• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાશ્મીર : હત્યાકાંડ બાદ કાશ્મીરી પંડિતો અને શીખ પરિવારો કેવા ભયમાં જીવે છે?

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News

સિદ્ધાર્થ બિંદરુ તેમના પિતા માખનલાલ માટે ચિકન શાવરમા લેવા જઈ રહ્યા હતા, ત્યારે તેમના પૉલિક્લિનિક પરથી ફોન આવ્યો અને જણાવ્યું, "પપ્પા મૃત્યુ પામ્યા છે." આ સાંભળીને વિખ્યાત કાશ્મીરી એંડોક્રાઇનૉલૉજિસ્ટ આઘાતમાં આવી ગયા.

પાંચમી ઑક્ટોબરે મોડી સાંજે અજાણ્યા હુમલાખોર 'બિંદરુ હેલ્થ ઝોન'માં આવ્યા અને તેના માલિક માખનલાલને પિસ્તોલમાંથી ત્રણ ગોળી મારી.

દુકાનના સેલ્સમૅનના કહેવા પ્રમાણે, તેઓ ફોન પર વાત કરી રહ્યા હતા ત્યારે હુમલાખોરોએ ગોળીબાર કર્યો અને અંધારામાં ઓગળી ગયા.

વ્યથિત જણાતા ડૉ. સિદ્ધાર્થે કહ્યું, "એક ગોળી હૃદયમાં વાગી, બીજી ખભા પર તથા ત્રીજી ગોળી તેમના ગળામાં વાગી હતી." પૉલિક્લિનિકમાં પ્રૅક્ટિસ કરતા ડૉ. સિદ્ધાર્થને એ દિવસે રજા હતી.

રડતાં-રડતાં સમગ્ર ઘટનાક્રમને યાદ કરતા તેઓ કહે છે, "પાપાએ બપોરે મને ફોન કર્યો હતો અને ચિકન શાવરમા લાવવા માટે કહ્યું હતું. એ તેમનું પસંદગીનું ભોજન હતું. મેં તેમની પાસે લઈ જવાનું નક્કી કર્યું, પરંતુ એવું ન થઈ શક્યું."


માખનલાલ બિંદરુ કોણ હતા?

68 વર્ષીય માખનલાલ બિંદરુ કાશ્મીરના વિખ્યાત ડૉક્ટર તથા ફાર્માસિસ્ટ રાકેશ્વરનાથના પુત્ર હતા. તેમણે સમગ્ર કાશ્મીર તથા ખાસ કરીને શ્રીનગરમાં ફાર્મસીનો મોટો વ્યવસાય 'બિંદરુ મેડિકેટ' ઊભો કર્યો હતો.

1983માં પિતાના અવસાન બાદ એમએલ બિંદરુ ઉપર દુકાનની જવાબદારી આવી પડી, તેમનાં પત્નીએ આ કામમાં તેમને સહકાર આપ્યો.

તેને યાદ કરતા ડૉ. સિદ્ધાર્થ કહે છે, "મારા પિતા વ્યવહારુ હતા. માતા દુકાન ઉપર બિલ બનાવતાં. તેઓ માલ ખરીદવાની સાથે ગ્રાહકોને દવાઓ પણ આપતા, જ્યારે મેં તેમને પૂછ્યું કે શા માટે માતાએ દુકાન ઉપર કામ કરવું પડે છે. ત્યારે તેમણે કહ્યું હતું કે તેમને કંઈ થઈ જાય તો સંતાનોને તકલીફ ન પડે. તેઓ વારંવાર કહેતા કે તેઓ ન રહે તો પણ જીવન પૂર્વવત્ જ ચાલતું રહેવું જોઈએ."

1990માં ઉગ્રવાદી હિંસા પછી હજારો કાશ્મીરી હિંદુઓ તથા પંડિતોએ ખીણપ્રદેશ છોડી દેવો પડ્યો હતો. હવે માંડ 800 પરિવાર બચ્યા છે, જેમાં બિંદરુના પરિવારનો પણ સમાવેશ થતો હતો.

