
કૃષિ બિલોના વિરોધમાં આખા દેશમાં 25 સપ્ટેમ્બરે ચક્કાજામ, ટિકૈતે કહ્યુ - અન્યાય સહન નહિ
નવી દિલ્લીઃ કૃષિ બિલના વિરોધમાં હરિયાણા અને પંજાબમાં ખેડૂકો રસ્તા પર આવી ગયા છે. ખેડૂતોની માંગ છે કે સરકારના આ બિલો ખેડૂત વિરોધી છે અને તાત્કાલિક ધોરણે પાછા લેવામાં આવે અને આના કારણે ભારતીય કિસાન યુનિયન(ભાકિયુ) સહિત વિવિધ ખેડૂત સંગઠનોએ 25 સપ્ટેમ્બરે દેશભરમાં ચક્કાજામ કરવાનુ એલાન કર્યુ છે. આ વિશે વાત કરતા ભાકિયુના પ્રવકતા અને ઉત્તર પ્રદેશના ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યુ કે, 'કૃષિ બિલોના વિરોધમાં આખા દેશમાં 25 સપ્ટેમ્બરે ચક્કાજામ રહેશે જેમાં પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર, કર્ણાટક સહિત લગભગ આખા દેશના ખેડૂત સંગઠન પોતાની વિચારધારાઓથી ઉપર ઉઠીને એક થશે, અમે અન્યાય સહન નહિ કરીએ.'

'કેન્દ્ર સરકારે ખેડૂતોનો ફોસલાવવાનુ કર્યુ છે કામ'
વળી, પંજાબ અને હરિયાણાના ખેડૂતોએ કહ્યુ કે તે કૃષિ બિલોનો બિલકુલ સ્વીકાર નહિ કરે પરંતુ તે શાંતિપૂર્ણ રીતે આંદોલન કરશે, ખેડૂત કો-ઑર્ડિનેશન કમિટીના સભ્ય સતનામ સિંહ બહિરુએ કહ્યુ કે કેન્દ્ર સરકારે ખેડૂતોને ફોસલાવવા માટે એમએસપીમાં જે વધારો કરવામાં આવ્યો છે, તે ખૂબ જ સામાન્ય છે. આ ખેડૂતોના જખમ પર મીઠુ છાંટવા જેવુ છે, અમે આનો સ્વીકાર ન કરી શકીએ.

કૃષિ બિલ પર રાજકારણ ગરમાયુ
તમને જણાવી દઈએ કે કૃષિ બિલ પર રાજકારણ પણ ગરમાયુ છે. ઉત્તર પ્રદેશમાં ભારતીય કિસાન સંગઠનના પ્રદેશ અધ્યક્ષ રાજેન્દ્ર યાદવે પણ કહ્યુ છે કે 25 સપ્ટેમ્બરે ભારત બંધમાં તેમનુ સંગઠન શામેલ છે. વળી, શિરોમણિ અકાલી દળ સહિત કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ તેમજ અન્ય વિપક્ષી દળોના નેતાઓએ સરકારના આ બિલને ખેડૂત વિરોધી કહ્યુ છે.

વિપક્ષે રાષ્ટ્રપતિને હસ્તાક્ષર ન કરવાની કરી અપીલ
જ્યારે કેન્દ્ર સરકારે ત્રણે બિલોને ખેડૂતના હિતમાં ગણાવ્યા છે. તમને જણાવી દઈએ કે કૃષિ સાથે જોડાયેલા ત્રણે મહત્વના બિલો, કૃષક ઉપજ વેપાર તેમજ વાણિજ્ય (સંવર્ધન તેમજ સુવિધા) બિલ 2020, કૃષક (સશક્તિકરણ તેમજ સંરક્ષણ) કિંમત આશ્વાસન અને કૃષિ સેવા પર કરાર બિલ 2020 અને જરૂરી વસ્તુ(સંશોધન) બિલ-2020ને પણ સંસદની મંજૂરી મળી ચૂકી છે. હવે આબિલ રાષ્ટ્રપતિ કોવિંદ પાસે હસ્તાક્ષર માટે જશે ત્યારબાદ આ બિલ કાયદાના રૂપ લઈ લેશે પરંતુ એક દિવસ પહેલા જ વિપક્ષી દળોના સાંસદોએ રાષ્ટ્રપતિને વિનંતી કરી છે કે તે કૃષિ બિલ પર હસ્તાક્ષર ન કરે અને તેમને પાછા મોકલી દે. આ સિલસિલામાં રાજ્યસભામાં વિપક્ષ નેતા ગુલામનબી આઝાદે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી અને વિપક્ષી સાંસદો તરફથી રાષ્ટ્રપતિને એક આવેદન આપ્યુ છે.
કૃષિ બિલોના વિરોધમાં ખેડૂતોનુ 'રેલ રોકો' આંદોલન આજથી શરૂ