
Corona Vaccine: જોહ્ન્સન & જોહ્ન્સનને બાળકો માટે રસીના ટ્રાયલની મંજુરી માંગી!
ભારતમાં કોરોનાની ત્રીજા લહેરની આશંકા વચ્ચે બાળકો માટે વધુ એક રસી આવી શકે છે. ફાર્મા કંપની જોહ્ન્સન એન્ડ જોહ્ન્સને ભારતમાં 12-17 વર્ષના બાળકો માટે રસીના ટ્રાયલની પરવાનગી માંગી છે. જોહ્ન્સન એન્ડ જોહ્ન્સન દ્વારા પરવાનગી માંગવાના સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ કહ્યું કે બાળકો માટે વિકસાવવામાં આવી રહેલી કોવિડ-19 રસી પર ચાલી રહેલા સંશોધનના પરિણામો આવતા મહિને આવી શકે છે. તેમણે કહ્યું હતું કે આ રસી બહુ જલ્દી ઉપલબ્ધ થઈ શકે છે.
માંડવિયાએ કહ્યું હતું કે,'અમારો ઉદ્દેશ દરેક નાગરિકને રસી આપવાનો છે. ભારત સરકારે બાળકો માટે કોવિડ-19 રસી વિકસાવવા માટે સંશોધન કરવા માટે ઝાયડસ કેડિલા અને ભારત બાયોટેકને પહેલાથી જ મંજૂરી આપી દીધી છે. અમે અપેક્ષા રાખીએ છીએ કે તેમના સંશોધનનાં પરિણામો આવતા મહિને બહાર આવશે. મને ખાતરી છે કે બાળકો માટે રસી ખૂબ જલ્દી ઉપલબ્ધ થશે. AIIMS ના ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ પણ કહ્યું છે કે ભારત બાયોટેકની કોવેક્સિનનો 2 થી 18 વર્ષના બાળકો માટેનો તબક્કા II અને III ના ટ્રાયલનો ડેટા સપ્ટેમ્બર સુધીમાં આવી શકે છે.
અગાઉના સૂત્રોએ દાવો કર્યો હતો કે ઝાયડસ કેડિલાની ઝાયકોવ-ડી રસીને મંજૂરી આપી શકાય છે. આ રસીનું પુખ્ત વયના લોકો તેમજ 12 થી 18 વર્ષના કિશોરો પર પરીક્ષણ કરવામાં આવ્યું છે. DNA-plasmid આધારિત Xycov-D રસીના ત્રણ ડોઝ હશે. તેને બે થી ચાર ડિગ્રી સેલ્સિયસના તાપમાને રાખી શકાય છે અને કોલ્ડ ચેઇનની જરૂર રહેશે નહીં.
આ રસીને સરળતાથી દેશના કોઈપણ ભાગમાં પહોંચાડી શકાશે. બાયોટેકનોલોજી વિભાગ હેઠળના ઉપક્રમ બાયોટેકનોલોજી ઇન્ડસ્ટ્રી રિસર્ચ આસિસ્ટન્સ કાઉન્સિલ (BIRAC) હેઠળ નેશનલ બાયોફાર્મા મિશન (NBM) દ્વારા રસીને સહયોગ આપવામાં આવ્યો છે.