
કાશ્મીરમાં આતંકવાદ વધતા CRPFની વધુ પાંચ કંપનીઓ મોકલાઈ!
નવી દિલ્હી, 9 નવેમ્બર : જમ્મુ-કાશ્મીરમાં સતત વધી રહેલા આતંકવાદી હુમલાઓને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ફરી એકવાર રાજ્યમાં સુરક્ષા દળો વધારવાનો નિર્ણય લીધો છે. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ની વધુ પાંચ કંપનીઓને કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં સામાન્ય લોકો પર હુમલાની ઘટનાઓને રોકવા અને કાયદો અને વ્યવસ્થા સુધારવા માટે મોકલવામાં આવશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ અંગે મંજૂરી આપી દીધી છે.
ગૃહ મંત્રાલયે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ને પાંચ કંપનીઓ જમ્મુ-કાશ્મીર મોકલવા કહ્યું છે. કંપનીઓને તાત્કાલિક અસરથી દિલ્હીથી કાશ્મીર ખસેડવા અને સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા માટે શ્રીનગર શહેરમાં તૈનાત કરવા કહેવામાં આવ્યું છે. આ દળોને CRPF ADG (J&K)ની મંજૂરી અનુસાર તૈનાત કરવામાં આવશે. આ વધારાના દળો એક સપ્તાહમાં તૈનાત કરવામાં આવશે.
તાજેતરના દિવસોમાં કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓમાં વધારો થયો છે. ખાસ કરીને નાગરિકો સામે હિંસાની ઘટનાઓ જોવા મળી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવા માટે ઓક્ટોબરમાં જ 25 કંપનીઓ જમ્મુ-કાશ્મીર મોકલી હતી. હવે ફરીથી ત્યાં સુરક્ષા દળો વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પણ ગયા મહિને ત્રણ દિવસ માટે જમ્મુ-કાશ્મીરની મુલાકાતે ગયા હતા. અમિત શાહે અહીં સુરક્ષાને લઈને ઉચ્ચ સ્તરીય સુરક્ષા સમીક્ષા બેઠક યોજી હતી. આ સાથે આતંકવાદી હુમલામાં શહીદ ઈન્સ્પેક્ટર પરવેઝ અહેમદના ઘરે પહોંચ્યા બાદ તેમના પરિવારના સભ્યોને પણ મળ્યા હતા. તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે 5 ઓગસ્ટ 2019 ના રોજ કલમ 370 નાબૂદ કરીને જમ્મુ અને કાશ્મીર રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કર્યું હતું. ઓગસ્ટ 2019 પછી રાજ્યમાં લાંબા સમય સુધી કર્ફ્યુ જેવી સ્થિતિ હતી. બીજી તરફ તાજેતરના સમયમાં અહીં આતંકવાદી હુમલામાં વધારો થયો છે.