For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આર્યન ખાન: શાહરુખ ખાનના પુત્રને જામીન શા માટે નથી મળતા?

બોલીવૂડના સુપરસ્ટાર શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનની એક ક્રૂઝ પર કથિત રેવ પાર્ટીના મામલામાં નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી)એ ત્રણ ઑક્ટોબરે ધરપકડ કરી હતી.ત્રણ અઠવાડિયાં પછી પણ આ મામલો સમાચારોમાં ચમકી રહ્યો છે, કેમ કે

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News

બોલીવૂડના સુપરસ્ટાર શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનની એક ક્રૂઝ પર કથિત રેવ પાર્ટીના મામલામાં નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી)એ ત્રણ ઑક્ટોબરે ધરપકડ કરી હતી.

ત્રણ અઠવાડિયાં પછી પણ આ મામલો સમાચારોમાં ચમકી રહ્યો છે, કેમ કે આટલા દિવસો છતાં આર્યન ખાનને જામીન મળ્યા નથી.

20 ઑક્ટોબરે મુંબઈની એક વિશેષ અદાલતે આર્યન ખાન અને અન્ય બે આરોપીઓને જામીન આપવાની મનાઈ કરી.

Aryan Khan
જામીન અરજીને નકારી કાઢીને અદાલતે જણાવ્યું કે ભલે આર્યન ખાન પાસેથી કોઈ ડ્રગ્ઝ ના મળ્યું હોય, પરંતુ તેને એ વાતની ખબર હતી ખરી કે તેના દોસ્ત અરબાઝ મર્ચન્ટ પાસે પ્રતિબંધિત પદાર્થો છે અને બીજું કે બંને સાથે પણ હતા એટલે તેને 'કૉન્શિયસ પઝેશન' (જાણકારી સાથે ડ્રગ્ઝ રાખવા) માની શકાય.

અરબાઝ મર્ચન્ટ પાસેથી છ ગ્રામ ચરસ મળ્યું હતું.

જામીન ના આપવાનો ચુકાદો આપતો અદાલતે વૉટ્સઍપ ચેટ્સનો પણ ઉલ્લેખ કર્યો, જે એનસીબીએ અદાલત સામે મૂકી હતી.

અદાલતે કહ્યું કે આ વૉટ્સઍપ ચેટ્સથી એવું લાગે છે કે આર્યન ખાન કેટલા અજ્ઞાત લોકો સાથે ડ્રગ્ઝ અંગે ચેટ કરી રહ્યો હતો તથા એવું પણ લાગે છે કે આ ચેટ્સમાં ડ્રગ્ઝની વધુ માત્રા અને હાર્ડ ડ્રગ્ઝ હોવાની વાતો પણ થઈ રહી છે.

આ આધારે અદાલતે એવું કહ્યું કે પ્રથમ નજરે એવું લાગે છે કે આર્યન ખાન પ્રતિબંધિત નશીલા પદાર્થો વેચનારા લોકો સાથે સંપર્કમાં હતા અને નિયમિત રીતે માદક પદાર્થો સાથે જોડાયેલી ગેરકાનૂની ગતિવિધિઓમાં સામેલ હતા.

આથી એવું કહી શકાય નહીં કે જામીન પર છૂટ્યા પછી ખાન ફરીથી આવો જ ગુનો નહીં કરે.

વિશેષ અદાલતે એમ પણ કહ્યું કે આ મામલામાં પ્રથમ નજરે કાવતરાના પુરાવા છે અને મુકદ્દમો ચાલે ત્યારે તેને વધારે ઊંડાઈથી તપાસી શકાશે.

બીજી બાજુ બચાવ પક્ષે કહ્યું હતું કે આ મામલામાં આર્યન ખાન સામે કોઈ પુરાવો નથી. જોકે અદાલતે માન્યું કે આ મામલાના બધા આરોપીઓ એક બીજા સાથે જોડાયેલા છે અને એવું લાગે છે કે તે બધા કોઈ મોટા નેટવર્કનો હિસ્સો છે.

ત્રીજી ઑક્ટોબરે એનસીબીએ ડ્રગ્ઝના મામલામાં એક રેડ પાડી હતી અને તેમાં આર્યન ખાનની ધરપકડ કરી હતી.

