For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુલશન કુમાર કેસ : પાકી ખબર હતી તો પણ હત્યા કેમ થઈ?

ગુલશન કુમાર કેસ : પાકી ખબર હતી તો પણ હત્યા કેમ થઈ?

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News
વર્ષ 1997માં ટી-સિરીઝના સ્થાપક ગુલશન કુમાર મંદિરમાંથી નીકળી રહ્યા હતા ત્યારે તેમની હત્યા કરાઈ હતી.

ગુરુવારે બૉમ્બે હાઈકોર્ટે ટી-સિરીઝના સ્થાપક ગુલશન કુમારની હત્યામાં દાઉદ ઇબ્રાહીમના સાગરીત રઉફ મર્ચન્ટની આજીવન કેદની સજાને યથાવત્ રાખી છે, તેમજ હરીફ મ્યુઝિક કંપની ટિપ્સના માલિક રમેશ તૌરાનીને નિર્દોષ છોડી મૂકવાના નીચલી કોર્ટના આદેશને પણ યથાવત્ રાખ્યો હતો.

1997માં ગુલશન કુમાર મંદિરમાંથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે ભાડૂતી હત્યારાઓએ 16 ગોળી ધરબી દીધી હતી, આ હુમલામાં તેમનો ડ્રાઇવર પણ ઘાયલ થયો હતો.

આ ઘટનાક્રમના ચાર મહિના અગાઉ મુંબઈ પોલીસને ગુલશન કુમાર પર હુમલા વિશે માહિતી હતી, છતાં ગુલશન કુમારની હત્યા થવા પામી હતી.

આ ઘટનાને કારણે બોલીવૂડ તથા મુંબઈના વેપારીઓમાં ભય ફેલાઈ ગયો હતો.


ચાર મહિના પહેલાં ખબર

કોઈ કેસમાં પત્રકારપરિષદ દરમિયાન રાકેશ મારિયા

ગુલશન કુમારની હત્યા વિશે મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર રાકેશ મારિયાએ 'લૅટ મી સે ઇટ નાઉ'માં લખ્યું છે: "તા. 22મી એપ્રિલ 1997ના રોજ અડધી રાત વીતી ગઈ હતી. અચાનક અમારા ફોનની ઘંટડી વાગી."

"હંમેશાંની જેમ જ બીચારી પ્રીતિની ઊંઘ ઊડી ગઈ, સામે છેડેથી મારા વિશ્વાસપાત્ર બાતમીદારનો ફોન હતો."

"તેણે મને જણાવ્યું કે ગુલશન કુમારની હત્યા થવાની છે. મેં તેને પૂછ્યું કે કોણ હત્યાનું કાવતરું ઘડી રહ્યું છે. બાતમીદારે કહ્યું કે અબુ સાલેમે (અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમનો સાગરીત) પોતાના શૂટરો સાથે પ્લાન નક્કી કર્યો છે."

"ગુલશન કુમાર દરરોજ ઘરેથી નીકળીને સૌપ્રથમ એક શિવમંદિર જાય છે, ત્યાં જ કામ ખતમ કરવાના છે. મેં વધુ એક વખત બાતમીદારને પૂછ્યું કે શું સાચા અહેવાલ છે. એટલે એણે મને કહ્યું કે પાકી માહિતી છે, જો એમ ન હોત તો મેં તમને જણાવ્યું જ ન હોત."

"મેં વધુ કોઈ માહિતી હોય તો જણાવવા તેને કહ્યું અને વાત પૂરી થઈ ગઈ. મારા ચિંતાતુર ચહેરાને જોઈને પ્રીતિએ પૂછ્યું કે શું થયું મેં તેને કહ્યું કે કોઈકની હત્યા થવાની છે, ત્યારે પ્રીતિએ કહ્યું કે તો કોઈને જાણ કરીને સતર્ક કરો. પરંતુ એ પહેલાં બાતમીની ખરાઈ કરવી જરૂરી હતી."

મારિયા લખે છે કે "હું ક્રાઇમ-બ્રાન્ચમાં ડીસીપી (ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ) હતો ત્યારે તેમણે બાતમીદારોનું નેટવર્ક વિકસાવ્યું હતું."

