• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

#SardarVallabhbhaiPatel ઇચ્છતા હતા કે કાશ્મીર પાકિસ્તાનમાં જતું રહે?

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News

સરદાર વલ્લભભાઈ પટેલની જયંતી નિમિત્તે કેવડિયાસ્થિત તેમની સૌથી ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યૂ ઑફ યુનિટી' ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કરતાં કાશમીર અને આર્ટિકલ 370ની વાત કરી.

તેમણે કહ્યું, "370 હઠ્યા બાદ કાશ્મીરે સમાવેશનું એક વર્ષ પૂર્ણ કર્યું છે. ગત વર્ષે 31 ઑક્ટોબર જ તે કાર્યરત થયું હતું."

તેમણે એવું પણ જણાવ્યું કે જો કાશ્મીરનો પ્રશ્ન સરદાર પટેલને સોંપવામાં આવ્યો હોત તો આર્ટિકલ 370 હઠાવવાની જવાબદારી તેમના શીરે ન આવી હોત.

વડા પ્રધાને કહ્યું, "સરદાર સાહેબ જીવિત હતા. બીજા રાજારજવાડાઓ સાથે આ કામ પણ તેમની જવાબદારી હોત તો આ કામ કરવાની જવાબદારી મારી સીરે ન આવત."

"સરદાર સાહેબનું આ કામ અધૂરું હતું. તેમની પ્રેરણાથી જ 130 કરોડ દેશવાસીઓને એ કાર્ય પૂર્ણ કરવાની પ્રેરણા મળી છે."

વડા પ્રધાને ફરી એક વાર સરદાર પટેલે કાશ્મીરનો પ્રશ્ન ઉકેલી નાખ્યો હોત એવી વાત કહી છે. ત્યારે નોંધનીય છે કે કૉંગ્રેસના કાશ્મીરી નેતા સૈફુદ્દીન સોઝે થોડા સમય પહેલાં દાવો કર્યો હતો કે જો પાકિસ્તાન હૈદરાબાદ પરનો છોડવા તૈયાર થયું હોત તો કાશ્મીરને પાકિસ્તાન સાથે જવા દેવામાં સરદાર પટેલને કોઈ વાંધો નહોતો.

સોઝે તેમના પુસ્તક 'કાશ્મીર : ગ્લિમ્પ્સિઝ ઑફ હિસ્ટ્રી ઍન્ડ ધ સ્ટોરી ઑફ સ્ટ્રગલ'માં વિવિધ ઘટનાઓ અને વ્યક્તિઓને ટાંકીને આ દાવો કર્યો હતો.


કાશ્મીર મામલે સરદારનો પ્રસ્તાવ

પુસ્તકમાં સોઝ લખે છે, 'પાકિસ્તાનના 'કાશ્મીર ઑપરેશન્સ'ના ઇન-ચાર્જ સરદાર હયાત ખાન સમક્ષ લૉર્ડ માઉન્ટબેટને સરદારનો એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો.'

'એ પ્રસ્તાવમાં સરદાર વલ્લભાઈ પટેલે કહ્યું હતું કે જો પાકિસ્તાન હૈદરાબાદ ડેક્કન પરનો પોતાનો દાવો જતો કરવા તૈયાર હોય તો કાશ્મીર તેમને આપવામાં વાંધો નથી.'

હયાત ખાને આ વાત પાકિસ્તાનના પ્રથમ વડા પ્રધાન લિયાકત અલી ખાનને જણાવી હતી.

જોકે, લિયાકત અલીએ એમ કહેતાં આ પ્રસ્તાવ ફગાવી દીધો હતો, ''શું હું ગાંડો થઈ ગયો છું કે પંજાબ કરતાં પણ મોટા હૈદરાબાદને કાશ્મીરના પથ્થરો માટે જતું કરી દઉં?''


કાશ્મીર આપી દેવામાં ભારતને વાંધો નહોતો?

ઝુલ્ફીકાર અલી ભુટ્ટોની તસવીર

કાશ્મીર પરના પોતાના આ પુસ્તકમાં સોઝે કાશ્મીરી બાબતોના જાણકાર એ. જી. નૂરાનીના એક લેખનો ઉલ્લેખ કર્યો છે.