મુંબઈના દરિયાકિનારા નજીક એક ક્રૂઝ શિપમાં પાર્ટી પર રેડ પાડી હતી અને તેમાં આર્યન ખાન તથા અન્યોને ડ્રગ્ઝ લેવાના આરોપ પકડી લીધા હતા. આ બાબતમાં અત્યાર સુધીમાં 20 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

આર્યન ખાન અને અન્ય આરોપીઓ સામે એનડીપીએસ અધિનિયમની કલમ 8 (સી) ઉપરાંત 20 બી (ખરીદી), 27 (વપરાશ), 28 (અપરાધનો પ્રયાસ), 29 (ઉશ્કેરણી અને કાવતરું) અને 35 (દોષી માનસિકતાનું અનુમાન) વગેરે કલમ હેઠળ કેસ કરવામાં આવ્યો છે.


મામલા સાથે જોડાયેલા સવાલો

આ કિસ્સામાં એક સવાલ વારેવારે પૂછવામાં આવી રહ્યો છે કે આર્યન ખાન પાસેથી ડ્રગ્ઝ મળ્યું નહોતું અને એવા કોઈ પુરાવા પણ નથી કે તેમણે નશો કર્યો હોય, તો પછી કયા આધારે તેમને જામીન આપવાનો ઇનકાર થઈ રહ્યો છે?

સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ વિકાસસિંહ કહે છે કે મીડિયામાં ઊહાપોહ અને એનસીબીના વલણને કારણે આર્યન ખાનને જામીન મળી રહ્યા નથી.

તેઓ કહે છે, "આ કાયદો મુખ્યત્વે આરોપીઓ પાસેથી ડ્રગ્ઝ મળ્યું હોય તેના પર આધારિત છે. આરોપી પાસેથી કેટલું ડ્રગ્ઝ મળ્યું તેના આધારે જ સજા થતી હોય છે.''

''આ મામલામાં આરોપી આર્યન ખાન માત્ર ડ્રગ્ઝ લેવાનો આરોપી હશે તો તે જામીનલાયક ગુનો છે. નશીલા પદાર્થો લેવાના મામલામાં તેની સામે આરોપો નબળા છે, કેમ કે તેના કબજામાંથી કોઈ ડ્રગ્ઝ પણ મળ્યું નથી કે તેના લોહીના અને વાળના નમૂના પણ લેવામાં આવ્યા નથી."

ચોંકાવનારી વાત એ છે કે એનસીબી આર્યન ખાનને મેડિકલ તપાસ માટે લઈ ગઈ હતી, પરંતુ તેના લોહી, પેશાન કે હેર ફૉલિકલ્સના નમૂના લેવામાં આવ્યા નહોતા.

નશીલા પદાર્થોના મામલામાં આરોપીના લોહી અને પેશાબના નમૂના સાથે હેર ફૉલિકલ ટેસ્ટ પણ કરવામાં આવે છે, જેથી નશીલા પદાર્થોનો ઉપયોગ કર્યાનું પ્રમાણ મળી શકે.

જાણકારો કહે છે કે આ સ્થિતિમાં એનસીબીના કેસનો પૂરો આધાર આર્યન ખાન ડ્રગ્ઝની દાણચોરી અને તેના કાવતરામાં સામેલ હતો તેના પર છે. આ આરોપોને કારણે તેમને અદાલતમાંથી જામીન પર છોડાવવા મુશ્કેલ બની શકે છે.

વકીલ આશિમા મંડલા કહે છે કે એવું લાગે છે કે ફરિયાદી પક્ષ તરફથી મામલામાં ઘણી ખામીઓ રહી ગઈ છે.

તેઓ કહે છે, "આરોપીઓ પર જે કલમો લગાવવામાં આવી છે, તેમાં ડ્રગ્ઝ રાખવા અને તેનો ઉપયોગ કરવાના છે. પરંતુ ફરિયાદી પક્ષે તે માટે કોઈ મજબૂત પુરાવાઓ મૂક્યા નથી."

મંડલા કહે છે કે એનસીબીએ પહેલાં એવું કહ્યું હતું કે આર્યન ખાન પાસેથી ડ્રગ્ઝ મળ્યું છે, પણ બાદમાં એ વાતનો ઇનકાર કર્યો હતો.