"જ્યારે ફોન આવ્યો, ત્યારે હું ડીજીપીની ઑફિસમાં એઆઈજી (આસિસટન્ટ ઇન્સ્પેક્ટર જનરલ પોલીસ)ના હોદ્દા પર હતો. ક્રાઇમ-બ્રાન્ચ છોડી દીધી હોવા છતાં 'કંઈક થશે' એવા વિશ્વાસ સાથે બાતમીદારો ચોક્કસ અધિકારીઓને પોતાની મહિતી પૂરી પાડતા હોય છે. ચાહે તેનું ડિપાર્ટમેન્ટ બદલાય, સસ્પેન્ડ થાય કે ફરજનિવૃત્ત થાય."


બીજા દિવસે સવારે...

મહેશ ભટ્ટ

મારિયા તેમના પુસ્તકમાં આગળ લખે છે કે બીજા દિવસે તેમણે જાણીતા ફિલ્મદિગ્દર્શક મહેશ ભટ્ટને ફોન કર્યો અને પૂછ્યું કે, "શું તેઓ ગુલશન કુમારને ઓળખે છે?' મહેશ ભટ્ટે જણાવ્યું, 'હા ઓળખું છું ને તેમની ફિલ્મ પણ ડિરેક્ટ કરી રહ્યો છું."

એટલે મેં તેમને જણાવ્યું કે, "શું તેઓ નજીકના શિવમંદિરે જાય છે, તેની પુષ્ટિ થઈ શકે? શું તમે આ કામ કરી આપશો? જરા અર્જન્ટ છે."

મારિયાએ ભટ્ટને કારણ સમજાવ્યું. થોડા સમય પછી મહેશ ભટ્ટનો ફોન આવ્યો, તેમણે જણાવ્યું કે ગુલશન કુમાર ઘરેથી નીકળીને દરરોજ અચૂકપણે શિવમંદિરે જાય છે.

મારિયા પાસેથી જે માહિતી મળી હતી, તે પ્રમાણે ભટ્ટે તેમના મિત્ર એવા ગુલશન કુમારને સંભવિત જોખમ અંગે વાકેફ કર્યા અને તેમને સતર્ક રહેવા જણાવ્યું હતું.


ગુલશન કુમારનો ભૂતકાળ

ગુલશન કુમારનો જન્મ એક ફળવિક્રેતાને ત્યાં થયો હતો. તેમણે ટી-સિરીઝની મૂળ કંપની સુપર કૅસેટ્સ ઇન્ડ્રીઝની સ્થાપના 1983માં કરી હતી.

ગુલશન કુમાર શરૂઆતમાં દિલ્હીમાં કૅસેટ અને રેકર્ડ વેચતા હતા. તેમણે ભક્તિસંગીતના ક્ષેત્રને સૌ પહેલાં પિછાણ્યું તેમણે જોયું કે હિંદુ વૃદ્ધો ઉંમરને કારણે આંખની રોશની જતી રહેવાથી ધર્મગ્રંથો, શ્લોક, મંત્ર અને ધૂનો વાંચી નથી શકતા.

આથી તેમને આકર્ષવા માટે ગુલશન કુમારે ગાયકો રોક્યા અને ધૂન-મંત્ર રેકર્ડ કરીને તેની કૅસેટો કાઢી. આ પ્રિ-રેકર્ડેડ કૅસેટો બજારભાવ કરતાં સસ્તી હતી.

આવી જ રીતે તેમણે જોયું કે આર્થિક રીતે પહોંચી ન શકે તેવા કે અશક્ત હિંદુઓ તીર્થસ્થાનોની મુલાકાત નથી લઈ શકતા. આથી, તેમને આકર્ષવા માટે વીડિયો કૅસેટ્સ કાઢી.

ગુલશન કુમારે કૉપીરાઇટ ઍક્ટમાં રહેલાં છીંડાનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો અને તેમણે સસ્તી કૅસેટ્સ કાઢી. તેમની પર અન્ય કંપનીના મ્યુઝિકની પાઇરેટેડ નકલ વેંચવાના આરોપ પણ લાગ્યા.

1990માં તેમણે ફિલ્મસંગીતમાં ઝંપલાવ્યું, સૌ પહેલાં 'આશિકી' નામનું આલ્બમ રજૂ થયું, જેણે સફળતાના નવા કીર્તિમાન સ્થાપિત કર્યા. આ ફિલ્મનું દિગ્દર્શન મહેશ ભટ્ટે કર્યું હતું. જોતજોતામાં ગુલશન કુમારે ટી-સિરીઝને ઘર-ઘરનું નામ બનાવી દીધું.

સંગીતકાર નદીમ-શ્રવણ, ગાયિકા અનુરાધા પૌંડવાલ, કુમાર સાનુ, સોનુ નિગમ, ઉદિત નારાયણ, બબલા મહેતા વગેરેના ઉદયમાં ગુલશન કુમારનો મોટો હાથ હતો.