''અ ટૅલ ઑફ ટુ સ્ટેટ્સ' નામના પોતાના આર્ટિકલમાં નૂરાનીએ લખ્યું છે, "પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ઝુલ્ફીકાર અલી ભુટ્ટોએ કહ્યું હતું કે સરદાર પટેલ જૂનાગઢ અને હૈદરાબાદના બદલે કાશ્મીર આપી દેવા તૈયાર હતા"

લેખમાં નૂરાની લખે છે કે આ વાત ઝુલ્ફીકાર અલી ભુટ્ટોએ 1972માં એક આદિવાસી-પંચાયતમાં કરી હતી.

પ્રારંભિક તબક્કામાં કાશ્મીર પાકિસ્તાન સાથે જતું રહે તો સરદાર પટેલને કોઈ વાંધો નહોતો એવો જ દાવો ભારતના પૂર્વ ગૃહસચિવ અને સરદાર પટેલના વિશ્વાસુ વી. પી. મેનન પણ કર્યો હતો.


હરિસિંહની કશ્મકશ

મેનન તેમના પુસ્તક 'ઇન્ટિગ્રેશન ઑફ ધ ઇન્ડિયન સ્ટેટ્સ'માં લખે છે કે 3જી જૂને દેશી રજવાડાં માટે ભારત કે પાકિસ્તાન સાથે જોડાવાનો વિકલ્પ રજૂ કરાયો હતો.

જોકે, મુસ્લિમ બહુમતી ધરાવતા કાશ્મીરના હિંદુ રાજા હરિસિંહ માટે ભારતમાં રહેવું કે પાકિસ્તાનમાં ભળવું એ કશ્મકશનો સવાલ હતો.

આ મામલાનો ઉકેલ લાવવા માટે લૉર્ડ માઉન્ટબેટને ચાર દિવસ મહારાજા સાથે ગાળ્યા હતા.

માઉન્ટબેટને મહારાજાને જણાવ્યું કે જો કાશ્મીર પાકિસ્તાનમાં જશે તો ભારત કોઈ વાંધો નહીં ઉઠાવે એવી સરદાર પટેલે એમને ખાતરી આપી છે.


ગુહાએ સૂર પૂરાવ્યો

https://twitter.com/Ram_Guha/status/1011196800223596550

સોઝના ઉપરોક્ત દાવાઓ પર ઇતિહાસકાર રામચંદ્ર ગુહાએ પણ પોતાનો સૂર પૂરાવ્યો હતો.

ગુહાએ ટ્વીટ કર્યું હતું કે જો હૈદરાબાદ ભારતમાં રહેતું હોય તો કાશ્મીરને પાકિસ્તાન સાથે જતું કરવામાં પટેલને કોઈ વાંધો નહોતો.

ગુહાએ ઉમેર્યું, ''રાજમોહન ગાંધીએ લખેલા સરદાર પટેલના જીવનચરિત્રમાં વર્ષો પહેલાં જ આનું દસ્તાવેજીકરણ કરાયું હતું.''


જૂનાગઢે બદલ્યો સરદારનો વિચાર

'પટેલ : અ લાઇફ' નામના પુસ્તકમાં રાજમોહન ગાંધી લખે છે કે 13 સપ્ટેમ્બર, 1947 સુધી વલ્લભભાઈ કાશ્મીરને લઈને ઉદાસીન જ હતા.

એ વખતના ભારતના પ્રથમ સંરક્ષણમંત્રી બલદેવ સિંઘને લખેલા પત્રમાં પણ એમણે આ અંગેનો નિર્દેશ આપ્યો હતો.

સરદારે પત્રમાં લખ્યું હતું કે જો કાશ્મીર બીજા દેશનું આધિપત્ય સ્વીકારવાનું નક્કી કરશે તો એ બાબત તેઓ સ્વીકારી લેશે.

જોકે, આ જ પુસ્તકમાં ગાંધી એવું પણ જણાવે છે કે પાકિસ્તાન સાથે ભળવાની જૂનાગઢના નવાબની અરજી પાકિસ્તાને માન્ય રાખી હોવાની જાણ થતાં જ કાશ્મીરને લઈને સરદારનું વલણ બદલાઈ ગયું હતું.


...અને નહેરુ ગુસ્સે થઈ ગયા

સરદારના બદલાયેલા વલણ અંગે વાત કરતાં રાજમોહન ગાંધી પોતાના પુસ્તકમાં લખે છે કે 26 ઑક્ટોબરના રોજ નહેરુના નિવાસે એક બેઠક મળી હતી.

જેમાં મહારાજા હરિસિંહના વડા પ્રધાન મેહરચંદ મહાજને ભારત પાસેથી સૈન્ય મદદ માગી હતી.

