For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભીમા કોરેગાંવ કેસઃ પાંચ વર્ષમાં શું-શું થયું? અત્યારે શું સ્થિતિ છે?

ભીમા કોરેગાંવ કેસઃ પાંચ વર્ષમાં શું-શું થયું? અત્યારે શું સ્થિતિ છે?

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News
ભીમા કોરેગાંવ

વર્ષ 2023ના પહેલા દિવસે પુણે નજીકના ભીમા કોરેગાંવમાં 2018ની પહેલી જાન્યુઆરીએ થયેલાં રમખાણની પાંચમી વરસી છે.

ભીમા કોરેગાંવમાં 1818ની સાલમાં લડાયેલા યુદ્ધના 200 વર્ષની ઉજવણી કરવા માટે પાંચ વર્ષ પહેલાં લાખો દલિતો ત્યાં એકઠા થયા હતા.

એ વખતે ફાટી નીકળેલી હિંસાને કારણે સમગ્ર દેશને આંચકો લાગ્યો હતો.

એ ઘટના તથા 2018ના એલ્ગાર પરિષદ કેસમાં પુણે પોલીસે શરૂ કરેલી તપાસ જોરદાર ચર્ચા શરૂ થઈ હતી, જે આજે પણ ચાલી રહી છે.

આ કેસની તપાસ આગળ વધવાની સાથે ડાબેરીઓ અને ડાબેરી ઝુકાવ ધરાવતા કર્મશીલો, લેખકો, પત્રકારો અને શિક્ષકોની સમગ્ર દેશમાંથી ધરપકડ કરવામાં આવી હતી.

પુણે પોલીસે એવી દલીલ કરી હતી કે પુણેના શનિવાર વાડામાં 2017ની 31 ડિસેમ્બરે યોજાયેલી એલ્ગાર પરિષદ તથા એ પછીના દિવસે ભીમા કોરેગાવમાં ફાટી નીકળેલી હિંસા વચ્ચે સંબંધ છે અને તે રમખાણ માઓવાદી (નક્સલવાદી) કાવતરાનું પરિણામ હતાં.

આરોપીઓ પર સરકાર વિરુદ્ધ ષડયંત્ર રચવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો અને રાજદ્રોહ પ્રવૃત્તિઓ કરવા બદલ તેમની વિરુદ્ધ UAPA એક્ટની કલમો લગાવવામાં આવી હતી. આ કેસની તપાસ જાન્યુઆરી 2020 માં તપાસ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી(એનઆઈએ)ને ટ્રાન્સફર કરવામાં આવી હતી. ઘટનાના પાંચ વર્ષ પછી, ઘણા આરોપીઓ હજુ પણ અટકાયતમાં છે. આરોપીઓ પૈકીના કેટલાક લાંબા ન્યાયિક સંઘર્ષ પછી ગયા વર્ષે જામીન મેળવવામાં સફળ થયા હતા. એક આરોપી નજરકેદ છે અને એક આરોપી મૃત્યુ પામ્યો છે.

આ બહુચર્ચિત કેસમાં કુલ 16 જણની ધરપકડ કરવામાં આવી છે અને લાંબી અદાલતી લડાઈ ચાલુ છે.

ભીમા કોરેગાંવ વિજયસ્તંભ

વકીલ સુરેન્દ્ર ગાડલિંગ, સુધીર ધવલે, રોના વિલ્સન, શોમા સેન, મહેશ રાઉત, કવિ વરવરા રાવ, સામાજિક કાર્યકર સુધા ભારદ્વાજ, અરુણ ફરેરા, વર્નોન ગોન્સાલ્વિસ અને પત્રકાર ગૌતમ નવલખાની જૂન અને ઓગસ્ટ 2018 વચ્ચે ધરપકડ કરવામાં આવી હતી. એ પછી લેખક-પ્રોફેસર આનંદ તેલતુંબડે, ફાધર સ્ટેન સ્વામી, હાની બાબુ, સાગર ગોરખે, રમેશ ગાયચોર અને જ્યોતિ જગતાપની ધરપકડ કરવામાં આવી હતી.