એ દિવસે અન્ય બે લોકોને પણ અજ્ઞાત હુમલાખોરોએ મારી નાખ્યા હતા, જેમાં બિહારના હિંદુ ફેરિયા, કાશ્મીરી મુસ્લિમ કૅબ ડ્રાઇવરનો સમાવેશ થતો હતો. આ પહેલાં પણ બે કાશ્મીરી મુસ્લિમોને આવી જ રીતે મારી નાખવામાં આવ્યા હતા.


સુપિંદર કોર તથા દીપક ચંદની હત્યા

આ ઘટનાને માંડ બે દિવસ થયા હશે કે અજાણ્યા હુમલાખોરોએ શ્રીનગરની બહાર સંગમ વિસ્તારમાં સરકારી સ્કૂલ પર હુમલો કર્યો અને ઓળખ કર્યા બાદ સ્કૂલનાં મહિલા પ્રિન્સિપાલ તથા એક શિક્ષકની હત્યા કરી નાખી.

મૃતક મહિલા પ્રિન્સિપાલનું નામ સુપિન્દર કોર હતું, તેઓ કાશ્મીરી શીખ હતાં. સુપિંદર કોર બે સંતાનો સાથે શ્રીનગરના અલુચાબાગ વિસ્તારમાં રહેતાં હતાં. મૃત શિક્ષક દીપક ચંદ જમ્મુના રહેવાસી હતા.

મૃત્યુ પછી તેમના પતિ રામરેશપાલસિંહ આઘાતને કારણે બે દિવસ સુધી કશું બોલી ન શક્યા. વ્યવસાયે બૅન્કર સિંહ કહે છે, "હું પૂછી જ ન શક્યો કે તેમને કેવી રીતે મારવામાં આવ્યા હતા. પત્નીને મૃતાવસ્થામાં જોઈના મારા માટે તમામ ચીજો બેકાર થઈ ગઈ."

રામરેશપાલસિંહ વાત કરી રહ્યા હતા, ત્યારે તેમના અનેક સહકર્મી તથા સુપિંદર કોરની સ્કૂલના સાથી શિક્ષક પણ તેમને યાદ કરી રહ્યા હતા.

સ્કૂલમાં સ્પૉર્ટ્સ ટીચર અબ્દુલ રહમાનના કહેવા પ્રમાણે, 35 વર્ષની નોકરીમાં મેં સુપિંદર કોર જેવા દયાળુ વ્યક્તિ જોઈ નથી.

તેઓ કહે છે, "વૉશરૂમના સમારકામ માટે તેમણે પોતાના ખિસ્સાના પૈસા કાઢ્યા, કારણ કે ઔપચારિકતાઓ પૂર્ણ કરવામાં ઘણો સમય નીકળી ગયો હોત."

પોલીસ તથા પ્રત્યક્ષદર્શીઓના કહેવા પ્રમાણે, ત્રણ હથિયારબંધ શખ્સ સ્કૂલ પરિસરમાં પ્રવેશ્યા હતા. તેમણે સ્કૂલના સ્ટાફને બોલાવ્યો હતો અને તેમની ઓળખ કરી હતી.

પોલીસના પ્રારંભિક રિપોર્ટ પ્રમાણે, હુમલાખોરોએ સુપિંદર તથા દીપકને અન્ય લોકોથી અલગ ઊભા કર્યા હતા અને તેમને ગોળી મારી દીધી હતી, જેના કારણે બંનેનાં તત્કાળ મૃત્યુ થઈ ગયાં. માતાનાં મૃત્યુથી સંતાનો આઘાતમાં છે અને કોઈ સવાલના જવાબ આપી નથી શકતા.

