Covid 19: છેલ્લા 24 કલાકમાં દેશમાં સામે આવ્યા 3.60 લાખ નવા કોરોના કેસ, 3 હજારથી વધુ મોત
છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 3,60,960 નવા કેસ સામે આવ્યા છે. જાણો લેટેસ્ટ આંકડા.
નવી દિલ્લીઃ દેશમાં કોરોનાનુ પ્રચંડ રૂપ યથાવત છે. બુધવારે આરોગ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલ આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 3,60,960 નવા કેસ સામે આવ્યા છે. નવા કેસો બાદ દેશમાં સંક્રમિતોની કુલ સંખ્યા 1,79,97,267 થઈ ગઈ છે. વળી, 24 કલાકની અંદર કોરોનાથી 3,293 લોકોએ દમ તોડી દીધો છે ત્યારબાદ મોતનો આંકડો 2,01,187 સુધી પહોંચી ગયો છે. આવુ પહેલી વાર થયુ છે જ્યારે 24 કલાકની અંદર ત્રણ લાખથી વધુ લોકોના મોત થયા છે. ભારતમાં હવે સક્રિય કેસ 29,78,709 છે જ્યારે 1,48,17,371 લોકો રિકવર થઈને હોસ્પિટલથી ઘરે જઈ ચૂક્યા છે.

કોરોના વેક્સીનેશન કાર્યક્રમ
વળી, દેશમાં અત્યાર સુધી 14,78,27,367 લોકોને કોરોનાની રસી મૂકવામાં આવી ચૂકી છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 25,56,182 લોકોને કોરોનાની રસી લગાવી છે. વળી, ભારતમાં કાલ સુધી કોરોના વાયરસના કુલ 28,27,03,789 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવી ચૂક્યા છે. દેશમાં કોરોના વેક્સીનેશન કાર્યક્રમ ઝડપથી ચાલી રહ્યો છે. ભારતમાં માત્ર 99 દિવસમાં 14 કરોડ લોકોને કોરોનાની રસી લાગી છે.

અમેરિકાએ ભારત તરફ મદદનો હાથ લંબાવ્યો
સંકટની આ ઘડીમાં અમેરિકાએ ભારત તરફ મદદનો હાથ લંબાવ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને મીડિયા સાથે વાત કરીને કહ્યુ કે તેમણે પીએમ મોદી સાથે ફોન પર વાત કરી છે અને મહામારી સામે આ જંગમાં સંપૂર્ણપણે ભારતની મદદ કરવાનુ વચન આપ્યુ છે. તેમણે કહ્યુ કે અમેરિકા, ભારતને મદદ માટે કાચા માલ સાથે આખી એક શ્રૃંખલા મોકલી રહ્યુ છે જેમાં રેમડેસિવિર સાથે અન્ય દવાઓ પણ છે કે જે આ બિમારી સામે લડવામાં ભારત માટે મદદગાર સાબિત થશે.

રાજ્યો પાસે 1 કરોડ વેક્સીનનો સ્ટૉક બચ્યો છે
મંગળવારે આરોગ્ય મંત્રાલયે નિવેદન જાહેર કરીને કહ્યુ કે હજુ રાજ્યો પાસે 1 કરોડ વેક્સીનનો સ્ટૉક બચ્યો છે. આરોગ્ય મંત્રાલય અનુસાર સૌથી વધુ કોરોના વેક્સીનનો ડોઝ (10 લાખ) ઉત્તર પ્રદેશ પાસે ઉપલબ્ધ છે. ત્યારબાદ મહારાષ્ટ્ર(9 લાખ) અને બિહાર(7.50 લાખ) બીજા અને ત્રીજા ક્રમે છે.












Click it and Unblock the Notifications
