india-china relations : ભારત-ચીન વચ્ચે કયા મુદ્દે સહમતિ બની? બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણયો
india-china relations : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે તાજેતરમાં તિયાનજિનમાં યોજાયેલા SCO શિખર સંમેલન દરમિયાન એક અત્યંત મહત્વપૂર્ણ બેઠક થઈ.
આ બેઠકમાં દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા, સરહદી શાંતિ જાળવવા અને આતંકવાદ જેવી વૈશ્વિક સમસ્યાઓનો સામનો કરવા જેવા મુદ્દાઓ પર સહમતિ બની.

વિદેશ સચિવ વિક્રમ મિસરીએ જણાવ્યું કે બંને નેતાઓ વચ્ચે થયેલી વાતચીત દરમિયાન ભારત અને ચીનને પ્રતિસ્પર્ધીને બદલે ભાગીદાર બનવા પર ભાર મૂકવામાં આવ્યો.
તેમણે કહ્યું કે મતભેદોને વિવાદમાં ફેરવવાથી બચવું જોઈએ. બંને દેશોના 2.8 અબજ લોકોના હિતમાં સ્થિર અને મૈત્રીપૂર્ણ સંબંધોને ફાયદાકારક ગણાવવામાં આવ્યા.
સરહદી શાંતિ : મોદીએ સ્પષ્ટ કર્યું કે સરહદી વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા દ્વિપક્ષીય સંબંધોની પ્રગતિ માટે અનિવાર્ય છે. બંને નેતાઓએ સરહદી વિવાદોના સમાધાન માટે સાથે મળીને કામ કરવા પર ભાર મૂક્યો.
આતંકવાદ સામે એકતા : પ્રધાનમંત્રી મોદીએ સરહદ પારના આતંકવાદનો મુદ્દો પણ ઉઠાવ્યો, જેના પર બંને દેશોએ એકસાથે લડવા માટે સંમતિ દર્શાવી.
વ્યાપાર અને રોકાણ: બંને નેતાઓએ દ્વિપક્ષીય વેપારમાં રહેલા અસંતુલનને ઘટાડવા, રોકાણને પ્રોત્સાહન આપવા અને નીતિગત પારદર્શિતા વધારવા પર પણ ચર્ચા કરી. તેમણે કહ્યું કે ભારત અને ચીનની અર્થવ્યવસ્થા વૈશ્વિક વેપારને સ્થિરતા પ્રદાન કરી શકે છે.
આ બેઠકમાં વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ. બંને નેતાઓએ બહુપક્ષીય મંચો પર સહયોગ વધારવા અને વિશ્વ વ્યાપારને સ્થિર કરવામાં ભારત અને ચીનની મોટી ભૂમિકાને સ્વીકારી. પ્રધાનમંત્રી મોદીએ ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગને 2026માં ભારતમાં યોજાનાર બ્રિક્સ શિખર સંમેલન માટે આમંત્રણ પણ આપ્યું.
આ બેઠક ઉપરાંત પ્રધાનમંત્રી મોદીએ મ્યાનમારના સ્ટેટ સિક્યુરિટી એન્ડ પીસ કમિશનના ચેરમેન સાથે પણ મુલાકાત કરી. મોદીએ મ્યાનમારમાં ચૂંટણીની જાહેરાતનું સ્વાગત કર્યું અને શાંતિ તથા સ્થિરતા માટે સંવાદને એકમાત્ર રસ્તો ગણાવ્યો.
તેમણે ભારતની નેબરહુડ ફર્સ્ટ અને એક્ટ ફાસ્ટ નીતિ હેઠળ મ્યાનમાર સાથેના સંબંધોને ખૂબ મહત્વ આપ્યું અને ચાલી રહેલી વિકાસ પરિયોજનાઓ માટે સહયોગની વિનંતી કરી.












Click it and Unblock the Notifications