અંતિમસંસ્કાર દરમિયાન આઠ વર્ષના ભાઈને બાથમાં લઈને 12 વર્ષીય પુત્રી જસલીન કોરે કહ્યું, "મેં ક્યારેય લાશ નહોતી જોઈ. હું આઘાતમાં છું. મને ખબર નથી પડતી કે આ બધું શું થઈ રહ્યું છે."

તેમના પાડોશી મજીદે જણાવ્યું, "સુપિંદર મારી બહેન જેવી હતી. તે એટલી ઉદાર હતી કે એક અનાથ મુસ્લિમ બાળકીને દત્તક લીધી હતી. પોતાની આવકનો એક ભાગ એ બાળકીના ભરણપોષણ માટે ખર્ચતી હતી. મને નથી ખબર કે કેટલા અનાથોએ તેમની ગોડમધર ગુમાવી દીધી."


સબ સલામતની પોલ ખૂલી

https://www.youtube.com/watch?v=6wyCttTFMms

ઑક્ટોબર મહિનાના શરૂઆતના દિવસોમાં અમુક લોકોની હત્યા પછી રાજ્યમાં શાંતિ તથા સામાન્ય સ્થિતિના સરકારી દાવાની પોલ ખૂલી ગઈ છે.

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના પ્રધાનો દ્વારા બંધારણના 'અનુચ્છેદ 370 હઠવાથી થયેલા લાભ'ની ચર્ચા કરવા માટે રાજ્યનો પ્રવાસ ખેડી રહ્યા હતા, ત્યારે આ હત્યાઓ થઈ છે.

તા. પાંચમી ઑગસ્ટ, 2019ના સરકારના નિર્ણય બાદ સેંકડો લોકોની ધરપકડ કરવામાં આવી હતી, સાથે જ અઠવાડિયાંઓ સુધી સંચારબંધી લાદી દેવામાં આવી હતી.

રાજ્યના નેતાઓએ લોકોની હત્યાઓની કડક શબ્દોમાં ટીકા કરી છે અને તેની સરખામણી 1990ના દાયકા સાથે કરી છે.

રાજ્યનાં પૂર્વ મુખ્ય મંત્રી મહેબૂબા મુફ્તીએ કહ્યું તાજેતરની સ્થિતિ "શાંતિ તથા સામાન્ય સ્થિતિના ખોટો દાવાની પોલ ખોલવા" સમાન છે.


બે દાયકામાં પહેલી વાર લઘુમતી પર નિશાન

બિંદરુ કે સુપિંદરની કોરની હત્યા કદાચ છેલ્લાં 18 વર્ષમાં કાશ્મીરી પંડિત કે શીખ નાગરિકો પર થયેલો પ્રથમ હુમલો છે.

આ પહેલાં માર્ચ-2000માં અનંતનાગ જિલ્લાના ચિટ્ટીસિંહ પુરા ગામ ખાતે અજાણ્યા હુમલાખોરોએ 35 કરતાં વધુ શીખોની હત્યા કરી નાખી હતી.

એ પછી વર્ષ 2003માં પુલવામાના છેવાડાના નદીમર્ગ ગામ ખાતે 20 કરતાં વધુ કાશ્મીરી પંડિતોની હત્યા કરી દેવામાં આવી હતી.

કાશ્મીરના પોલીસવડા વિજયકુમાર રાજ્યમાં કોમી તણાવ હોવાની વાતને નકારે છે.

તેમના કહેવા પ્રમાણે, "વર્ષ 2021 દરમિયાન ઉગ્રવાદી હુમલામાં 28 નાગરિકનાં મૃત્યુ થયાં હતાં, જેમાંથી પાંચ લોકો સ્થાનિક હિંદુ કે શીખ હતા, બે બહારના શ્રમિક હતા. જ્યારે અન્ય મૃતક મુસલમાન હતા."

જમ્મુ-કાશ્મીર પોલીસના મહાનિદેશક દિલબાગસિંહના કહેવા પ્રમાણે, સાંપ્રદાયિક સૌહાર્દની સ્થિતિને બગાડવા માટે તાજેતરની હત્યાઓ કરવામાં આવી હતી.