આરોપીઓની ધરપકડની માફક તેમની જામીન અરજીઓ પણ ચર્ચાનું કેન્દ્ર બની હતી. આરોપીઓ જેલમાં હતા ત્યારે તેમના સ્વાસ્થ્ય, તેમને મળતી સુવિધાઓ (કે તેના અભાવ) અને પોલીસે મેળવેલા તેમની વિરુદ્ધના પુરાવા તથા દાવા બાબતે મીડિયામાં નિયમિત રીતે સમાચાર પ્રકાશિત થયા રહ્યા છે.

આ કેસમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન બનેલી સીમાચિહ્નરૂપ ઘટનાઓનું બયાન અત્રે પ્રસ્તુત છે. તેની શરૂઆત 2022માંના મહત્વના અદાલતી ચુકાદાથી કરીએ.

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી

પુણેમાં 2018માં થયેલ ભીમા કોરેગાંવમાં ફાટી નીકળેલ હિંસા મામલો હવે ક્યાં પહોંચ્યો?

  • વર્ષ 2018ની 1 જાન્યુઆરીએ પુણેના ભીમા કોરેગાંવ ખાતે ઐતિહાસિક યુદ્ધની યાદમાં લાખો દલિતો એકઠા થયા હતા, જે બાદ રમખાણો ફાટી નીકળ્યાં હતાં
  • આ મામલે સમગ્ર દેશમાંથી ડાબેરીઓ અને ડાબેરી ઝુકાવ ધરાવતા કર્મશીલોની ધરપકડ કરવામાં આવી હતી
  • આ બહુચર્ચિત કેસમાં કુલ 16 જણની ધરપકડ કરવામાં આવી છે અને લાંબી અદાલતી લડાઈ ચાલુ છે
  • ઘણી વાર આરોપીઓના જામીન કે જેલમાં પડી રહેલ અગવડોને કારણે આ કેસ ફરીથી સમાચારોમાં આવી જાય છે
  • આ કેસ બાબતે કાનૂની કાર્યવાહી ચાલી રહી છે ત્યારે આ કેસના આરોપી ફાધર સ્ટેન સ્વામીનું મૃત્યુ પણ થયું હતું
  • અવારનવાર આ કેસને લઈને કેટલાક કર્મશીલો દ્વારા આરોપીઓને આરોપમુક્ત કરવાની માગ પણ ઉઠાવવામાં આવે છે
બીબીસી ગુજરાતી

આનંદ તેલતુંબડેને જામીન

દલિત સ્કોલર આનંદ તેલતુંબડે

આ કેસમાં તાજેતરમાં બનેલી ઘટના એટલે આનંદ તેલતુંબડેને તેમની ધરપકડના લગભગ બે વર્ષ પછી અદાલતે આપેલા જામીન પર મુક્તિનો આદેશ. બોમ્બે હાઈ કોર્ટે તેમને 18 નવેમ્બરે જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.

એનઆઈએએ તે આદેશ વિરુદ્ધ સુપ્રિમ કોર્ટમાં અપીલ કરી હતી. વડા ન્યાયમૂર્તિ ડી વાય ચંદ્રચુડના વડપણ હેઠળની ખંડપીઠે તે અરજી સાંભળી હતી અને હાઈ કોર્ટે આપેલા આદેશને માન્ય રાખ્યો હતો.

બોમ્બે હાઈ કોર્ટે એનઆઈએની વિનંતીને પગલે તેલતુંબડેની જામીન પર મુક્તિના આદેશના અમલ પર એક સપ્તાહનો સ્ટે આપ્યો હતો.

તેલતુંબડેએ રૂ. એક લાખનું જામીન બોન્ડ ભર્યા બાદ બોમ્બે હાઈ કોર્ટે તેમને જામીન પર મુક્ત કર્યા હતા. એનઆઈએએ ભીમા કોરેગાંવ – એલ્ગાર પરિષદ કેસમાં સહ-ષડયંત્રકર્તા હોવાના આરોપસર તેલતુંબડેની 2020ની 14 એપ્રિલે ધરપકડ કરી હતી. એ પછી તેમને મુંબઈ નજીકની તળોજા જેલમાં રાખવામાં આવ્યા હતા.

