
દિલ્લી વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે જાહેર કરી અંતિમ યાદી
દિલ્લી વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે મંગળવારે 5 ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે. આ પહેલા પાર્ટીએ 61 ઉમેદવારો પર ઉમેદવારોના નામોનુ એલાન કર્યુ હતુ. આ રીતે આ 5 નામો સાથે કોંગ્રેસે 66 સીટો પર ઉમેદવાર જાહેર કરી દીધા છે. તમને જણાવી દઈએ કે કોંગ્રેસે ગઠબંધન હેઠળ રાજદને ચાર સીટો આપી છે.

5 ઉમેદવારોની યાદી
મંગળવારે જાહેર કરવામાં આવેલી 5 ઉમેદવારોની યાદીમાં માદીપુર સુરક્ષિત સીટથી કોંગ્રેસે જયપ્રકાશ પનવારને ઉમેદવાર જાહેર કર્યા છે. જ્યારે વિકાસપુરી સીટથી મુકેશ શર્માને ટિકિટ આપી છે. વળી, બિજવાસથી પ્રવીણ રાણાને કોંગ્રેસે ઉમેદવાર બનાવ્યા છે. મેહરૌલીથી મોહિંદર ચૌધરીને અને ઓખલા વિધાનસભા સીટથી પરવેજ હાશમીને કોંગ્રેસે ટિકિટ આપી છે. દિલ્લી ચૂંટણી માટે કોંગ્રેસે સૌથી પહેલા 54 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી ત્યારબાદ સાત ઉમદેવારોના નામનુ એલાન કર્યુ હતુ.
|
હાઈ પ્રોફાઈલ સીટ
કોંગ્રેસે નવી દિલ્લી સીટથી અરવિંદ કેજરીવાલ સામે રોમેશ સભરવાલને ઉતાર્યા છે. તે 40 વર્ષથી કોંગ્રેસ સાથે છે અને પાર્ટીમાં અજય માકનના પ્રતિસ્પર્ધી માનવામાં આવે છે. તેમણે પોતાનુ કરિયર એનએસયુઆઈથી શરૂ કર્યુ હતુ. આ ઉપરાતં પડપટગંજ સીટથી કોંગ્રેસે લક્ષ્મણ રાવતને ઉમેદવાર જાહેર કર્યા હતા. દિલ્લી ચૂંટણીમાં પડપટગંજની સીટની ગણતરી હાઈ પ્રોફાઈલ સીટોમાં થાય છે. દિલ્લીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા આ સીટથી ચૂંટણી મેદાનમાં છે. નરેલા સીટથી સિદ્ધાર્થ કુંડુ, તિમારપુરથી અમર લતા સાંગવાન, આદર્શનગરથી મુકેશ ગોયલને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.

8 ફેબ્રુઆરીના રોજ મતદાન
દિલ્લી વિધાનસભા ચૂંટણી 2020 માટે નામાંકન ભરવાની છેલ્લી તારીખ 21 જાન્યુઆરી છે. બધી 70 સીટો પર 8 ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે. 11 ફેબ્રુઆરીના રોજ પરિણામોનુ એલાન કરવામાં આવશે. 2015ની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મોટી જીત મળી હતી. આમ આદમી પાર્ટીએ 67 સીટો પર જીત મેળવી હતી જ્યારે ભાજપને ત્રણ સીટો મળી હતી. વળી, ગઈ ચૂંટણીમાં કોંગ્રેસ કોઈ પણ સીટ પર જીત મેળવી શકી નહોતી.
આ પણ વાંચોઃ હવે મોદી સરકારનો હુમલો ઝેલવા તૈયાર રહે ગીતા ગોપીનાથઃ IMFના જીડીપી પર અનુમાન પર ચિદમ્બરમ