બિંદરુની હત્યાને કારણે કાશ્મીરને નહીં છોડનારા અથવા તો છેલ્લા એક દાયકા દરમિયાન પરત ફરેલા કાશ્મીરી પંડિતોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે.

પોલીસનું કહેવું છે કે હુમલાખોરને ઝડપી લેવા માટે વ્યાપક તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યા છે. પૂર્વ ઉગ્રવાદીઓ તથા જામીન ઉપર છૂટેલા પ્રદર્શનકારીઓની પૂછપરછ કરવામાં આવી છે તથા તેમની અટકાયત પણ કરવામાં આવી છે.


'લઘુમતી કેવી રીતે રહેશે?'

સંજય ટિક્કુ પાંચ હજાર કરતા વધુ 'બિન-પ્રવાસી' કાશ્મીરી પંડિતોનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થાના વડા છે.

તાજેતરની સ્થિતિ અંગે ટિક્કુએ કહ્યું, "હા, તાજેતરની સ્થિતિ 1990ના દાયકા જેવી છે, કારણ કે મને એ સમય જેવો જ ભય લાગી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસ દરમિયાન અનેક કાશ્મીરી પંડિત પરિવાર ખીણપ્રદેશ છોડી ગયા છે, જ્યારે બીજા કેટલાક પરિવાર છોડી જવાની તૈયારીમાં છે."

"ગભરાયેલા પંડિત પરિવારો મને કોલ કરી રહ્યા છે. અધિકારીઓએ મને શ્રીનગરમાં મારા ઘરેથી ઉઠાવીને હોટલમાં બંધ કરી દીધો છે. આવી ભયજનક સ્થિતિમાં અમે કેવી રીતે રહી શકીએ?"

બિંદરુના ઘરની બહાર સુરક્ષાકર્મીઓને તહેનાત કરી દેવામાં આવ્યા છે, જ્યારે કેટલાક કાશ્મીરી પંડિત નેતાઓને સલામત સ્થળે ખસેડી લેવામાં આવ્યા છે. પરંતુ પાડોશના પંડિત તથા શીખ પરિવારોમાં અસુરક્ષાની ભાવના ફરી વળી છે.

તાજેતરનાં વર્ષો દરમિયાન સરકારી પૅકેજ હેઠળ કાશ્મીર પરત ફરેલા પંડિત પરિવારોમાં શાંતિ ફેલાયેલી છે. આવો જ એક કૅમ્પ કાશ્મીરના બડગામ જિલ્લામાં છે. જ્યાં લગભગ 300 જેટલા ફ્લેટમાં એક હજાર કરતાં વધુ કાશ્મીરી પંડિત રહે છે.

આ કૅમ્પની એક વ્યક્તિએ નામ ન છાપવાની વિનંતી કરતા જણાવ્યું, "અનેક પરિવાર જતા રહ્યા છે. અમે અસુરક્ષા અનુભવીએ છીએ. સરકારી અધિકારીઓ આ વિસ્તારની મુલાકાત લઈ રહ્યા છે તથા જો કંઈ થાય તો મદદ કરવાની તત્પરતા દાખવી રહ્યા છે, પરંતુ શાળાના શિક્ષકોની હત્યા બાદ ભય કૅમ્પથી કાર્યાલયો સુધી પહોંચી ગયો છે. શું સરકાર તમામ શાળાઓ તથા કચેરીઓને સુરક્ષા પૂરી પાડી શકે છે?"


જનજીવનને અસર

જમ્મુ-કાશ્મીરના શીખ નેતાઓએ ત્યાં જ રહેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે, છતાં તેમણે શીખ કર્માચારીઓને સરકાર તરફથી સુરક્ષાની ખાતરી ન મળે ત્યાર સુધી ડ્યૂટી ઉપર ન જવા કહ્યું છે.