આનંદ તેલતુંબડે દલિત મુદ્દાઓ માટે ચળવળ ચલાવતા અગ્રણી બૌદ્ધિક છે. મહારાષ્ટ્રના યવતમાલ જિલ્લાના રાજુર ગામમાં જન્મેલા તેલતુંબડેએ નાગપુરની વિશ્વેસરૈયા નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાંથી એન્જિનિયરિંગના સ્નાતકની પદવી પ્રાપ્ત કરી છે.

કામના થોડા વર્ષના અનુભવ બાદ તેલતુંબડેએ અમદાવાદની આઈઆઈએમમાં અભ્યાસ કર્યો હતો. તેમણે અનેક સંશોધન પત્રો પ્રકાશિત કર્યા છે અને કોર્પોરેટ સેક્ટરમાં મહત્વના ઘણાં પદ પર ફરજ બજાવી છે.

તેમણે આઈઆઈટી, ખડગપુરમાં શિક્ષણકાર્ય કર્યું છે અને તેમની ધરપકડ કરવામાં આવી ત્યારે તેઓ ગોવા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાં કાર્યરત હતા. તેમણે 26 પુસ્તક લખ્યાં છે અને અનેક અખબારો તથા સામયિકમાં તેઓ અગ્રણી સ્તંભકાર પણ છે.

તત્કાલીન એડિશનલ પોલીસ કમિશનર પરમબિર સિંહે 2018ની 31 ઓગસ્ટે પુણેમાં પત્રકાર પરિષદ યોજી હતી અને ભીમા કોરેગાંવ કેસમાં તેલતુંબડેની સંડોવણી હોવાનો દાવો કર્યો હતો.

પોલીસે એવા દાવો પણ કર્યો હતો કે 'પેરિસમાં એપ્રિલ, 2018માં યોજાયેલી એક કોન્ફરન્સમાં આનંદ તેલતુંબડેનો ઈન્ટર્વ્યૂ કરવામાં આવ્યો હતો અને તે કોન્ફરન્સ તથા ઈન્ટર્વ્યૂનું આયોજન તથા એ માટેની નાણાકીય વ્યવસ્થા માઓવાદીઓએ કરી હતી.’

તેલતુંબડેએ તે આક્ષેપોને નકારી કાઢ્યા હતા અને ધરપકડ સમયે તેમની સામે દાખલ કરવામાં આવેલી એફઆઈઆરને રદ્દ કરવા હાઈ કોર્ટમાં અરજી કરી હતી.

તેમની જામીન અરજીનો સ્વીકાર કરતાં હાઈ કોર્ટેની ખંડપીઠે નોંધ્યું હતું કે એનઆઈએ પ્રથમ દૃષ્ટિએ તેલતુંબડે પર કલમ ક્રમાંક 39 (આતંકવાદી સંગઠન સાથે સંબંધની) હેઠળ જ આરોપ મૂકી શકે તેમ છે.

પ્રસ્તુત આરોપ પૂરવાર થાય તો આરોપીને મહત્તમ 10 વર્ષની સજા થઈ શકે છે અને તેલતુંબડે બે વર્ષ જેલમાં પસાર કરી ચૂક્યા હોવાથી તેઓ જામીન પર મુક્તિને પાત્ર છે, એવું હાઈ કોર્ટે જણાવ્યું હતું.

ગ્રે લાઇન

ગૌતમ નવલખા નજરકેદમાં

ગૌતમ નવલખા

આનંદ તેલતુંબડેની સાથે દિલ્હીસ્થિત લેખક, પત્રકાર અને કર્મશીલ ગૌતમ નવલખાએ પણ જામીન માટે અનેક અરજી કરી છે. તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યા નથી, પરંતુ સુપ્રિમ કોર્ટે તેમને નજરકેદમાં રાખવાનો આદેશ નવેમ્બર, 2022માં આપ્યો હતો.

સુપ્રિમ કોર્ટે પ્રારંભે એવો આદેશ આપ્યો હતો કે 73 વર્ષના નવલખાને, તેમના કથળતા સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખતાં તેમના ઘરે જ નજરકેદમાં રાખવા જોઈએ, પરંતુ એનઆઈએએ તે આદેશનો વિરોધ કર્યો હતો. અલબત, એ પછીની સુનાવણીમાં સુપ્રિમ કોર્ટે તે આદેશ યથાવત રાખ્યો હતો અને હાલ નવલખાને મુંબઈમાં નજરકેદમાં રાખવામાં આવ્યા છે.

