For Daily Alerts
કેદારનાથ મંદિરની સુરક્ષા માટે મંદાકિનીનો માર્ગ બદલો : સૂચન
નવી દિલ્હી, 30 ઓક્ટોબર : આ વર્ષે કેદારનાથમાં આવેલા પૂરપ્રકોપથી સરકાર અને લોકો ડરી ગયા છે. હવે કેદારનાથ મંદિરને આવી કુદરતી આફતથી બચાવવા માટે શું કરવું તે અંગે વિચાર કરવામાં આવી રહ્યો છે. આ અંગે એએસઆઇએ સૂચન કર્યું છે કે મંદિરને ભાવિ આફતથી બચાવવા માટે મંદાકિની નદીનો પ્રવાહ બદલી નાખવાનું સૂચન આપ્યું છે. નોંધનીય છે કે જૂન 2013માં આવેલા પૂર પ્રકોપને કારણ મંદાકિનીનો તટ જમીન કરતા પણ ઊંચો થઇ ગયો છે.
જૂનમાં આવેલા પૂર પ્રકોપમાં નુકસાન પામેલા મંદિરના જીર્ણોદ્ધારનું કામ એએસઆઇને સોંપવામાં આવ્યું છે. જીર્ણોદ્ધારના કાર્યમાં હવામાન વારંવાર વિધ્ન ઉભું કરી રહ્યું છે. આ અંગે રાજ્યના સાંસ્કૃતિક મંત્રી ચંદ્રેશ કુમાર કચોટનું કહેવું છે કે જીર્ણોદ્ધારની સાથે ભવિષ્યમાં મંદિરને કુદરતી આફતોથી બચાવવાના ઉપાયો પણ કરવા જોઇએ.
કચોટે જણાવ્યું કે "અમારા રિપોર્ટ અનુસાર કેદારનાથમાં નદીની સપાટી ઊંચી આવી ગઇ છે. અનેક ગ્રામ્ય વિસ્તારો નીચાણમાં જતા રહ્યા છે. આથી અમે મંદાકિની નદીના પ્રવાહનો માર્ગ બદલવાનું સૂચન કર્યું છે. જેથી ભવિષ્યમાં મંદિરને કોઇ કુદરતી આફતથી નુકસાન ના થાય. આ અંગે જીએસઆઇ અને વન વિભાગ સૂચન આપશે કે મંદિરની સુરક્ષા કેવી રીતે વધારવામાં આવે."