
વડાપ્રધાન માટે નરેન્દ્ર મોદી યોગ્ય વિકલ્પ નથી: ઇકોનોમિસ્ટ
નવી દિલ્હી, 4 એપ્રિલ: અંગ્રેજીના એક સાપ્તાહિક અખબાર 'ધ ઇકોનોમિસ્ટ'એ ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની કોમી છબીને લઇને કડક ટીકા કરતા નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદ માટે યોગ્ય વિકલ્પ નથી ગણાવ્યા. અખબારમાં છપાયેલા એક આર્ટિકલમાં મોદી પર કોમી હૃદયવાળા વ્યક્તિ હોવાનો આરોપ લગાવ્યો છે.
અખબારે મોદી પર પોતાના શરૂઆતી કરિયરમાં મુસ્લિમ સમાજ વિરુધ્ધ ભડકાઉ અને આપત્તિજનક નિવેદન આપાવનો આરોપ લગાવ્યો છે. આર્ટિકલમાં મોદીને સમાજને વહેંચીને આગળ વધવામાં માહેર બતાવવામાં આવ્યા છે. સાથે જ ગુજરાતમાં થયેલા 2002ના રમખાણો પર નરેન્દ્ર મોદી દ્વારા માફી નહીં માગવા બદલ તેમની ટિકા પણ કરી છે.
સમાચાર પત્રએ 2002ના ગુજરાત રમખાણોમાં મોદીને સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલી ક્લીન ચિટ પર સવાલ ઉઠાવતા લખ્યું છે કે કોર્ટમાં જે તપાસ રિપોર્ટ રજૂ કરવામાં આવી છે તે અનિર્ણાયક હતી, કારણ કે મામલાના પૂરાવા અથવા તો નષ્ટ થઇ ગયા હતા, અથવા તેને નષ્ટ કરવામાં આવ્યા હતા. જોકે આર્ટિકલમાં નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતમાં કરવામાં આવેલા આર્થિક વિકાસના પણ વખાણ કરવામાં આવ્યા છે અને કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકારના કાર્યો કરતા સારા ગણાવ્યા છે.
આ અંગે પોતાની પ્રતિક્રિયા આપતા ભાજપના નેતા મુક્તાર અબ્બાસ નકવીએ જણાવ્યું છે કે આ સમાચાર પત્ર પાયાની માહિતીથી અજાણ છે. અને તેના આર્ટિકલમાં કોઇ તથ્ય નહીં હોવા જણાવ્યું છે. જોકે મોદી દેશના પીએમ પદ માટે યોગ્ય વિકલ્પ છે કે નહીં એ તો દેશની જનતા જ નક્કી કરશે.