અદાલતે તેમની જીવન વ્યવસ્થા, ટેલિફોનના ઉપયોગ તથા લોકો સાથેના સંપર્ક પર આકરા નિયંત્રણ લાદ્યાં છે. અદાલતે જણાવ્યું હતું કે નવલખા આ શરતોનું પાલન કરશે ત્યાં સુધી તેમને નજરકેદમાં રાખવામાં આવશે.

અદાલતમાં અરજી કર્યા પછી નવલખાએ એપ્રિલ, 2020માં એનઆઈએના નવી દિલ્હી ખાતેના વડામથકે સરેન્ડર કર્યું હતું. પુણે પોલીસે નવલખાની, તેઓ પત્રકાર હોવાનું અને ભીમા કોરેગાંવ સંબંધી વ્યાપક કાવતરામાં કથિત સંડોવણી બદલ 2018માં ધરપકડ કરી હતી.

નવલખાએ પણ તેમના પરના આરોપનો ઇનકાર કર્યો હતો અને અદાલતમાં અરજી કરી હતી. બોમ્બે હાઈ કોર્ટ અને સુપ્રિમ કોર્ટ બન્નેએ તેમને ધરપકડ સામે રક્ષણ આપતા આદેશ આપ્યા હતા.

અલબત, નવલખાએ સરેન્ડર કર્યું તે પછી એનઆઈએએ તેમની ધરપકડ કરી હતી અને તેમને તળોજા જેલ ખાતે જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા. નવલખાએ તેમની તબીયતનું કારણ આગળ ધરીને જામીન પર મુક્તિ માટે અનેક અરજી કરી હતી. હાલ તેઓ જેલની બહાર, પરંતુ નજરકેદમાં છે.

બીબીસી ગુજરાતી

ફાધર સ્ટેન સ્વામીનું મૃત્યુ

ફાધર સ્ટેન સ્વામી રાંચીસ્થિત ખ્રિસ્તી પાદરી હતી. એનઆઈએએ ભીમા કોરેગાંવ – એલ્ગાર પરિષદ કેસમાં સંડોવણા તથા માઓવાદીઓ સાથે સંબંધ હોવા બદલ ફાધર સ્ટેન સ્વામીની નેશનલ સિક્યુરિટી એક્ટ હેઠળ ધરપકડ કરી હતી. ઓક્ટોબર, 2020માં તેમની ધરપકડ કરવામાં આવી હતી અને તેમને પણ તળોજા જેલમાં રાખવામાં આવ્યા હતા.

83 વર્ષના સ્વામી વય સંબંધી આરોગ્ય સમસ્યાથી પીડાતા હતા. જેલમાં પાણી પીવા માટે સ્ટ્રો ન આપવામાં આવતી હોવા સહિતની સંખ્યાબંધ પ્રાથમિક સુવિધાના અભાવને ફરિયાદ તેમણે કરી હતી. અદાલતે મે, 2021માં તેમને મુંબઈના બાન્દ્રા ખાતેની હોલી ફેમિલી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવાનો આદેશ આપ્યો હતો. જોકે, તેમની તબિયત કથળતી રહી હતી અને 2021ની પાંચમી જુલાઈએ તેમનું હોસ્પિટલમાં જ મૃત્યુ થયું હતું.

ઝારખંડને સ્વતંત્ર રાજ્ય જાહેર કરવામાં આવ્યું તે પહેલાં 1991માં સ્ટેન સ્વામી ઝારખંડમાં સ્થાયી થયા હતા અને એ વિસ્તારના આદિવાસીઓ માટે કામ કરવાનું શરૂ કર્યું હતું. તેમણે આદિવાસીઓ વતી અનેક વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું. આદિવાસીઓએ તેમના અધિકાર માટે 2018માં સરકાર સામે બળવો કર્યો ત્યારે સ્ટેન સ્વામી તેમને ટેકો જાહેર કર્યો હતો.