ગુલશન કુમારે દેશનાં અનેક ધાર્મિકસ્થળોએ અન્નક્ષેત્ર, મંદિરો અને ધર્મશાળાઓના જીર્ણોદ્ધાર જેવાં કામો કરાવ્યાં હતાં. અંતે મંદિરના દર્શને ગયા હતા, ત્યારે જ તેમની હત્યા થઈ.


હત્યા, ચૂક અને ચાન્સ

રાકેશ મારિયાની બાતમી અને ભલામણના આધારે મુંબઈ ક્રાઇમ-બ્રાન્ચ દ્વારા ગુલશન કુમારને સુરક્ષા પૂરી પાડવમાં આવી હતી. એ દિવસે સવારે ગુલશન કુમાર નિત્યકર્મ મુજબ શિવમંદિરે ગયા હતા.

એ સમયે મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ, સવારે દસેક વાગ્યાની આસપાસ ગુલશન કુમાર જૂહુના જિતેશ્વર મંદિરમાં પૂજા કરીને બહાર નીકળી રહ્યા હતા. ત્યારે એક શખ્સે તેમનો રસ્તો આંતર્યો હતો અને કહ્યું, "બહુ પૂજા કરી લીધી, હવે ઉપર જઈને કરજે."

હુમલાખોરોએ તાબડતોબ ગોળીઓ વરસાવવાનું શરૂ કરી દીધું. ગુલશન કુમારના શરીરમાં 16 ગોળી ધરબી દેવામાં આવી હતી. આસપાસમાં કોઈ તેમને બચાવવા આવ્યું ન હતું. ડ્રાઇવરે પોતાની રીતે બચાવ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેની પર પણ ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને તેને ઘાયલ કરી દેવામાં આવ્યો હતો.

એ જ દિવસે રાકેશ મારિયાને ફોન પર માહિતી મળી કે ગુલશન કુમારની હત્યા કરી દેવાઈ છે.

મારિયાએ પૂછ્યું, 'ક્યાં?' ત્યારે માહિતી મળી કે શિવમંદિરેથી પૂજા કરીને બહાર નીકળી રહ્યા હતા ત્યારે તેમની પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

ગુલશન કુમારની હત્યા થવી અને તે પણ શિવમંદિરની બહાર જ થવી, એ બાબત રાકેશ મારિયા માટે આંચકાજનક હતી. તેમણે મુંબઈ પોલીસની સુરક્ષા પૂરી પાડવામાં આવી હતી તે અંગે પૃચ્છા કરી.

ગુલશન કુમાર દિલ્હીમાં હતા ત્યારે તેમણે પાસે જ પરંતુ ઉત્તર પ્રદેશમાં આવેલી ઔદ્યોગિક વસાહત ન્યૂ ઓખલા ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ (નોઇડા અને હાલનું ગૌતમ બુદ્ધ નગર) ખાતે કૅસેટ બનાવવાની ફેકટરી નાખી હતી.

ગુલશન કુમાર મુંબઈમાં રહેતા હતા, પણ તેમની ફેકટરી નોઇડામાં હતી. એટલે તેમણે ઉત્તર પ્રદેશ પોલીસનું રક્ષણ લીધું હતું.

મારિયાએ પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે ગુલશન કુમારને ઉત્તર પ્રદેશ પોલીસનો એક કમાન્ડો ફાળવવામાં આવ્યો હતો, પરંતુ જે દિવસે હત્યા થઈ એ દિવસે તે બીમાર હતો અને હત્યારાઓને તક મળી ગઈ હતી.


T-Series દેશનું સૌથી મોટું મ્યુઝિક લેબલ

19 વર્ષની ઉંમરે ગુલશન કુમારના પુત્ર ભૂષણ કુમાર ઉપર ટી-સિરીઝની જવાબદારી આવી પડી, જેઓ કંપનીના મૅનેજિંગ ડિરેક્ટર તથા ચૅરમૅન છે. આજે કંપની દેશનું સૌથી મોટું મ્યુઝિક લેબલ છે.

એક અનુમાન પ્રમાણે, કંપની કુલ બજારના 70થી 80 ટકા જેટલો હિસ્સો ધરાવે છે. કંપની પાસે એક લાખ 60 હજાર કરતાં વધુ ઓડિયો ગીત તથા 55 હજાર કરતાં વધુ વીડિયો ગીતની બૅન્ક છે. જેને વિશ્વના મોટા સંગ્રહોમાંથી એક માનવામાં આવે છે.

