અરનબ ગોસ્વામીને રાજદીપે કહ્યું, ફેંકુગીરીની પણ હદ હોય!

Written By:
Subscribe to Oneindia News

વરિષ્ઠ પત્રકારો રાજદીપ સરદેસાઇ અને અરનબ ગોસ્વામી ક્યારેક સાથે કામ કરતા હતા. મંગળવારે સવારે રાજદીપ સરદેસાઇએ માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વીટર પર અરનબ ગોસ્વામી પર પ્રહાર કરતા તેમના એક જુઠ્ઠાણા પરથી પડદો ઊંચક્યો હતો. તેમણે અરનબ ગોસ્વામીનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં અરનબ 2002ના ગુજરાત રમખાણો કવર કર્યાની ઘટના વર્ણવી રહ્યાં છે, પરંતુ રાજદીપ સરદેસાઇએ સ્પષ્ટ કર્યું છે કે અરનબનો આ દાવો ખોટો છે.

Rajdeep Sardesai’s tweet exposes Arnab Goswami

રાજદીપ સરદેસાઇએ અરનબ ગોસ્વામીના એક યૂટ્યૂબ વીડિયોની લિંક પોસ્ટ કરતાં 2 ટ્વીટ કર્યા હતા. એક ટ્વીટમાં તેણે લખ્યું હતું કે, 'મારા મિત્ર અરનબ ગોસ્વામીનું કહેવું છે કે, ગુજરાતના 2002ના રમખાણો દરમિયાન અમદાવાદમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાનની નજીક તેમની ગાડી પર હુમલો થયો હતો. સત્ય: તેઓ અમદાવાદ રમખાણો કવર નહોતા કરી રહ્યાં.' બીજા ટ્વીટમાં તેણે લખ્યું છે, 'ફેંકુગીરીની પણ હદ્દ હોય છે. આ જોયા પછી મને મારા પ્રોફેશન માટે દુઃખ થાય છે.' રાજદીપ સરદેસાઇના આ ટ્વીટ પર ઘણા લોકોએ તેમનો સાથ આપી હામી ભરી છે.

રાજદીપ સરદેસાઇએ પોસ્ટ કરેલ વીડિયોમાં અરનબ ગોસ્વામી 2002ના રમખાણો અંગે બોલતા નજરે પડે છે. આ વીડિયોમાં અરનબ ગોસ્વામીએ જે કહ્યું તેનો ભાવાનુવાદ કંઇક આ મુજબ છે: મુખ્યમંત્રીના ઘરથી લગભગ 50 મીટર દુર અમારી એમ્બેસેડર કારને રોકવામાં આવી હતી. દરેક બાજુએથી ત્રિશુળધારીઓ ગાડી પર હુમલો કરી રહ્યાં હતા. તેમણે અમને અમારો ધર્મ જણાવવા કહ્યું. અમે કહ્યું, અમે પત્રકારો છીએ. તેમ છતાં તેમણે ધર્મ જાણવાનો આગ્રહ પકડી રાખ્યો. તે સમયે અમારી સાથે લઘુમતી જાતિનું કોઇ નહોતું. અમારી પાસે અમારા પ્રેસ કાર્ડ અને આઇડી કાર્ડ હતા, પરંતુ મારા ડ્રાઇવર પાસે કંઇ નહોતું. તેના ચહેરા પર ડર હું સ્પષ્ટ જોઇ શકતો હતો. ભગવાનની કૃપાથી તેણે 'હે રામ' લખેલ એક ટેટૂ કરાવ્યું હતું. તેણે મૂંગા મોઢે એ ટેટૂ બતાવ્યું અને અમે ત્યાંથી નીકળી ગયા.

અરનબ ગોસ્વામી વીડિયોમાં આ સમગ્ર ઘટના ખૂબ વિશ્વાસ સાથે બોલતા જોવા મળે છે અને અડધેથી વીડિયો અચાનક જ સમાપ્ત થઇ જાય છે. આ ઘટના અંગે પોતાના શ્રેણીબદ્ધ ટ્વીટમાં અન્યોને જવાબ આપતાં રાજદીપ સરદેસાઇએ એ વાતનો ખુલાસો પણ કર્યો છે કે, આ ઘટના ખરેખર બની હતી, પરંતુ તે સમયે એ પત્રકારોમાં અરનબ ગોસ્વામી હાજર નહોતા. નોંધનીય છે કે, કાલ સુધી યૂટ્યૂબ પર ઉપલબ્ધ આ વીડિયો હવે ખસેડી લેવામાં આવ્યો છે.

આ મામલે પત્રકાર રાહુલ કાનવાલે પણ ટ્વીટ કરતાં અરનબ ગોસ્વામી પર કટાક્ષ કર્યો છે. તેમણે લખ્યું છે, જો કોઇ બીજા અંગે ખુલાસો થયો હોત, તો અત્યારે અરનબ ટીવી પર એ અંગે બોલતો હોત. પરંતુ જ્યારે એ ખુલ્લો પડ્યો તો ઉંદરની માફક ચૂપ બેઠો છે.

English summary
Rajdeep Sardesai’s tweet exposes Arnab Goswami’s lie about his car being attacked during Gujarat riots.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.