માઓવાદી ગણાવીને જે 3,000 આદિવાસી સ્ત્રી-પુરુષોની ધરપકડ કરવામાં આવી હતી તેમની મુક્તિ માટે સ્ટેન સ્વામીએ હાઈ કોર્ટમાં અરજી કરી હતી. બહુરાષ્ટ્રીય કંપનીઓ તેમના પ્રોજેક્ટ્સ માટે આદિવાસીઓની જમીન કેટલી વ્યવસ્થિત રીતે હસ્તગત કરી રહી છે એ વિશે તેઓ સતત લખતા રહ્યા હતા.

અમેરિકાની એક ફોરેન્સિક કંપનીએ તાજેતરમાં દાવો કર્યો હતો કે સ્ટેન સ્વામીને ભીમા કોરેગાંવ કેસમાં સંડોવવા અને તેમના વિરુદ્ધ પુરાવા ઊભા કરવા હેકર્સની સેવા લેવામાં આવી હતી.

વોશિંગ્ટન પોસ્ટ અખબારમાં પ્રકાશિત અહેવાલ મુજબ, આર્સેનલ કન્સલ્ટિંગના એક રિપોર્ટમાં જણાવવામા આવ્યું હતું કે સ્ટેન સ્વામીનું લેપટોપ હેક કરવામાં આવ્યું હતું અને તેમને ભીમા કોરેગાંવ કેસમાં સંડોવી શકાય તેવા વાંધાજનક દસ્તાવેજ તેમાં પ્લાન્ટ કરવામાં આવ્યા હતા.

આર્સેનલે દાવો કર્યો હતો કે સ્ટેન સ્વામીના લેપટોપમાંથી કુલ 44 દસ્તાવેજ મળી આવ્યા હતા. તેમાં માઓવાદીઓએ લખેલા કેટલાક પત્રોનો પણ સમાવેશ થાય છે. આર્સેનલે અગાઉ પણ આવા દાવા કર્યા હતા.

બીબીસી ગુજરાતી

સુધા ભારદ્વાજની જામીન પર મુક્તિ

સુધા ભારદ્વાજ

આ કેસમાં જામીન પર મુક્ત કરવામાં આવેલા કેટલાક આરોપીઓમાં સુધા ભારદ્વાજનો સમાવેશ થાય છે. બોમ્બે હાઈ કોર્ટે સુધા ભારદ્વાજના ડિસેમ્બર, 2021માં જામીન પર મુક્ત કર્યાં હતાં. એનઆઈએએ પ્રસ્તુત આદેશ સામે સુપ્રિમ કોર્ટમાં અપીલ કરી હતી.

જોકે, અદાલતે તે અપીલ ફગાવી દીધી હતી અને જામીન માન્ય રાખવાની સાથે સુધા ભારદ્વાજને જામીન મુક્તિના સમયગાળા દરમિયાન મુંબઈમાં જ રહેવાનો આદેશ આપ્યો હતો.

કામદાર સંગઠનના નેતા અને વકીલ સુધા ભારદ્વાજ છેલ્લા ત્રણ દાયકા કરતાં વધુ સમયથી માનવાધિકાર કર્મશીલ છે. તેમણે આદિવાસીઓ, હાંસિયા પરના લોકો તેમજ દેશના અંતરિયાળ વિસ્તારોમાંની વિચરતી જાતિના લોકો માટે કામ કર્યું છે. અમેરિકામાં જન્મેલાં સુધા ભારદ્વાજ અમેરિકન નાગરિકત્વ ત્યાગીને ભારત આવ્યાં હતાં અને ત્યારથી દેશમાં કાર્યરત છે.

2018માં પુણે પોલીસે આક્ષેપ કર્યો હતો કે સુધા ભારદ્વાજ માઓવાદીઓ સાથે સંકળાયેલાં છે અને તેઓ ભીમા કોરેગાંવ ષડયંત્રમાં પણ સંડોવાયેલાં છે. એ પછી તરત જ તેમની ધરપકડ કરવામાં આવી હતી. તેમને પહેલાં પુણેની યરવડા જેલમાં અને પછી તળોજા જેલમાં રાખવામાં આવ્યાં હતાં.

