
ભ્રષ્ટાચારના કેસમાં પંજાબના નાણામંત્રી ચીમાના વરિષ્ઠ સહાયક સસ્પેન્ડ કરાયા
ચંદીગઢ : પંજાબમાં આમ આદમી પાર્ટીએ સરકાર બનાવી છે. જે બાદ પંજાબ સરકાર દ્વારા ભ્રષ્ટાચાર વિરૂદ્ધ સતત કામગીરી કરવામાં આવી રહી છે. આ અંતર્ગત પંજાબના નાણા મંત્રી અને એડવોકેટ હરપાલ સિંહ ચીમાના નિર્દેશો પર, નાણા વિભાગ દ્વારા ભ્રષ્ટાચારની ફરિયાદો પર કાર્યવાહી કરતા રાજ્ય ટ્રેઝરી ઓફિસના એક વરિષ્ઠ સહાયકને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
આ સાથે અન્ય ઘણા અધિકારીઓને કારણ બતાવો નોટિસ ઈશ્યુ કરવાના આદેશો જાહેર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 86 લાખથી વધુના શંકાસ્પદ વ્યવહારો માટે ત્રણ કર્મચારીઓને પહેલાથી જ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. આ મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો હતો.
આ અંગે માહિતી આપતાં પંજાબના નાણાપ્રધાન હરપાલ સિંહ ચીમાએ જણાવ્યું હતું કે, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના નેતૃત્વ હેઠળની પંજાબ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ભ્રષ્ટાચાર વિરોધી ઝુંબેશ હેઠળ 2 જૂન, 2022ના રોજ એક વિભાગીય તપાસ સમિતિની રચના કરવામાં આવી છે, જે રાજ્યની તિજોરી કચેરીઓ કરવામાં આવી હતી એવી ભ્રષ્ટાચાર સંબંધિત વિવિધ ફરિયાદોની તપાસ કરશે.
પંજાબના નાણાપ્રધાન હરપાલ સિંહ ચીમાએ જણાવ્યું હતું કે, તપાસ સમિતિના અહેવાલના આધારે એક અધિક્ષક, એક વરિષ્ઠ સહાયક અને એક જૂનિયર સહાયકને આ પહેલા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા, જ્યારે એક વરિષ્ઠ સહાયકને મંગળવારના રોજ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને શંકાસ્પદ નાણાકીય વ્યવહારો માટે અનેક રાજ્ય સ્તરીય અને પ્રાદેશિક તિજોરી કચેરીઓ પર કેસ નોંધવામાં આવ્યો છે. અન્ય કર્મચારીઓને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે.