ગાઝિયાબાદ, 20 માર્ચઃ લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશનો જિલ્લો ગાઝિયાબાદ આ વખતે હાઇ પ્રોફાઇલ દિગ્ગજોનો સાક્ષી બનશે. ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે પોતાના ત્રણ એવા નેતાઓને મેદાનમાં ઉતાર્યા છે, જે પોતાના ક્ષેત્રના લોકો સાથે રાજકીય રીતે જ નહીં પરંતુ ભાવનાત્મક રીતે પણ જોડાયેલા છે. નામ છે, વીકે સિંહ, શાજિયા ઇલ્મી અને રાજ બબ્બર.
વર્તમાનમાં રાજનાથ સિંહ આ બેઠક પરથી સાંસદ છે અને આ વખતે તેઓ લખનઉ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે. 2009ના પરિણામની વાત કરીએ તો રાજનાથ સિંહએ ગાઝિયાબાદમાં 359,637 સાથે જીત નોંધાવી હતી. તેમણે કોંગ્રેસના ઉમેદવારર સુરેન્દ્ર પ્રકાશ ગોયલને હરાવ્યા હતા, જેમણે 268,965 મત મળ્યા હતા. બસપાના પંડિત અમર પાલ શર્માને 180, 285 મત મળ્યા હતા. નોંધનીય છે કે ગાઝિયાબાદમાં 10 એપ્રિલે મતદાન થવાનું છે.
અભિનેતાથી રાજનેતા બનેલા રાજ બબ્બરને કોંગ્રેસના સિંહ કહેવામાં આવે છે. 61 વર્ષીય રાજ બબ્બર ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદથી સાંસદ છે અને કોંગ્રેસ પહેલા તેઓ સમાજવાદી પાર્ટીમાં હતા. 2009માં રાજ બબ્બરે અખિલેશ યાદવના પત્ની ડિંપલ યાદવને હરાવ્યા હતા. આ વખતે રોડ શો સાથે રાજ બબ્બરનો ચૂંટણી પ્રચાર ગાઝિયાબાદથી શરૂ થઇ ચૂક્યો છે. રાજ બબ્બરમાં ચૂંટણી પ્રચાર શરૂ કરતા તેમણે કહ્યું કે જ્યારે સપા સરકારે ભૂમિ અધીગ્રહણના માધ્યમથી ખેડૂતોને પરેશાન કરવાનું કામ કર્યું હતુ, ત્યારે ખેડૂતોના હિતમાં તેઓ લડ્યાં હતા. રાજ બબ્બરે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ વખતે ગાઝિયાબાદના ખેડૂતો તેમને જરૂર મત આપશે. જો કે શહેરી વર્ગથી તેમને વધારે આશાઓ છે.
રાજ બબ્બર એ સમયે વિવાદોમાં આવ્યા હતા, જ્યારે તેમણે કહ્યું હતું કે મુંબઇમાં તો 12 રૂપિયામાં ભરપેટ ભોજન મળે છે,તો ભારતના ગરીબની આવક 28 રૂપિયા હોય તો તે બે સમયનું ખાવાનું આરામથી ખાઇ શકે છે.
નિવૃત જનરલ વીકે સિંહ 63 વર્ષના છે અને તેઓ મૂળ હરિયાણાના છે. પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં જ રહીને તેમણે શિક્ષા ગ્રહણ કરી. ભાજપના ઉમેદવાર વીકે સિંહના વિરોધી દળો તેમને બહારના વ્યક્તિ ગણાવીને તેમના મત કાપવાની વેતરણમાં છે. ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શનમાં અણ્ણા હઝારે સાથે ખભાથી ખભો મિલાવીને ચાલનાર વીકે સિંહ માટે ગાઝીયાબાદનો માર્ગ એટલો સરળ નહીં હોય, જેટલો પાર્ટી કાર્યકર્તાઓને લાગી રહ્યો છે.
વીકે સિંહને ટીકીટ આપવાનો સૌથી મોટો હેતુ રાજપૂત વર્ગ માનવામાં આવી રહ્યો છે. વીકે સિંહ રાજપૂત છે અને ગાઝિયાબાદ રાજપૂતોનું ગઢ માનવામાં આવે છે, તેથી તેમના મત મળવાની આશા સેવવામાં આવી રહી છે. કાનપુર નિવાસી શાજિયા ઇલ્મી આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે. સમાજસેવિકા શાજિયા દિલ્હી વિધાનસભા ચૂંટણી લડી ચૂક્યા હતા. હવે લોકસભાની ટીકીટ મળ્યા બાદ શાજિયાએ સૌથી પહેલા કહ્યું કે, ગાઝિયાબાદ સાથે થઇ રહેલા સાવકા વ્યવહારને તેઓ સમાપ્ત કરશે. તેમણે કહ્યું કે, કોઇ જાતિ, ધર્મ, વર્ગ વિગેરેના આધારે મત માગવામાં નહીં આવે. તેમનો હેતુ વિકાસ અને ભ્રષ્ટાચાર મુક્ત શાસન હશે.
શાજિયાને પહેલા સોનિયા ગાંધી વિરુદ્ધ રાયબરેલીથી ટીકીટ આપવાની જાહેરાત કરાઇ હતી, પરંતુ તેમણે એમ કહીને ઇન્કાર કરી દીધો હતો કે તે રાયબરેલીમાં કોઇને ઓળખતી નથી, તો ચૂંટણી કેવી રીતે લડી શકે.