બીબીસી ગુજરાતી

વરવરા રાવને રેગ્યુલર બેઇલ

વરવરા રાવ

ભીમા કોરેગાંવ કેસ સંબંધે પુણે પોલીસે હૈદરાબાદસ્થિત કવિ અને લેખક વરવરા રાવની પણ ધરપકડ કરી હતી. જેલમાં બે વર્ષ ગાળ્યા બાદ અદાલતે રાવને, તેમની કથળતી તબીયતને ધ્યાનમાં રાખીને સારવાર માટે મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં સ્થળાંતરીત કરવાનો આદેશ આપ્યો હતો.

તેઓ સારવાર માટે હોસ્પિટલમાં વધુ સમય રહી શકે એ માટે અદાલત તેમના જામીનની મુદ્દત નિયમિત રીતે લંબાવતી રહે છે. તેમને રેગ્યુલર બેઇલ આપવાની અરજી પણ કરવામાં આવી હતી. તેના અનુસંધાને સુપ્રિમ કોર્ટે જુલાઈ, 2022માં, તેમની વય તથા કથળતી તબીયતને ધ્યાનમાં લઈને કાયમી મેડિકલ જામીન આપ્યા હતા.

વરવરા રાવ 'ક્રાંતિકારી લેખક સંગઠન’ સાથે સંકળાયેલા છે અને તેઓ ડાબેરી ચળવળ સાથે સંબંધ ધરાવતા હોવાની શક્યતા છે. તેમની હૈદરાબાદમાં ધરપકડ કરવામાં આવી હતી અને પુણે લાવવામાં આવ્યા હતા.

માઓવાદી સાથે સંબંધ હોવાના આરોપસર રાવની અગાઉ પણ ધરપકડ કરવામાં આવી હતી. જોકે, દેશમાં ડાબેરી ચળવળ સાથે સંકળાયેલા લોકો માને છે કે તેમની ધરપકડ, સામાજિક કાર્યકરોની પણ ધરપકડ કરી શકાય એ હેતુથી કરવામાં આવી હતી.

રાવ સહિતના કેટલાક આરોપીઓ જામીન પર મુક્ત થઈ શક્યા છે, પરંતુ બીજા હજુ જેલમાં જ છે. આરોપીઓની ધરપકડને પાંચ વર્ષ થઈ ગયાં હોવા છતાં કેસની કાર્યવાહી શરૂ કરવામાં ન આવી હોવાથી અન્ય આરોપીઓએ સુપ્રિમ કોર્ટનો સંપર્ક કર્યો છે.

બીબીસી ગુજરાતી

ભીમા કોરેગાંવમાં ખરેખર શું થયું હતું?

ભીમા કોરેગાંવ

ભીમા કોરેગાંવમાં 2018ની પહેલી જાન્યુઆરીએ હિંસા ફાટી નીકળી હતી. ઇસ્ટ ઇન્ડિયા કંપની અને મરાઠાઓ વચ્ચે થયેલી લડાઈની 200મી વરસી નિમિત્તે એ સ્થળે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભીમા કોરેગાંવમાંના વિજય સ્તંભ પાસે હજારો લોકો એકઠા થયા હતા, પરંતુ ટૂંક સમયમાં જ પથ્થરમારો શરૂ થયો હતો અને વાહનોને આગ ચાંપવામાં આવી હતી. તે ધમાચકડીમાં એક વ્યક્તિનું મોત થયું હતું.

એ કાર્યક્રમની પૂર્વસંધ્યાએ એટલે કે 2017ની 31 ડિસેમ્બરે પુણેના ઐતિહાસિક શનિવાર વાડામાં એલ્ગાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં પ્રકાશ આંબેડકર, જિગ્નેશ મેવાણી, ઉમર ખાલિદ, સોની સોરી અને બી જી કોલસે સહિતના અનેક લોકોએ હાજરી આપી હતી.

પુણે પોલીસે તુષાર દામગુડે નામના નાગરિકે એલ્ગાર પરિષદમાં સક્રીય લોકો સામે કરેલી ફરિયાદને આધારે 2018ની આઠમી જાન્યુઆરીએ ગુનો નોંધ્યો હતો. એફઆઈઆરમાં દાવો કરવામાં આવ્યો હતો કે એલ્ગાર પરિષદમાં કરવામાં આવેલાં ઉશ્કેરણીજનક ભાષણોને કારણે બીજા દિવસે હિંસા ફાટી નીકળી હતી. એફઆઈઆરના આધારે પોલીસે સંખ્યાબંધ કવિઓ, વકીલો તથા કર્મશીલોની ધરપકડ કરી હતી.

