોએ ફરીથી એકવાર પરસ્પર મતભેદો ભૂલીને એકસાથે મળીને ચૂંટણી લડવાનું એલાન કર્યુ છે. મહારાષ્ટ્ર બાદ ભાજપની નજર હવે તમિલનાડુ પર છે. પક્ષ તમિલનાડુમાં એઆઈએડીએમકે સાથે ગઠબંધનની કોશિશ કરી રહી છે.

પીએમ મોદી, પીયુષ ગોયલ આજે તમિલનાડુમાં
એઆઈએડીએમકે સાથે ગઠબંધન માટે વાતચીત કરવા માટે કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલ આજે તમિલનાડુ પહોંચશે એટલુ જ નહિ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતે આજે તમિલનાડુ પહોંચશે અને અહીં તિરુપુર અને કન્યાકુમારીમાં ચૂંટણી જનસભાને સંબોધિત કરશે. ભાજપ તમિલનાડુમાં 20-20 સીટોની ફોર્મ્યુલા પર એઆઈએડીએમકે સાથે વાત કરવા ઈચ્છે છે જ્યારે પુડુચેરીમાં પક્ષ એક સીટ પર લડવા ઈચ્છે છે. માનવામાં આવી રહ્યુ છે કે ભાજપ અને તેના એનડીએ સહયોગીઓને 15 સીટો મળશે જ્યારે એઆઈએડીએમકે 25 સીટો પર ચૂંટણી લડી શકે છે અને આ ફોર્મ્યુલા પર વાત બની ગઈ છે.

રજનીકાંતના નિર્ણયની જોવાતી હતી રાહ
જાણકારી અનુસાર ભાજપ 15માંથી 8 સીટો પર પોતાના ઉમેદવાર ઉતારશે અને બાકીની સીટો વિજયકાંતના પક્ષ ડીએમકે, અનબુમણિના પક્ષ પીએમકે અને નાના પક્ષો જેવા કે પુથિયા થમિજગનને આપશે. ભાજપના સૂત્રો અનુસાર ભાજપ અને એઆઈએડીએમકે રજનીકાંતના નિર્ણયની રાહ જોઈ રહ્યા હતા. માનવામાં આવી રહ્યુ હતુ કે રજનીકાંત બંને પક્ષો સાથે આવી શકે છે. પરંતુ જે રીતે રજનીકાંતે આગામી ચૂંટણી નહિ લડવાનો નિર્ણય કર્યો તે બાદ બંને પક્ષો વચ્ચે વાતચીતનો દોર શરૂ થયો.

સીટ ફોર્મ્યુલા પર વાત
ભાજપ નેતૃત્વને ભરોસો છે કે સરકાર વિરોધી માહોલ બાદ પણ ગઠબંધનની સ્થિતિ રાજ્યમાં મજબૂત રહેશે. જે રીતે ઈ પલાનીસ્વામીએ રાજ્યને લોકલોભામણુ બજેટ આપ્યુ છે તેનાથી પક્ષની અપેક્ષા વધી છે. માનવામાં આવી રહ્યુ છે કે ગયા સપ્તાહે પીયુષ ગોયલે મોડી રાતે એઆઈએડીએમકે નેતા પલાનીસ્વામી, ઓ પન્નીરસેલ્વમ સાથે મળીને સીટોની વહેંચણીની ફોર્મ્યુલાને અંતિમ રૂપ આપવામાં સફળતા મેળવી લીધી છે. એનડીએના ખાતામાંથી પીએમકે, ડીએમકેને 3-3 સીટો મળી શકે છે.

પીએમની લોકપ્રિયતા પર નિર્ભર ભાજપ
તમિલનાડુમાં ભાજપ મુખ્ય રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા પર નિર્ભર છે. પક્ષને એ વાતનો વિશ્વાસ છે કે પીએમ મોદીની લોકપ્રિયતાનો તેમને આગામી લોકસભા ચૂંટણીમાં લાભ મળશે. એટલુ જ નહિ કોઈમ્બતુર, શિવગંગા, તિરુપુરમાં વિકાસ કાર્યોના કારણે ભાજપને અહીં લાભ થઈ શકે છે.
આ પણ વાંચોઃ કુલભૂષણ જાધવ કેસમાં પ્રોપાગાંડા કરી રહ્યુ છે પાકિસ્તાન - ICJમાં ભારતનું નિવેદન