પંજાબમાં ભગવંત માન આપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર હશે, ટૂંક સમયમાં જાહેરાત થઈ શકે!
ચંદીગઢ, 04 જાન્યુઆરી : પંજાબમાં આવનારી વિધાનસભા ચૂંટણી માટે તમામ પક્ષો પોતાની રણનીતિ બનાવવામાં વ્યસ્ત છે. એક તરફ પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ મુખ્યમંત્રીના ચહેરાની જાહેરાત કરવા માટે હાઈકમાન્ડ પર દબાણ કરી રહ્યા છે. બીજી તરફ આમ આદમી પાર્ટી ટૂંક સમયમાં તેના સીએમ ચહેરાની જાહેરાત કરી શકે છે. સમાચાર આવી રહ્યા છે કે પંજાબમાં AAPના મુખ્યમંત્રી ભગવંત માન હોઈ શકે છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ટૂંક સમયમાં ભગવંત માનના નામ પર મહોર લાગવા જઈ રહી છે.
સૂત્રો પાસેથી મળેલા સમાચાર મુજબ આમ આદમી પાર્ટીએ પંજાબ ચૂંટણી માટે ભગવંત માનને સીએમ ચહેરો બનાવવાનું મન બનાવી લીધું છે. તેની ઔપચારિક જાહેરાત પણ ટૂંક સમયમાં થઈ શકે છે. જો આમ થશે તો આમ આદમી પાર્ટી પંજાબની ચૂંટણીમાં મુખ્યમંત્રીની જાહેરાત કરનારી પ્રથમ પાર્ટી બની જશે. રિપોર્ટ્સનું માનીએ તો પીએસીની બેઠકમાં સંગરુરના સાંસદ ભગવંત માનના નામને લીલી ઝંડી મળી ગઈ છે.
જ્યારે ટૂંક સમયમાં માનના નામની ઔપચારિક જાહેરાત થવાની બાકી છે ત્યારે એવું કહેવામાં આવી રહ્યું છે કે AAP કન્વીનર અરવિંદ કેજરીવાલના કોરોના ચેપને કારણે માનના નામની જાહેરાત મોકૂફ રાખવામાં આવી છે, દિલ્હીના સીએમ કેજરીવાલ સ્વસ્થ થતા જ ભગવંત માનને સીએમ પદના ઉમેદવાર જાહેર કરવામાં આવશે.
તમને જણાવી દઈએ કે, આમ આદમી પાર્ટીએ 117 સીટોવાળી પંજાબ વિધાનસભા માટે અત્યાર સુધી પાંચ લિસ્ટ દ્વારા 88 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ગયા મહિને જ AAPના પંજાબ અધ્યક્ષ ભગવંત માને આરોપ લગાવ્યો હતો કે ભાજપના એક નેતાએ તેમને પાર્ટીમાં જોડાવા માટે કેબિનેટ બર્થ અને પૈસાની ઓફર કરી હતી. તમને જણાવી દઈએ કે પંજાબની રાજનીતિમાં ભગવંત માનની ગણતરી મોટા નેતાઓમાં થાય છે. તે સતત બે વખત સંગરુર લોકસભા મતવિસ્તારમાંથી સાંસદ તરીકે ચૂંટાયા છે.