પોલીસ આ કેસમાં એક ચાર્જશીટ પણ ફાઈલ કરી હતી. 2018ની 17 મેએ પોલીસે ચાર્જશીટમાં યુએપીએ કાયદાની કલમ ક્રમાંક 13, 16, 18, 18બી, 20, 39 અને 40નો ઉમેરો કર્યો હતો. 2019ની 21 ફેબ્રુઆરીએ પૂરક ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.

આ સંદર્ભે એનઆઈએએ પણ ભારતીય દંડ સંહિતાની કલમક્રમાંક 153એ, 505 (1) (બી), 117 અને 34 હેઠળ એફઆઈઆર નોંધ્યો હતો. તેમાં યુએપીએ કાયદાની કલમક્રમાંક 13, 16, 18, 18 (બી), 20 અને 39 પણ ઉમેરવામાં આવી હતી.

પુણે પોલીસે તપાસ પૂર્ણ કરી એ પછી કેન્દ્ર સરકારે આ કેસ એનઆઈએને ટ્રાન્સફર કર્યો હતો. ઓક્ટોબરના બીજા સપ્તાહમાં એનઆઈએએ સ્પેશ્યલ કોર્ટમાં 10,000 પાનાની ચાર્જશીટ રજૂ કરી હતી.

બીબીસી ગુજરાતી

એનઆઈએની 10 હજાર પાનાની ચાર્જશીટ

ભીમા કોરેગાંવ

એનઆઈએની ચાર્જશીટમાં જણાવ્યા મુજબ, “સામાજિક કાર્યકર ગૌતમ નવલખા કાશ્મીરી અલગતાવાદીઓ, પાકિસ્તાનની ગુપ્તચર સેવા અને માઓ ઉગ્રવાદીઓના સંપર્કમાં હતા.” દિલ્હી યુનિવર્સિટીના પ્રોફેસર હેની બાબુની પણ આ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. એનઆઈએએ ચાર્જશીટમાં દાવો કર્યો છે કે હેની બાબુ માઓવાદી વિચારોથી વિદ્યાર્થીઓને પ્રભાવિત કરવાના પ્રયાસ કરતા હતા.

ગોરખે, ગાયચોર અને જગતાપ માર્ક્સવાદી પક્ષના તાલીમબદ્ધ કાર્યકર હોવાનું અને કબીર કલા મંચના સભ્ય હોવાનું પણ ચાર્જશીટમાં જણાવવામાં આવ્યું છે. એ ઉપરાંત આનંદ તેલતુંબડે ભીમા કોરેગાંવ શૌર્ય દિન પ્રેરણા અભિયાનના આયોજકો પૈકીના એક હોવાનું અને પુણેના શનિવાર વાડા ખાતે 2017ની 31 ડિસેમ્બરે યોજાયેલા કાર્યક્રમમાં હાજર રહ્યા હોવાનું તેમાં જણાવવામાં આવ્યું છે.

એનઆઈએએ જણાવ્યું હતું કે અત્યાર સુધી જેમની ધરપકડ કરવામાં આવી છે તે તમામ આરોપી એ ષડ્યંત્રમાં સામેલ હતા, જેના કારણે ભીમા કોરેગાંવમાં હિંસા થઈ હતી.

ભીમા કોરેગાંવ ન્યાયિક પંચ અને શરદ પવારની જુબાની

ભીમા કોરેગાંવમાં ફાટી નીકળેલી હિંસાની તપાસ માટે પુણે પોલીસ અને એનઆઈએ સિવાય મહારાષ્ટ્ર સરકારે પણ બે સભ્યના એક ન્યાયિક પંચની રચના કરી હતી. ન્યાયમૂર્તિ જે એન પટેલના વડપણ હેઠળના આ પંચે પુણે તથા મુંબઈમાં શરૂ કરેલી કાર્યવાહી આજે પણ ચાલુ છે. આ પંચ સમક્ષ અત્યાર સુધીમાં, ઘટના સાથે સંકળાયેલી અનેક વ્યક્તિ, સંસ્થાઓ તથા અધિકારીઓ જુબાની આપી ચૂક્યા છે.

