Karnataka Election : કર્ણાટકમાં બીજેપીના દિવસો ભરાઈ ગયા? સર્વેમાં કોંગ્રેસને સત્તા મળવાના એંધાણ
નવી દિલ્હી : કર્ણાટક ચૂંટણીની શરૂઆત થતા જ હવે વિવિધ ઓપિનિયન પોલ આવવાના શરૂ થઈ ગયા છે. આ સર્વેમાં સત્તાધારી બીજેપી માટે કપરા ચડાણ જેવી સ્થિતી સામે આવી રહી છે. આંકડાઓની વાત કરીએ તો હાલમાં જ સામે આવેલા સી વોટર ઓપિનિયન પોલમાં કોંગ્રેસને બહુમતી મળતી જોવા મળી રહી છે. 24 હજાર લોકોને લઈને કરાયેલા આ સર્વેમાં ઘણા ચૌકાવનારા તથ્યો સામે આવ્યા છે.

બદલાવના મૂડમાં જનતા
224 સભ્યોની કર્ણાટક વિધાનસભામાં હાલ ભાજપ બહુમતીમાં છે. બસવરાજ બોમ્માઈના હાથમાં સત્તા છે. જો કે હવે સી વોટર ઓપિનિયન પોલમાં કર્ણાટકના મતદારો ચૂંટણીમાં પરિવર્તન ઈચ્છતા હોવાના ઈશારા મળી રહ્યા છે. આ પોલ અનુસાર, બીજેપીને અહીં 68 અને વધુમાં વધુ 80 બેઠકો મળી શકે છે.

કોંગ્રેસ સત્તામાં આવી શકે
સી વોટર ઓપિનિયન પોલમાં કોંગ્રેસને ઓછામાં ઓછી 115 સીટો મળવાનું અનુમાન છે. એટલે કે પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળવાની સંભાવના છે. ઓપિનિયન પોલ અનુસાર, કોંગ્રેસ મહત્તમ 127 સીટો જીતી શકે છે. આ આંકડો મેજિક નંબર 113ને આસાનીથી પાર કરી રહ્યો છે.

એચડી કુમારસ્વામીની પાર્ટીને કેટલી સીટ?
આ સિવાય પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીને પણ પોતાનું પ્રદર્શન સુધારવાની તક મળી શકે છે. ઓપિનિયન પોલ અનુસાર, કુમારસ્વામીની પાર્ટી જનતા દળ સેક્યુલરને ઓછામાં ઓછી 23 જ્યારે મહત્તમ 35 બેઠકો મળવાની ધારણા છે. બે બેઠકો અન્ય પક્ષો કે અપક્ષોના ખાતામાં જઈ શકે છે.

મુખ્યમંત્રી તરીકે પહેલી પસંદ કોણ?
ઓપિનિયન પોલમાં 31 ટકા લોકો હાલના સીએમ બસવરાજ બોમ્માઈને પસંદ કરે છે. જો કે બીજેપીને બહુમતી મળવાની શક્યતા નથી. 39 ટકા લોકો પૂર્વ સીએમ સિદ્ધારમૈયાને મુખ્યમંત્રી તરીકે જોવા માંગે છે. આ સિવાય તેમના ચેલેન્જર ગણાતા સાત વખતના ધારાસભ્ય ડીકે શિવકુમારને માત્ર ત્રણ ટકા લોકો સીએમ બનાવવા માંગે છે. 21 ટકા લોકો પૂર્વ સીએમ અને જેડીએસ નેતા કુમારસ્વામીને સીએમ તરીકે જોવા માંગે છે. 6 ટકા મતદારો અન્ય નેતાઓની તરફેણમાં છે.

કઈ પાર્ટીને કેટલા ટકા મત?
વોટ શેરની વાત કરીએ તો, કોંગ્રેસ ભાજપ કરતા આગળ રહી શકે છે. 2023માં યોજાનારી સૌથી મોટી વિધાનસભા ચૂંટણીઓમાંની એક કર્ણાટકમાં ભાજપ જનાધાર ગુમાવી શકે છે. સી વોટર ઓપિનિયન પોલ મુજબ, કોંગ્રેસને લગભગ 40.1 ટકા મત મળી શકે છે. અહીં બીજેપીને 34.7 ટકા, જનતા દળ સેક્યુલરને 17 ટકાથી 18 ટકા વોટ મળી શકે છે. બાકીના 7.3 વોટ શેર અન્ય પક્ષો અથવા અપક્ષ ઉમેદવારોને મળશે.

કયા મુદ્દા પર ચૂંટણી લડાશે?
આ ઓપિનિયન પોલમાં બેરોજગારી, ભ્રષ્ટાચાર, કોરોના અને વીજળી-પાણી જેવા મુદ્દાઓ પર લોકોનો અભિપ્રાય લેવામાં આવ્યા હતા. અહીં 29.1 ટકા લોકોએ બેરોજગારીને સૌથી મોટી સમસ્યા ગણાવી હતી. તે સિવાય 21.5 ટકા લોકોએ વીજળી, રોડ અને પાણીનો મુદ્દો મોટો ગણાવ્યો. ત્યારબાદ 19 ટકા લોકોએ શિક્ષણ, 2.9 ટકા લોકોએ કાયદો અને વ્યવસ્થા તેમ મહિલાઓની સુરક્ષા, 12.7 ટકા લોકોએ ભ્રષ્ટાચાર, 4 ટકા લોકોએ કોરોનામાં કામગીરી, 3.5 ટકા લોકોએ ખેડૂતોને લગતા મુદ્દાઓ અને 1.2 લોકોએ રાષ્ટ્રવાદને મુદ્દો ગણાવ્યો હતો.

2018માં શું સ્થિતી હતી?
2018માં કોંગ્રેસને સૌથી વધુ 38 ટકા વોટ મળ્યા હતા. આ વખતે તેમાં બે ટકાનો વધારો થવાની શક્યતા છે. સત્તાધારી પક્ષ બીજેપીને 36 ટકા મત મળ્યા હતા. આ વખતે મતની ટકાવારી 1.3 ટકા ઘટી શકે છે. જેડીએસને લગભગ 18 ટકા વોટ મળ્યા હતા. હવે આગળ વોટ ટકાવારીમાં ઘટાડો થવાની સંભાવના છે.












Click it and Unblock the Notifications
