મુખ્યમંત્રીની પસંદગી કેવી રીતે થાય છે? જાણો શું છે પુરી બંધારણીય પ્રક્રિયા?
હાલ કર્ણાટકના નવા મુખ્યમંત્રીની પસંદગી માટે કોંગ્રેસ હાઈ કમાન્ટ વિચાર વિમર્શ કરી કહ્યું છે. અટકળો લગાવાઈ રહી છે કે બહુ જલ્દી નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત થઈ શકે છે. જો કે એ જાણવુ જરૂરી છે કે એક મુખ્યમંત્રીની પસંદગી માટે બંધારણીય પ્રક્રિયા શું છે?
ભારતના બંધારણ અનુસાર કોઈપણ રાજ્યના વડા રાજ્યપાલ છે પરંતુ વાસ્તવિક કારોબારી સત્તા મુખ્યમંત્રી પાસે રહે છે. વિધાનસભાની ચૂંટણીમાં બહુમતી મેળવનાર પક્ષના ચૂંટાયેલા ધારાસભ્યો તેમના નેતા પસંદ કરે છે. આ નેતાને ધારાસભ્ય દળના નેતા કહેવામાં આવે છે.

આ પ્રક્રિયા બાદ રાજ્યપાલ તેને સરકાર બનાવવા માટે આમંત્રણ આપે છે. ભારતના બંધારણની કલમ 164(1) હેઠળ રાજ્યપાલ મુખ્યમંત્રીની નિમણૂક કરે છે. રાજ્યપાલની પરવાનગી બાદ જ મુખ્યમંત્રી પોતાની કેબિનેટ બનાવી શકે છે.
એ પણ જાણવુ જરૂરી છે કે, 91મા બંધારણીય સુધારા અધિનિયમ 2003 મુજબ મુખ્યમંત્રી સહિત સમગ્ર મંત્રીમંડળનું કદ રાજ્ય વિધાનસભાના કુલ સભ્યોની સંખ્યાના 15 ટકાથી વધુ ન હોવું જોઈએ.
વિધાનસભા ચૂંટણીમાં જો કોઈ પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળે તો રાજ્યપા તેમની વિવેકબુદ્ધિથી, સરકાર બનાવવા માટે સૌથી મોટા પક્ષને આમંત્રણ આપે છે. આ પક્ષ અથવા નેતાએ ચોક્કસ સમયગાળામાં વિધાનસભામાં બહુમતી સાબિત કરવાની રહે છે.
જો તે પોતાની બહુમતી સાબિત ન કરી શકે તો કાર્યકારી સત્તા રાજ્યપાલ હેઠળ આવે છે. ત્યારબાદ રાજ્યમાં ફરીથી ચૂંટણી યોજાશે. ત્યાં સુધી રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન રહેશે અને રાજ્યપાલ વહીવટ ચલાવે છે.
કેટલીક વખત એવી સ્થિતિ સર્જાય છે કે જે પક્ષ બહુમતીમાં હોય તે પોતાના ધારાસભ્ય પક્ષના નેતા તરીકે એવા નેતાને ચૂંટે જે ધારાસભ્ય નથી. બંધારણ મુજબ મુખ્યમંત્રીએ વિધાનસભા કે વિધાન પરિષદના સભ્ય હોવા જરૂરી છે પરંતુ આ સ્થિતિમાં રાજ્યપાલ તે નેતાને મુખ્યમંત્રી પદ પર નિયુક્ત કરે છે પરંતુ તે પદ પર બેઠેલી વ્યક્તિએ આગામી 6 મહિનામાં વિધાનસભા અથવા વિધાન પરિષદનું સભ્યપદ મેળવવું જરૂરી છે. આવુ ન થાય તોપદ પરથી રાજીનામું આપવું પડે છે.
વિધાનસભાના સભ્યોને સીધી ચૂંટણીથી લોકો ચૂંટે છે. તે 5 વર્ષનો કાર્યકાળ ધરાવતી અસ્થાયી સંસ્થા છે તેથી, દર પાંચ વર્ષે તેનું વિસર્જન કરવામાં આવે છે અને ચૂંટણી દ્વારા નવી વિધાનસભાની રચના કરવામાં આવે છે. આ સિસ્ટમ ભારતના તમામ રાજ્યોમાં અસ્તિત્વમાં છે.
વિધાન પરિષદ રાજ્યસભા જેમ ઉપલુ ગૃહ છે. વિધાન પરિષદના સભ્યો પ્રતિનિધિત્વની સિસ્ટમ દ્વારા ચૂંટાય છે. તે એક કાયમી હાઉસ છે અને ક્યારેય ભંગ થતુ નથી. આમાં દર બે વર્ષે એક તૃતીયાંશ સભ્યો નિવૃત્ત થાય છે. આ સિસ્ટમ માત્ર આંધ્રપ્રદેશ, બિહાર, કર્ણાટક, મહારાષ્ટ્ર, તેલંગાણા અને ઉત્તર પ્રદેશમાં અસ્તિત્વમાં છે.
અહીં તમને જણાવી દઈએ કે વિધાન પરિષદના સભ્યોની મહત્તમ સંખ્યા વિધાનસભાના કુલ સભ્યોની સંખ્યાના એક તૃતીયાંશથી વધુ ન હોઈ શકે. અને સભ્યોની સંખ્યા 40 થી ઓછી ન હોવી જોઈએ.












Click it and Unblock the Notifications