કંપનીએ સ્વતંત્ર રીતે તથા અન્યોની સાથે મળીને ફિલ્મનિર્માણના ક્ષેત્રમાં પણ ઝંપલાવ્યું છે. ગુલશન કુમારના જીવન અંગે પણ ફિલ્મ નિર્માણાધીન છે, જેમાં અક્ષય કુમાર મુખ્ય ભૂમિકા ભજવશે એવા અહેવાલો આવ્યા હતા, જે બાદ અક્ષય કુમારે ફિલ્મ છોડી દીધી હોવાના અહેવાલો આવ્યા હતા.

આ પહેલાં બીબીસી સાથે વાત કરતાં ભૂષણ કુમારે કહ્યું હતું કે બજારમાં ટકી રહેવા અને આગળ વધવા માટે સંગીતની સમજ હોય તે જરૂરી છે, જેના કારણે તેમને 90 ટકા સુધી સફળતા મળે છે. ભૂષણ કુમારે ઉમેર્યું હતું:

"લોકોની માગને અનુરૂપ સંગીત કેવી રીતે તૈયાર કરવું તે મારા પિતાજી સારી રીતે જાણતા હતા અને તેમની પાસેથી જ મને વારસામાં મળ્યું છે." કુમાર તેને 'ઇયર-સૅન્સ' ગણાવે છે.

મુંબઈ પોલીસે તેમના 400થી વધુ પાનાંના આરોપનામામાં નદીમ અખ્તર સૈફી (નદીમ-શ્રવણની જોડીના નદીમ)ને પણ તૌરાનીની સાથે સહ-આરોપી બનાવ્યા હતા.

એ સમયે નદીમ લંડનમાં હતા અને હત્યાના કેસમાં નામ ખૂલવાને કારણે ત્યાં જ રહી ગયા અને ક્યારેય ભારત પરત ન ફર્યા.

વર્ષો પછી પાકિસ્તાની ચેનલ 'જિયો ટીવી' પર 'નાદિયા હસન શૉ'માં નદીમ સફીએ પોતાનો પક્ષ રજૂ કરતાં ખુદને ગુલશન કુમારની હત્યાના કેસમાં નિર્દોષ ગણાવ્યા અને તેમને 'ફિટ' કરી દેવામાં આવ્યા હોવાનો આરોપ મુક્યો. નદીમે કહ્યું કે તેઓ મૃતકને 'પપ્પાજી' કહેતા અને તેમની હત્યા વિશે વિચારી પણ ન શકે.

પુરાવાને સંદિગ્ધ માનીને બ્રિટનની ઉચ્ચ અદાલતે નદીમનો કબજો ભારતને સોંપવાનો ઇન્કાર કરી દીધો હતો. નદીમ તેને આગળ કરીને ખુદ નિર્દોષ હોવાની વાત કહે છે, પરંતુ કાયદાકીય નિષ્ણાતોના કહેવા પ્રમાણે, નદીમે વિદેશી કોર્ટ પાસેથી નહીં, પરંતુ ભારતીય અદાલતમાં પોતાની નિર્દોષતા પુરવાર કરવી રહી.

ગુરુવારની સુનાવણી દરમિયાન ધંધાકીય હરીફાઈના કારણે રમેશ તૌરાનીએ ગુલશન કુમારની હત્યા કરાવી હતી, એવી વાદી પક્ષની દલીલોને કાઢી નખાઈ હતી અને તેમને દોષમુક્ત જાહેર કર્યા હતા.

હત્યા બાદ ફરાર થઈ ગયેલા અને 2002માં પકડાયેલા રઉફ મર્ચન્ટની સજામાં ઢીલ આપવાનો ઇન્કાર કરાયો હતો. જસ્ટિસ સાધના એસ જાધવ તથા જસ્ટિસ એન. આર. બોરકરની ખંડપીઠે અન્ય એક આરોપી અબ્દુલ રાશીદ અંગેના નીચલી કોર્ટના ચુકાદાને પલટાવ્યો હતો અને તેમને આજીવન કેદની સજા ફટકારી હતી.

રશીદને સેશન્સ કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કરવાનો તથા પાસપોર્ટ જમા કરાવવાનો આદેશ કરાયો છે.


કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર
કોરોના વાઇરસ ફર્નિચર

https://youtu.be/sLsviiSe40s

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Gulshan Kumar case: well known therefore why murdered
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X