મહાજને એવું પણ કહ્યું હતું કે જો ભારત પ્રતિભાવ ન દર્શાવે તો કાશ્મીર ઝીણાની મદદ લેશે.

આ સાંભળતા જ નહેરુ ગુસ્સે થઈ ગયા હતા અને તેમણે મહાજનને 'જતા રહેવા' કહ્યું હતું.

જોકે, એ વખતે સરદારે એમને રોકતા કહ્યું હતું, 'અલબત્ત મહાજન, તમે પાકિસ્તાન સાથે નથી જઈ રહ્યા.'


સરદાર કાશ્મીર કેમ જવા દેવા માગતા હતા?

'સરદાર : સાચો માણસ, સાચી વાત' પુસ્તકના લેખક ઉર્વીશ કોઠારી સાથે બીબીસી ગુજરાતીએ આ મામલે વાત કરી હતી.

કોઠારીએ કહ્યું, ''વિલીનીકરણની પ્રક્રિયા વખતે સરદારના મનમાં એવો કોઈ ખ્યાલ નહોતો કે કાશ્મીર ભારતમાં જ રહેવું જોઈએ."

"એનું કારણ એ હતું કે એ વખતે કોઈ પણ રાજ્યનોના જોડાણ પાછળ બે કારણ જવાબદાર હતાં. આ બે કારણમાં એક જે-તે રાજ્યની ભૂગોળ અને બીજું તે રાજ્યની વસતિને ઘ્યાને લેવામાં આવતી હતી."

"નોંધનીય છે કે કાશ્મીર એક સરહદી રાજ્ય હતું અને એમની બહુમતી વસતિ મુસ્લિમ હતી. એ રીતે જોતાં કાશ્મીર ભારતમાં જ રહે એવો સરદારનો કોઈ જ દુરાગ્રહ નહોતો. જોકે, નહેરુ પોતે કાશ્મીરી હોવાને કારણે કાશ્મીર ભારતમાં રહે એવા મતના હતા."

"'વળી, કાશ્મીરના રાજકારણમાં બે ધ્રુવો મહારાજા હરિસિંહ અને શેખ અબ્દુલ્લાહમાંના શેખ નહેરુના મિત્ર હતા. એ રીતે પણ કાશ્મીર પ્રત્યે નહેરુને લગાવ હતો."

"આ દરમિયાન જૂનાગઢનો વિવાદ ઊભો થયો અને એ સાથે જ સરદારે કાશ્મીર મામલે પ્રવેશ કર્યો. એ બાદ સરદાર પટેલે પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું કે કાશ્મીર ભારતમાં જ રહેશે."


અર્ધસત્ય પર રમાતું રાજકારણ

વરિષ્ઠ પત્રકાર હરિ દેસાઈએ બીબીસીને જણાવ્યું, "શરૂઆતમાં કાશ્મીર પાકિસ્તાનમાં જતું રહે તો એ સામે સરદારને કોઈ જ વાંધો નહોતો અને કેટલાય દસ્તાવેજમાં આ વાતનો ઉલ્લેખ છે જ."

"જૂન 1947માં સરદારે કાશ્મીરના મહારાજાને ખાતરી આપી હતી અને કહ્યું હતું કે કાશ્મીર પાકિસ્તાનમાં જોડાશે તો પણ ભારત કોઈ વાંધો નહીં ઉઠાવે."

"જોકે, મહારાજાએ બંને દેશમાંથી જ્યાં પણ જોડાવાનો નિર્ણય લેવો હોય એ 15 ઑગસ્ટ પહેલાં લેવો પડશે."

ઉર્વીશ કોઠારી જણાવે છે કે ઇતિહાસનાં આ પ્રકરણોના દસ્તાવેજો છે જ પણ એ વખતે લેવાયેલા નિર્ણયો એ સમયની પરિસ્થિતિ પર આધાર રાખે છે.

કોઠારી ઉમેરે છે, ''રાજકારણી આપણી સમક્ષ એ જ પ્રકરણોનાં અર્ધસત્યો રજૂ કરીને રાજકારણ રમે છે.''

"સરદાર કે નહેરુએ ભરેલાં પગલાંની સમીક્ષા ચોક્કસથી કરી શકાય પણ એમના આશય પર કોઈ કાળે શંકા ના કરી શકાય."

(આ લેખ પ્રથમ વાર 27 જૂન, 2018ના રોજ છપાયો હતો. જેને બાદમાં અપડેટ કરવામાં આવ્યો છે.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
does sardar vallabhbhai patel wanted kashmir to be in pakistan?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X