ભય તથા અનિશ્ચિતતાની વચ્ચે તાજેતરના ઘટનાક્રમની અસર સામાન્ય કાશ્મીરી પર પણ પડી છે. શહેરમાં કડક સુરક્ષાવ્યવસ્થા, ગાડીઓ ઉપરાંત પગે ચાલનારાઓની જડતી તથા સતત વાગતા સાયરન તણાવને વકરાવી દે છે.

શ્રીનગરમાં બેકરીની બહાર પોતાના વારાની રાહ જોઈ રહેલા લોકો 1990 જેવી સ્થિતિ ફરી ઊભી થવા બદલ ચિંતિત જણાતા હતા.

ઊભા રહેલા લોકોમાંથી એક મહોમ્મદ આલમના કહેવા પ્રમાણે, "1990માં કાશ્મીરી પંડિતોનું પલાયન ત્રાસદી હતી અને એ પછી જે કંઈ થયું તે બીજી ત્રાસદી હતી. સમગ્ર વસતિએ કાર્યવાહીનો સામનો કરવો પડ્યો હતો. એ દિવસોને યાદ કરતા પણ કંપારી છૂટી જાય છે. એવું ફરીથી ન થવું જોઈએ."

1991માં ગોળીબારીની એક ઘટનામાં તેમણે પોતાના ભાઈને ગુમાવી દીધા હતા.


પલાયનનો ઇન્કાર

નોકરીના પૅકેજ હેઠળ ખીણપ્રદેશમાં પરત ફરનારા કાશ્મીરી પરિવાર હવે પરત ફરવા માગે છે, પરંતુ બિંદરુ પરિવાર તેમના પિતાનો વારસો છોડવા નથી માગતો. બિંદરુનાં પુત્રી શ્રદ્ધાએ કહ્યું, "માખનલાલ અહીં રહેવા માગતા હતા, એટલે તેમણે બધું વેઠ્યું. અમે કાશ્મીરી છીએ અને અમારી નસોમાં બિંદરુનું લોહી વહે છે."

ડૉ. સિદ્ધાર્થનાં બે સંતાન છે, જેઓ દાહસંસ્કાર વખતે હાજર હતા. તેઓ કહે છે, "હું મારાં સંતાનોને તેમના દાદાના અંતિમસંસ્કારના સાક્ષી બનાવવા માગુ છું. ત્યાં હિંદુ કરતાં મુસલમાન વધારે હતા. હું ઇચ્છતો હતો કે મારા દીકરા તેમના દાદાની સામાજિક મૂડીને જુએ."

"એક અલ્પસંખ્યકની હત્યા માત્ર હત્યા નહીં, પરંતુ કોમી સૌહાર્દનો માહોલ ખરાબ કરવાનો પ્રયાસ છે. મને નથી લાગતું કે પલાયન કરવાનું કોઈ કારણ છે, આ બધા મારા લોકો છે, હું તેમને છોડી ન શકું."

તેઓ કહે છે, મારા ઘરે આવનારાઓમાં 90 ટકા મુસલમાન હતા, આવા લોકોને પોતાના પિતાનો વારસો યાદ કરાવતા ડૉ. સિદ્ધાર્થ 1990ના સમયને યાદ કરે છે.

તેઓ કહે છે કે એ સમયે તણાવ ચરમ પર હતો ત્યારે તેમના મુસ્લિમ મિત્રો ઘરે આવીને ચા પીતા હતા.

ડૉ. સિદ્ધાર્થ કહે છે, "લોકો અમારા ઘરે એ દેખાડવા આવે છે કે તેઓ અમારી સાથે છે. ગત 25 વર્ષથી મારાં માતા એક મુસ્લિમ શખ્સને રાખડી બાંધે છે. શું તમને લાગે છે કે કોઈ કારણસર અમારે હિજરત કરી જવી જોઈએ?"


કોરોના વાઇરસ ફર્નિચર

https://www.youtube.com/watch?v=lQDMacX1BMI

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Kashmir: In what danger do Kashmiri Pandits and Sikh families live after the massacre?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X