દિલ્હી યુનિવર્સિટીના ઉપકુલપતિ દિનેશ સિંહની રાજીનામુ આપવાની જાહેરાત
નવી દિલ્હી, 24 જૂન : ચાર વર્ષના સ્નાતક કોર્સ મુદ્દે ઉભા થયેલા વિવાદને પગલે દિલ્હી યુનિવર્સિટીના ઉપકુલપતિ દિનેશ સિંહે આજે રાજીનામુ આપવાની જાહેરાત કરી છે. દિનેશ સિંહે આ બાબતની પુષ્ટિ કરી છે. આ સાથે દિલ્હી યુનિવર્સિટીના મીડિયા સંયોજક મલય નીરવે પણ આ અંગેની માહિતી આપી છે.
દિલ્હી યુનિવર્સિટીના કાર્યકારી પરિષદના સભ્ય આદિત્ય નારાયણ મિશ્રાએ સુપ્રીમ કોર્ટમાં એફવાયયુપીના સમર્થનમાં એક અરજી દાખલ કરી છે. જો કે સુપ્રીમ કોર્ટે તેમની અરજીના જવાબમાં કહ્યું છે કે આપ પહેલા હાઇકોર્ટ જાવ. હવે મિશ્રા બુધવારે 25 જૂને દિલ્હી હાઇકોર્ટમાં અરજી દાખલ કરવાના છે.
યુજીસી તરફથી દિલ્હી યુનિવર્સિટીની કોલેજો પર ત્રણ વર્ષના સ્નાતક કાર્યક્રમને અમલી બનાવવાનું દબાણ લાવવામાં આવી રહ્યું હતું. આ મુદ્દે દિલ્હી યુનિવર્સિટીનું વહીવટી તંત્ર અને યુજીસી આમને સામને આવી ગયા હતા.

વર્ષ 2013-14 પહેલા દિલ્હી યુનિવર્સિટીમાં સ્નાતક ડીગ્રી માટે ત્રણ વર્ષનો અભ્યાસક્રમ હતો. જેને દિલ્હી યુનિવર્સિટીએ એફવાયયુપી (ફોર યર યુનિવર્સિટી પ્રોગ્રામ) કરી દીધો હતો. યુનિવર્સિટીની કોલેજોમાં ચાર વર્ષનો સ્નાતક અભ્યાસક્રમ ગયા વર્ષથી જ અમલી બનાવવામાં આવ્યો છે.
યુજીસીએ કોલેજના આચાર્યોને પત્ર લખીને ત્રણ વર્ષના સ્નાતક કાર્યક્રમમાં પ્રવેશ આપવાનો નિર્દેશ આપ્યો હતો. એક વર્ષ બાદ દિલ્હી યુનિવર્સિટીએ જણાવ્યું હતું કે તે ચાર વર્ષના અભ્યાસક્રમ સાથે કોઇ પણ પ્રકારની બાંધછોડ કરશે નહીં.
આ મુદ્દે યુજીસીએ ધમકી આપી હતી કે દિલ્હી યુનિવર્સિટીની કોલેજોએ કડક પરિણામો ભોગવવા માટે તૈયાર રહેવું જોઇએ. આજથી એટલે કે 24 જૂનથી દિલ્હી યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થવાની હતી જોકે વિવાદને પગલે તે અટકાવી દેવામાં આવી છે.












Click it and Unblock the Notifications
