નિયમતિ ધોરણે દિલ્હીથી મુંબઇ મુસાફરી કરતા લોકો માટે સારા સમાચાર છે. આ રૂટ પર સફર કરનારાઓ માટે ભારતીય રેલવે તરફથી રાહતના સમાચાર આવ્યા છે. મુંબઇથી દિલ્હીના રૂટ પર એક ઝડપી રાજધાની એક્સપ્રેસ ટ્રેન દોડાવવાની યોજના છે. ઉપલબ્ધ માહિતી અનુસાર, દિલ્હી-મુંબઇ વચ્ચેની આ ટ્રેનની ગતિ મથુરા સુધી ગતિમાન એક્સપ્રેસ જેટલી હશે. એટલે કે દિલ્હીથી મથુરાના રસ્તે આ ટ્રેન 150 કિમીની ઝડપે દોડશે, તે પછી તેની ગતિ ધીમી થશે. દિલ્હી અને મુંબઇના રૂટ પર દોડતી આ ટ્રેનમાં સ્ટૉપેજ પણ ઓછા હશે, જેથી બંને શહેરો વચ્ચેનું અંતર ઓછા સમયમાં કાપી શકાય.
વર્તમાન સ્થિતિમાં દિલ્હીથી મુંબઇ પહોંચતા મુસાફરોને 15 કલાકનો સમય લાગે છે, પરંતુ નવી રાજધાની એક્સપ્રેસ 13 કલાકમાં આ અંતર કાપશે એમ કહેવાઇ રહ્યું છે. ભારતીય રેલવે પ્રયત્ન કરી રહી છે કે, દીવાળીથી આ ટ્રેનની શરૂઆત થાય, જેથી તહેવારના દિવસોમાં લોકોને રાહત મળી રહે. ટૂંક સમયમાં જ, રેલવે દ્વારા આ ટ્રેનનું ટ્રાયલ કરવામાં આવશે અને દીવાળી સુધીમાં આ ટ્રેન શરૂ કરવામાં આવશે. આ ટ્રેન દિલ્હીના હજરત નિઝામુદ્દીનથી મુંબઇ સુધી જશે.
વર્તમાન સમયમાં આ રૂટ પર બે રાજધારી એક્સપ્રેસ દોડે છે, ઓગસ્ટ ક્રાંતિ રાજધાની અને મુંબઇ સેન્ટ્રલ-ન્યૂ દિલ્હી રાજધાની. આ બંને ટ્રેન દેશની રાજધાની અને દેશની આર્થિક રાજધાની વચ્ચેનું અંતર કાપવામાં 15 કલાકથી પણ વધુ સમય લે છે. ઓગસ્ટ ક્રાંતિ રાજધાની આ 1377 કિમીનું અંતર 17.05 કલાકમાં કાપે છે અને તેની સરેરાશ ઝડપ 80 kmph છે. મુંબઇ સેન્ટ્રલ-ન્યૂ દિલ્હી(મુંબઇ રાજધાની) 15.35 કલાક લે છે અને અને તેની ઝડપ 89 kmph છે. આ બેમાંથી કોઇ ટ્રેન બાંદ્રા ઊભી રહેતી નથી.
આ અંગે વાત કરતાં એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, 'થોડા જ દિવસમાં આ ટ્રેનનું ટ્રાયલ શરૂ થશે. આ નવી મુંબઇ રાજધાનીનું ઉપલબ્ધ 24 કોચ અને બે એન્જિન સાથે આ ટ્રાયલ કરવામાં આવશે, જેથી ચકાસી શકાય કે, આ ટ્રેનથી ટ્રાવેલ ટાઇમ ઓછો કરવામાં મદદ મળે છે કેમ. આ માટે એલએચબી કોચનો ઉપયોગ કરવામાં આવશે.' એલએચબી કોચની ડિઝાઇન ઉચ્ચ કક્ષાની હોય છે અને તેના ઉપયોગ દ્વારા ગાડી પાટા પરથી ઉતરી જવી કે અન્ય રેલ દુર્ઘટનાઓમાં મુસાફરોના જીવનું જોખમ ઘટાડી શકાય છે.
આ નવી ટ્રેનની ગતિ 130 kmph સુધી લઇ જવાશે. જો કે, આ રૂટ પર અનેક વળાંકો અને ગતિ જાળવવાના નિયમોનું પાલન કરવાનું હોવાથી તેની સરેરાશ ઝડપ 89 kmph જ થઇ ગઇ છે. ભારતીય રેલવેને આશા છે કે, તેઓ આની સરેરાશ ઝડપ 90-95 kmph સુધી કરી શકશે. તેમનું કહેવું છે કે, એલએચબી કોચ 150 kmphની ઉપરની ગતિ પર પણ સરળતાથી દોડી શકે એ રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે. વળી જો, મુંબઇ રાજધઆનીના હાલના 6 સ્ટોપ્સ ઘટાડીને 2 કે 3 કરવામાં આવે તો આ ટ્રેન 13 કલાકમાં પોતાના નિર્ધારિત સ્થાને પહોંચી શકે છે.
આ નવી રાજધાની ટ્રેનની સરેરાશ ઝડપ વધારવા માટે તમામ પ્રયત્નો થઇ રહ્યાં છે, પરંતુ તેની મહત્તમ ઝડપ 130 kmph જ જાળવી રાખવામાં આવશે. દિલ્હી-મુંબઇનો રૂટ રેલવે માટે સૌથી અગત્યનો છે. આ રૂટ પર મુસાફરી કરનારો મોટા ભાગનો વેપારી વર્ગ વિમાની મુસાફરી તરફ વળી ગયો છે.