રામ રહીમ: દુનિયાનો ત્યાગ કર્યો છે, દંડ ભરવાના પૈસા નથી

Written By:
Subscribe to Oneindia News

ગુરમીત રામ રહીમે પંજાબ અને હરિયાણા કોર્ટને જાણકારી આપી છે કે, તેણે દુનિયાનો ત્યાગ કર્યો છે અને આથી તેની પાસે સીબીઆઇની વિશેષ અદાલત દ્વારા કરવામાં આવેલ દંડ ભરવાના પૈસા નથી. રામ રહીમે સીબીઆઇની વિશેષ અદાલતના ચુકાદા સામે પંજાબ અને હરિયાણા હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા છે. સીબીઆઇની વિશેષ અદાલતે બળાત્કારના મામલે રામ રહીમને દોષી ઠેરવતાં 20 વર્ષની સજા સંભળાવી હતી. તો બીજી બાજુ બળાત્કાર પીડિતાઓએ રામ રહીમની 20 વર્ષની જેલની સજાને ઉંમરકેદમાં ફેરવવા માટે કોર્ટ સમક્ષ અરજી કરી હતી, જે કોર્ટ દ્વારા સ્વીકારવામાં આવી છે.

ram rahim

નોંધનીય છે કે, રામ રહીમને સીબીઆઇ કોર્ટ દ્વારા બે સાધ્વીઓ સાથે બળાત્કારના ગુનામાં એક મામલે 10 વર્ષની જેલ તથા 15 લાખનો દંડ એમ કુલ 20 વર્ષની સજા તથા 30 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. રામ રહીમની ઉપરોક્ત વિનંતી છતાં કોર્ટ દ્વારા તેને બે મહિનાની અંદર દંડની રકમ બેંકમાં જમા કરાવવાનું કહેવામાં આવ્યું છે. તો બીજી બાજુ કાઉન્સિલ તરફથી કહેવામાં આવ્યું છે કે, એવી લગભગ 45 પીડિતા છે, જેમનું ત્રણ વર્ષ સુધી યૌન શોષણ થયું હતું, પરંતુ તેઓ નિવેદન આપવા સામે નથી આવી શકી. આ દલીલ સાથે જ રામ રહીમને વધુમાં વધુ અને કડક સજાની માંગણી કરવામાં આવી છે.

આ અંગે રામ રહીમના વકીલે કહ્યું કે, અમે સીબીઆઇના ચૂકાદાને હાઇકોર્ટમાં પડકારીશું. કોર્ટે અમને બે મહિનામાં દંડ જમા કરવાનું કહ્યું છે, પરંતુ જો હાઇકોર્ટનો નિર્ણય અમારા પક્ષમાં આવશે તો અમને સંપૂર્ણ રકમ વ્યાજ સહિત પરત મળશે. તેમણે ઉમેર્યું હતું કે, અમે કોર્ટને અરજી કરી છે કે તેઓ આ કેસમાં થોડી નરમાશ દાખવે, કારણ કે બળાત્કારના કેસ 18 વર્ષ જૂના છે તથા રામ રહીમે મહિલાઓના કલ્યાણ માટે પણ ઘણા કાર્યો કર્યા છે. 18 વર્ષ દરમિયાનના આ ગાળામાં બીજા કોઇ કેસ થયા નથી, આથી રામ રહીમે સમાજ માટે કરેલ કાર્યોને ધ્યાનમાં રાખીને તેમને ઓછામાં ઓછી સજા કરવાની અમે વિનંતી કરી છે.

English summary
Gurmeet Ram Rahim told the Punjab and Haryana High Court that he has renounced the world and has no money to pay the fine slapped on him by the special CBI court.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.