અમિત શાહના પુત્ર જય શાહ 'ધ વાયર' પર કરશે 100 કરોડનો કેસ

Written By:
Subscribe to Oneindia News

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના પુત્ર જય શાહની કંપનીના ટર્નઓવરમાં આવેલ વૃદ્ધિ સંબંધિત એક લેખ લઇને ભાજપ અને કોંગ્રેસ પક્ષો સામસામે આવી ગયા છે. એક તરફ કોંગ્રેસે આ મામલે તપાસની માંગણી કરી છે, તો બીજી બાજુ રવિવારે ભાજપ તરફથી રેલવે મંત્રી પિયૂષ ગોયલે કહ્યું હતું કે, અમિત શાહના પુત્ર જય શાહ આ લેખ છાપનાર ન્યૂઝ પોર્ટલ 'ધ વાયર'ના તંત્રી, લેખ લખનાર પત્રકાર તથા વેબસાઇટ વિરુદ્ધ ક્રિમિનલ ડિફેમેશનનો રૂ.100 કરોડનો કેસ કરશે. તેમણે આગળ કહ્યું કે, લેખમાં કંપનીનું ટર્નઓવર 16000 ગણું વધવાની વાત મામલાને સનસનીપૂર્ણ બનાવવા માટે લખવામાં આવી છે.

amit shah's jay shah

તો બીજી બાજુ, જય શાહના ટર્નઓવરમાં થયેલ વૃદ્ધિ અંગે કોંગ્રેસ દ્વારા એક પછી એક ઘણા પ્રશ્નો કરવામાં આવ્યા છે. કોંગ્રેસ નેતા અને વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે પ્રશ્ન કર્યો છે કે, જય શાહની કંપનીનું ટર્નઓવર અચાનક 80 કરોડ કઇ રીતે થઇ ગયું? આ મામલે ઈડી અને સીબીઆઈ શું કરી રહ્યાં છે? દિલ્હીની એક પત્રકાર પરિષદમાં કપિલ સિબ્બલે કહ્યું કે, કોઇપણ જાતની જંગમ-સ્થાવર મિલકત વિના કંપનીનું ટર્નઓવર 80 કરોડ કઇ રીતે થઇ ગયું? તેમણે સવાલ કર્યો હતો કે, કંપની પાસે ના તો કોઇ રો મટિરિયલ હતું અને ના તો કોઇ સ્ટોક અને છતાં 80 કરોડ રૂપિયાનું ટર્નઓવર આશ્ચર્યજનક નથી શું? ખોટમાં ચાલી રહેલ જય શાહની કંપની અચાનક ફાયદામાં કઇ રીતે આવી ગઇ?

'ધ વાયર' વેબસાઇટના લેખમાં દાવો કરવામાં આવ્યો છે કે, અમિત શાહના પુત્રની સંપત્તિમાં 16000 ગણો વધારો થયો છે. કંપનીની બેલેન્સ શીટ અનુસાર, માર્ચ 2013 અને 2014માં જય શાહની કંપની ટેમ્પલ એન્ટરપ્રાઇઝ લિમિટેડને રૂ.6230 અને રૂ.1724ની ખોટ ગઇ હતી, જ્યારે વર્ષ 2014-15માં કંપનીને રૂ.18.278નો નફો થયો છે અને તેનું રેવન્યુ રૂ.50,000 સુધી ગયો છે. પરંતુ આશ્ચર્યજનક રીતે કંપનીનું ટર્નઓવર વર્ષ 2015-16માં તે વધીને 80.5 કરોડ થઇ ગયું.

'ધ વાયર' વેબસાઇટે ગુરૂવારે આ સંબંધે અમિત શાહના પુત્ર જય શાહને કેટલાક પ્રશ્નો પણ પૂછ્યા હતા. જય શાહના વકીલ માણિક ડોગરાએ શુક્રવારે 'ધ વાયર'ને આ સવાલોના જવાબ પણ આપ્યા હતા. વેબસાઇટનો દાવો છે કે, જવાબમાં વકીલ તરફથી માનહાનિનો કેસ કરવાની ચેતવણી આપવામાં આવી હતી.

English summary
Amit Shah's Jay Shah to file criminal defamation suit of Rs.100 Cr against author of the article, editor & owner of The Wire.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.