
મહાત્મા ગાંધી પર વિવાદાસ્પદ ટિપ્પણી કરનાર કાલીચરણની ધરપકડ, છત્તીસગઢ સરકારે દેશદ્રોહનો કેસ નોંધ્યો!
રાયપુર, 30મી ડિસેમ્બર : છત્તીસગઢની રાયપુર પોલીસે મધ્યપ્રદેશના ખજુરાહોમાંથી કાલીચરણ મહારાજની ધરપકડ કરી હતી અને ગુરુવારે વહેલી સવારે મહાત્મા ગાંધીનું અપમાન કરતા કથિત ભડકાઉ ભાષણ બદલ રાજદ્રોહનો આરોપ મૂક્યો છે. તપાસ દરમિયાન પુરાવાના આધારે કલમ 153A(1)(a), 153B(1)(a), 295A, 505(1)(b) પણ સામેલ કરવામાં આવી છે. તાજેતરમાં યોજાયેલી ધર્મ સંસદમાં કાલીચરણ મહારાજ ઉર્ફે અભિજીત ધનંજય સરગે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું.
છત્તીસગઢના રાયપુરમાં આયોજિત સંતોની ધર્મ સંસદમાં કાલીચરણ મહારાજે મહાત્મા ગાંધી પર અભદ્ર ટિપ્પણી કરી હતી. ત્યારથી રાયપુર પોલીસ મહારાજની સામે એફઆઈઆર નોંધીને તેમની ધરપકડ કરવા માટે શોધમાં હતી. આ દરમિયાન પોલીસને માહિતી મળી કે કાલીચરણ મહારાજ ખજુરાહોથી 25 કિમી દૂર બાગેશ્વર ધામ પાસે ભાડાના રૂમમાં રોકાયો છે.
રાયપુરના પોલીસ અધિકારી પ્રશાંત અગ્રવાલે જણાવ્યું કે, કાલીચરણ મહારાજે તેમના તમામ ફોન નંબર સ્વિચ ઓફ કરી દીધા હતા, પોલીસની ટીમ આરોપીઓને લઈને ગુરુવારે મોડી સાંજે રાયપુર પહોંચશે, ત્યારબાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. રાયપુર પોલીસની આ કાર્યવાહી બાદ હવે મધ્યપ્રદેશ સરકારમાં ખળભળાટ મચી ગયો છે. વહીવટીતંત્રના નાક નીચેથી કાલીચરણની ધરપકડથી એમપીના રાજકારણમાં ભૂકંપ આવી ગયો છે.
#WATCH Raipur Police arrests Kalicharan Maharaj from Madhya Pradesh's Khajuraho for alleged inflammatory speech derogating Mahatma Gandhi
— ANI (@ANI) December 30, 2021
(Video source: Police) pic.twitter.com/xP8oaQaR7G
મધ્યપ્રદેશ સરકારે એક નિવેદનમાં કહ્યું કે છત્તીસગઢની કોંગ્રેસ સરકારે મધ્યપ્રદેશ પોલીસને જાણ કર્યા વિના કાલીચરણ મહારાજની ધરપકડ કરીને આંતર-રાજ્ય પ્રોટોકોલનું ઉલ્લંઘન કર્યું છે. એમપી ડીજીપીએ છત્તીસગઢ ડીજીપી સાથે વાત કરી છે અને ધરપકડની પ્રક્રિયા પર વાંધો નોંધાવીને સ્પષ્ટતા માંગી છે. અમે તમને જણાવી દઈએ કે રાયપુર પોલીસે કાલીચરણ મહારાજ વિરુદ્ધ IPCની કલમ 505(2) સમાજ વચ્ચે દુશ્મનાવટ, દ્વેષ અથવા દુષ્ટતા પેદા કરવી અને તેને પ્રોત્સાહન આપવી અને કલમ 294 કોઈપણ જાહેર સ્થળે વાંધાજનક કૃત્ય કરવું હેઠળ કેસ નોંધ્યો છે.