બાદમાં એવું પણ જણાવાયું કે ડ્રગ્ઝ લીધું હતું, પણ તેને સાબિત કરવા માટેના કોઈ મેડિકલ પુરાવાઓ નથી.

તેઓ કહે છે, "તો શું એનસીબી એવું કહેવા માગે છે કે તે પેડલર છે? જો આવો જ આરોપ હોય તો કબજે કરવામાં આવેલા ડ્રગ્ઝનું પ્રમાણ એટલું ઓછું છે કે તેને સાબિત કરવું મુશ્કેલ છે."

તેમના જણાવ્યા અનુસાર જામીન આપવાનો નિર્ણય અદાલત પોતાની સામે મૂકવામાં આવતા પુરાવાના આધારે કરે છે, મામલાના ગુણદોષના આધારે નહીં.

તેઓ ઉમેરે છે કે જો આરોપ કૉન્શિયલ પઝેશનનો હોય તો પછી ક્રૂઝ પર રહેલા બાકીના લોકો પર કેમ આરોપ ના લાગ્યા અને માત્ર 20 લોકો પૂરતા જ આરોપો કેમ સીમિત રાખવામાં આવ્યા.


શું આખો મામલો વૉટ્સઍપ ચેટ પર આધારિત છે?

જાણકારો કહે છે કે અત્યાર સુધીમાં જે વાતો બહાર આવી છે તેના આદારે એવું લાગે છે કે એનસીબીએ આ આરોપીઓ સામે વૉટ્સઍપ ચેટના આધારે મુકદ્દમો કર્યો છે.

કંઈક આવું જ ગયા વર્ષે અભિનેત્રી રિયા ચક્રવર્તીની ધરપકડ વખતે પણ જોવા મળ્યું હતું. કેટલાય દિવસો સુધીની પૂછપરછ પછી એનસીબીએ ડ્રગ્ઝના એક કેસમાં ગયા સપ્ટેમ્બરમાં રિયાની ધરપકડ પણ કરી હતી.

ગયા વર્ષે 28 દિવસ સુધી જેલમાં રહ્યા બાદ રિયા ચક્રવર્તીને બૉમ્બે હાઈકોર્ટે જામીન આપ્યા હતા.

આર્યન ખાનના વકીલોએ પણ હવે બૉમ્બે હાઈકોર્ટમાં અરજી કરી છે અને તેમની જામીન અરજી પર 26 ઑક્ટોબર સુનાવણી થશે.


શું વૉટ્સઍપ ચેટને આધાર બનાવી શકાય?

આર્યન ખાનને જામીન ના આપવાના કારણો આપતા અદાલતે વૉટ્સઍપ ચેટનો હવાલો આપ્યો હતો. તેમાં કથિતરૂપે આર્યન ખાન અને અજાણ્યા લોકો વચ્ચે ડ્રગ્ઝની બાબતમાં ચેટ થઈ હોવાનું કહેવાયું છે.

તો શું માત્ર વૉટ્સઍપ ચેટ્સના આધારે જ આર્યન ખાનની જામીન અરજી નામંજૂર થઈ શકે ખરી?

અંગ્રેજી અખબાર ટાઇમ્સ ઑફ ઇન્ડિયાએ 15 જુલાઈએ એક સમાચાર પ્રગટ કર્યા હતા, જેમાં જણાવ્યા અનુસાર સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશની અધ્યક્ષતામાં એક ખંડપીઠે એક મામલાની સુનાવણીમાં કહ્યું હતું કે વૉટ્સઍપ ચેટ જેવા સોશિયલ મીડિયા પ્લૅટફોર્મ પર સંદેશાનું આદાનપ્રદાન થાય તેનું કોઈ મહત્ત્વ નથી.

આ સમાચારમાં જણાવ્યા અનુસાર સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે સોશિયલ મીડિયામાં આજકાલ કંઈ પણ ઉપજાવી શકાય છે અને હઠાવી શકાય છે, તેથી અદાલત વૉટ્સઍપ મૅસેજને કોઈ મહત્ત્વ આપતી નથી.

