
સરકારે ભેળસેળને કરાઇ બંધ, એટલે વધી રહ્યાં છે તેલના ભાવ, ખેડૂતોને થશે ફાયદો: કેન્દ્રીય કૃષિ મંત્રી
કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે તેલમાં ભેળસેળ રોકવાથી સરસવના તેલના ભાવમાં વધારો થયો હોવાનુ જણાવ્યુ છે. આ સાથે તેમણે એમ પણ કહ્યું છે કે આનો લાભ ખેડૂતોને મળશે. સોમવારે ગ્વાલિયર પહોંચેલા કેન્દ્ર સરકારના કૃષિ પ્રધાન અને મધ્ય પ્રદેશના મુરેનાના સાંસદ નરેન્દ્રસિંહ તોમરને સરસવના તેલના ભાવમાં વધારા અંગે પૂછવામાં આવ્યું હતુ, જેને તેમણે આ જવાબ આપ્યો હતો.
છેલ્લા કેટલાક દિવસોમાં સરસવના તેલના ભાવમાં ખૂબ જ તીવ્ર વધારો થયો છે. છેલ્લા એક વર્ષમાં ખાદ્યતેલના ભાવમાં 60 ટકાનો વધારો થયો છે. જેના કારણે રસોડાનું બજેટ બગડ્યું છે. આ અંગે નરેન્દ્રસિંહ તોમરે કહ્યું, સરસવનું તેલ થોડું મોંઘું થઈ ગયું છે કારણ કે સરકારે તેલમાં ભેળસેળ કરવાનું બંધ કરાવવામાં આવી છે. ભારત સરકારનો આ એક ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય છે અને તે આખા દેશમાં તેલીબિયાં અને સરસવના ખેડૂતોને ફાયદો પહોંચાડવાનો છે. સરકાર વધતા જતા ભાવો ઉપર પણ નજર રાખી રહી છે.
કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમારે ખેડૂત આંદોલન વિશે કહ્યું છે કે સરકાર આંદોલનકારી ખેડૂતો સાથે કૃષિ બીલો રદ કરવા સિવાય અન્ય તમામ વિકલ્પો પર વાત કરવા તૈયાર છે. ખેડૂત સંગઠનોએ સરકાર સાથે નવા કૃષિ બીલો રદ કરવા સિવાયની વાત કરવી જોઈએ.
મધ્યપ્રદેશના સીએમ શિવરાજસિંહ ચૌહાણની બદલીની અટકળો અંગે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું કે, રાજ્ય સરકારમાં અસ્થિરતા નથી. એમપી સરકારે પણ કોરોનાની સ્થિતિને ખૂબ સારી રીતે સંભાળી છે. કોંગ્રેસની બાજુથી નેતૃત્વમાં પરિવર્તનની ચર્ચા છે, તેથી હું કહેવા માંગુ છું કે મધ્યપ્રદેશમાં ભાજપ સરકાર છે અને મુખ્યમંત્રી કોણ હશે તે ભાજપ નક્કી કરશે. કોંગ્રેસને આ વિશે વાત કરવાનો અથવા નિવેદન આપવાનો કોઈ અધિકાર નથી.