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષના પ્રમુખ શરદ પવારે ભીમા કોરેગાંવની ઘટના બાબતે બોલતાં હિન્દુત્વવાદી નેતાઓ પર આક્ષેપ કર્યો હતો. તેમની ટિપ્પણીને ધ્યાનમાં લઈને પંચે પવારને જુબાની આપવા સમન્સ પાઠવ્યા હતા. મે, 2022માં પવાર જુબાની આપવા પંચ સમક્ષ ઉપસ્થિત થયા હતા.

બીબીસી ગુજરાતી

હિન્દુત્વવાદી કર્મશીલો

ભીમા કોરેગાંવ

પોલીસની તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે ભીમા કોરેગાંવની હિંસા માટે ડાબેરી ઝોક ધરાવતા કર્મશીલો જવાબદાર હતા, પરંતુ પુણે ગ્રામીણ પોલીસે આક્ષેપ કર્યો હતો કે તે હિંસા પાછળ હિન્દુત્વવાદી કર્મશીલોનું ભેજું હતું.

હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે જમણેરી કર્મશીલો સામે કોઈ પગલાં લેવાયાં નથી તથા તેમને 'નિર્દોષ’ ગણવામાં આવ્યા છે, જ્યારે ડાબેરી ઝોક ધરાવતા કર્મશીલોને અન્યાયી રીતે નિશાન બનાવવામાં આવ્યા છે તથા તેમની સામે આકરાં પગલાં લેવામાં આવ્યાં છે.

પિમ્પરી પોલીસ સ્ટેશનમાં સંભાજી ભીડે તથા મિલિંદ એકબોટે વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવ્યો છે. મિલિંદની પોલીસે બે વાર અટકાયત કરી હતી. પુણે પોલીસે તેમની 2016ની 14 માર્ચે ધરપકડ કરી હતી. તેમના પર રમખાણ અને હિંસા કરવા સહિતના અનેક ગંભીર આરોપ મૂકવામાં આવ્યા છે.

અનિતા સાલ્વેએ કરેલી ફરિયાદને આધારે પુણેની કોર્ટે એકબોટેને 2018ની ચોથી એપ્રિલે જામીન પર મુક્ત કર્યા હતા. જોકે, શિક્રાપુર પોલીસની ફરિયાદને પગલે પોલીસે તેમની ફરી અટકાયત કરી હતી. શિક્રાપુર પોલીસે જણાવ્યું હતું કે ભીમા કોરેગાંવમાં હિંસા ફાટી નીકળી એ પહેલાં એકબોટે અને તેમના કેટલાક ટેકેદારોએ પેમ્ફ્લેટ્સ વહેંચ્યા હતાં.

પુણેની સેશન્સ કોર્ટે એકબોચેને 19 એપ્રિલે જામીન પર મુક્ત કર્યા હતા. બીજા આરોપી સંભાજી ભીડેની ક્યારેય ધરપકડ કરવામાં આવી નથી, પરંતુ તેમની સામે ભીમા કોરેગાંવ કેસમાં લોકોને હિંસા માટે ઉશ્કેરવા સહિતના આરોપ જરૂર મૂકવામાં આવ્યા છે.

ભીડે સામે પગલાં લેવાંની માગણી અનેક સંગઠનોએ કરી છે. એ બાબતે અદાલતમાં અરજીઓ પણ કરવામાં આવી છે. જોકે, પુણે ગ્રામીણ પોલીસની દલીલ એવી છે કે ભીડે સામે કોઈ પુરાવા ન હોવાથી તેમનું નામ ચાર્જશીટમાં સામેલ કરી શકાયું નથી.

રેડ લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

Facebook પર સમાચાર વાંચવા અહીં ક્લિક કરો.

Instagram પર બીબીસી ગુજરાતીને અહીં ફૉલો કરો.

YouTube પર બીબીસી ગુજરાતીના વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો.

Twitter પર બીબીસી ગુજરાતીની ફૉલો કરવા અહીં ક્લિક કરો.

રેડ લાઇન
English summary
Bhima Koregaon case: What happened in five years? What is the situation now?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X