લોકસભામાં પાસ થયુ કૃષિ કાયદા વાપસી બિલ 2021, કૃષિ મંત્રી તોમર શું-શું બોલ્યા?
નવી દિલ્લીઃ વિવાદિત કૃષિ કાયદાને પાછા લેવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિર્ણય બાદ આજે કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર પોતાના કાયદા વાપસી કરાવવા માટે સંસદમાં ઉપસ્થિત થયા. આ દરમિયાન વિપક્ષી પાર્ટીઓએ નારેબાજી વચ્ચે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે લોકસભામાં કૃષિ કાયદા વાપસી બિલ 2021 રજૂ કર્યુ કે જે પાસ પણ થઈ ગયુ. કૃષિ મંત્રીએ જેવુ બોલવાનુ શરૂ કર્યુ કે સંસદમાં વિપક્ષી સાંસદો હોબાળો કરવા લાગ્યા. કોંગ્રેસ પાર્ટીના નેતા અધીર રંજન ચૌધરીએ સંસદમાં બિલ પર ચર્ચાની માંગ કરી. જો કે આવુ ન થયુ. સંસદમાં વિપક્ષી સાંસદોના હોબાળા કરવા પર લોકસભા સ્પીકરે લોકસભાને આજે બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી.
લોકસભામાં આજે 12 વાગે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર જ્યારે કૃષિ કાયદા વાપસી બિલ 2021 રજૂ કરી રહ્યા હતા ત્યારે કોંગ્રેસ સહિત ઘણા વિપક્ષી દળોના સાંસદોએ સરકારને કોસી. વિપક્ષી સાંસદોની નારેબાજી વચ્ચે પણ કૃષિ મંત્રી પોતાનુ બિલ રજૂ કરતા દેખાયા. થોડી વારમાં જ તે બિલ પાસ થઈ ગયુ. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યુ કે કૃષિ કાયદા વાપસી બિલ 2021 આજે બપોરે 2 વાગે જ રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. આ તરફ એક વિપક્ષી નેતાએ કહ્યુ કે સરકારે જવાબ આપવો પડશે. સરકાર આવો કાયદો કેમ લઈને આવી.
તમને જણાવી દઈએ કે સત્રના પહેલા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, 'તેમની સરકાર દરેકના સવાલના જવાબ આપવા માટે તૈયાર છે. અમે ખુલ્લી ચર્ચા માટે પણ તૈયાર છે. તેમણે કહ્યુ કે સંસદમાં સવાલ થવા જોઈએ પરંતુ શાંતિ પણ રહેવી જોઈએ. આ સંસદનુ એક મહત્વપૂર્ણ સત્ર છે કે જે દેશના દરેક નાગરિકના ઉજ્વળ ભવિષ્ય માટે ખૂબ જરૂરી છે માટે અમે ઈચ્છીએ છીએ કે સંસદનુ સત્ર સુચારુ રીતે ચાલે. અમે ઈચ્છીએ છીએ કે રચનાત્મક અને સકારાત્મક ચર્ચા થાય. આપણે સંસદની કાર્યવાહીનુ ધ્યાન રાખીને મુદ્દાઓ પર ચર્ચા કરવી જોઈએ.'