આશિમા મંડલા કહે છે કે એનસીબી પાસે વૉટ્સઍપ ચેટના આધારે આરોપીઓ સામેના પુરાવા હોય તો તેમણે એ બધાં નામો જાહેર કર્યા વિના, તે ચેટમાં શું છે તે જાહેર કરવું જોઈએ. તે રીતે આરોપોની સ્પષ્ટતા થઈ શકે છે.


'મીડિયા ટ્રાયલ વધારે, તપાસ ઓછી'

વકીલ વિરાગ ગુપ્તા કહે છે કે આ મામલામાં મુદ્દો એ નથી કે કાયદો કડક છે કે નહીં, પણ તેનો યોગ્ય ઉપયોગ થઈ રહ્યો છે કે કેમ તે સવાલ છે.

તેઓ કહે છે, "આ મામલામાં એવું લાગે છે કે મીડિયા ટ્રાયલ વધારે થઈ રહી છે અને ગંભીર અપરાધનાં જુદાંજુદાં પાસાંમાં ચુસ્ત તપાસ થવી જોઈએ તે થઈ રહી દેખાતી નથી.''

''જો આર્યન ખાન આંતરરાષ્ટ્રીય ડ્રગ રૅકેટનો હિસ્સો હોય તો તેની ધરપકડ પછી આટલા દિવસોમાં ઘણી જગ્યાએ દરોડા પડવા જોઈએ, બૅન્ક ખાતાંઓની તપાસ થવી જોઈએ. આવી તપાસના કોઈ ખબર હજી સુધી આવ્યા નથી."

ગુપ્તાના જણાવ્યા અનુસાર એનસીબીએ આરોપ મૂક્યો છે કે આર્યન ખાન આંતરરાષ્ટ્રીય ડ્રગની હેરફેરની મોટી ગૅંગ સાથે જોડાયેલો છે, તેથી તેને જામીન મળવા મુશ્કેલ છે.

એનસીબી જામીનનો વિરોધ કરે છે અને જણાવ્યું છે કે આરોપીનો પરિવાર પ્રભાવશાળી હોવાથી તે પુરાવા સાથે છેડછાડ કરી શકે છે.


ધ્યાન ખેંચવા માટે હાઈ પ્રોફાઇલ લોકોની ધરપકડો?

વિરાગ ગુપ્તા કહે છે, "જો આ દાવો સાચો હોય અને વૉટ્સઍપ ચેટ અને આરોપીઓ પાસે ગુનો કબૂલ કરાવવા માટે નિવેદનો સિવાયના અન્ય મજબૂત પુરાવા ભેગા કરવા માટે એનસીબી કેમ પ્રયાસો કરી રહી નથી?''

"સવાલ એ છે કે આર્યન સાથે જોડાયેલા બૅન્ક ખાતાને સીલ કરવાની સાથે ઘર પર દરોડો પાડીને જરૂરી દસ્તાવેજો કેમ કબજે કરવામાં આવ્યા નથી, કે જેથી આ હેરફેર સાથે જોડાયેલી ટોળકીને ખુલ્લી પાડીને તેને સજા કરી શકાય?"

વિકાસસિંહનું માનવું છે કે એનસીબી હાઈ પ્રોફાઇલ ધરપકડો કરીને મીડિયામાં ધ્યાન ખેંચવા પ્રયત્ન કરે છે અથવા તો બીજી બાબતોથી ધ્યાન હઠાવવા માટેના પ્રયાસો કરે છે.

તેઓ યાદ કરતા કહે છે, "ગયા વર્ષે પણ એનસીબીએ ઘણા ફિલ્મસ્ટારોને બોલાવીને કેટલાય દિવસો સુધી પૂછપરછ કરી હતી."

વિકાસસિંહનું માનવું છે કે એનસીબી માત્ર લોકોને હેરાન કરવા માટે કાયદાનો દુરુપયોગ કરી રહી છે.

તેઓ કહે છે, "એનસીપી ડ્રગ્ઝની હેરફેર કરનારી મોટી ટોળકીના બદલે માત્ર ડ્રગ્ઝનો ભોગ બનેલા લોકો પર જ ધ્યાન કેન્દ્રીત કરી રહી હોય તેવું લાગે છે."



https://www.youtube.com/watch?v=rJ65JuH7pQ0

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Aryan Khan: Why Shah Rukh Khan's son does not get bail?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X