For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Exclusive : ત્રણ દાયકાઓથી ‘સ્પષ્ટ જનાદેશ’ માટે તલસતુ ભારત!

By કન્હૈયા કોષ્ટી
|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 29 માર્ચ : આજની નવી પેઢીને પૂછો જરા કે સ્પષ્ટ જનાદેશ કોને કહેવાય? નવી પેઢીના લોકો કદાચ માથુ ખંજવાડતા થશે કે આ વળી સ્પષ્ટ જનાદેશ શું હોય છે. જોકે ગુજરાતના લોકો કદાચ આનો જવાબ આપી પણ શકે, કારણ કે તેઓ છેલ્લા ઘણા વર્ષોથી ગાંધીનગરમાં બેસનારી સરકારને સ્પષ્ટ ચુકાદા સાથે બેસાડે છે, પરંતુ ભારતના મોટાભાગના રાજ્યો અને ભારતના પાટનગર દિલ્હી સુદ્ધામાં લોકોએ કદાચ જ સ્પષ્ટ જનાદેશ વિશે સાંભળ્યું હશે.

દેશ હાલ લોકસભા ચૂંટણી 2014 માટેની તૈયારીઓમાં લાગી ગયો છે. એક બાજુ કોંગ્રેસ અને ભાજપ સહિતના રાજકીય પક્ષો પોત-પોતાની રીતે લોકોને આકર્ષવાના પ્રયત્નો કરી રહ્યાં છે, તો બીજી બાજુ પ્રજા તમામ પક્ષો અને નેતાઓને બારીકાઈથી જોઈ-ચકાસી રહી છે અને તેનો નિચોડ ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીન એટલે કે ઈવીએમમાંથી 16મી મે, 2014ના રોજ બહાર આવી જશે.

પરંતુ... સૌથી મોટી વિટંબણા એ છે કે આ વખતની ચૂંટણીમાં પણ કોઈ એક પક્ષની આંધી નથી વર્તાતી. હા, ભારતીય જનતા પક્ષ એટલે કે ભાજપ અને તેના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી તમામ સર્વેમાં લીડ ભોગવી રહ્યાં છે, પરંતુ કોઈ પણ સર્વેએ ભાજપને સ્પષ્ટ રીતે સત્તા તરફ દોર્યો નથી. તમામ સર્વે એક જ નિષ્કર્ષે પહોંચ્યા છે કે લોકસભા ચૂંટણી 2014ના કોથળામાંથી પણ ‘સાચી સરકાર' નહીં નિકળે અને દેશને યુતિ ધરાવતી હાલક-ડોલક સરકાર જ મળવાની છે.

આમ અત્યાર સુધીના વલણ અને સર્વે પરથી તો સ્પષ્ટ છે કે 16મી મે, 2014નો દિવસ પણ ભારતના ત્રણ દાયકાઓના ઇંતેજારને ખતમ નહીં કરી શકે. હા જી, ત્રણ દાયકાઓનો ઇંતેજારનો મતલબ છે સ્પષ્ટ જનાદેશનો કે જે ભારતમાં આજથી ત્રીસ વર્ષ અગાઉ એટલે કે ત્રણ દાયકા અગાઉ 1984-85ની લોકસભા ચૂંટણીમાં જોવા મળ્યો હતો. ભારતના લોકોએ ઇંદિરા ગાંધીની હત્યા બાદ થયેલ એ ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષને ભારે બહુમતીથી સત્તા સોંપી, પરંતુ એ પછી તો સ્પષ્ટ જનાદેશ કોણ જાણે ક્યાં ખોવાઈ ગયો અને આજનું ભારત છેલ્લા ત્રીસ વરસથી આવા સ્પષ્ટ જનાદેશ માટે તલસી રહ્યું છે.

ભારતમાં લોકસભા ચૂંટણીનો ઇતિહાસ જોઇએ, તો જણાય છે કે એક સમયે દેશના લોકો એક જ પક્ષ અને એક ચોક્કસ વ્યક્તિને સત્તા સોંપી દેતા હતાં. આઝાદી પછીના શરુઆતના ઘણા વર્ષો સુધી આવુ જ થયું. જોકે અધવચ્ચે 1977માં આવું ક્રમ ખોરવાયુ ખરું, પરંતુ અસ્થિરતાનો એ માહોલ દેશના લોકોને રુચ્યુ નહીં અને ત્રણ જ વર્ષ બાદ એટલે કે 1980માં તેઓ ફરી પાટે ચઢી એક જ પક્ષને સ્પષ્ટ જનાદેશ આપતા થયાં. 1984માં પણ આ ક્રમ જળવાયેલો રહ્યો. જોકે બીજી વખત 1989થી સ્પષ્ટ જનાદેશનો આ ક્રમ એવો તો ખોરવાયો કે આજ સુધી પાટે નથી ચઢી શક્યો.

ચાલો તસવીરો સાથે જોઇએ ભારતમાં લોકસભા ચૂંટણીઓનો ઇતિહાસ :

પહેલી વાર ચુંટાયા વડાપ્રધાન

પહેલી વાર ચુંટાયા વડાપ્રધાન

સને 1947માં દેશ આઝાદ થયા બાદ પહેલી લોકસભા ચૂંટણી 1951માં યોજાઈ. 489 બેઠકો માટે થયેલી આ ચૂંટણીમાં સત્તાપક્ષ કોંગ્રેસ ને 364 બેઠકો હાસલ થઈ અને નિમણુંક પામેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ સ્પષ્ટ જનાદેશ સાથે પ્રથમ ચુંટાયેલા વડાપ્રધાન તરીકે સત્તારૂઢ થયાં. આમ ભારતે પોતાની પ્રથમ ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષને સ્પષ્ટ જનાદેશ આપ્યો હતો. આ ચૂંટણીમાં રાષ્ટ્રીય કક્ષાની પાર્ટીઓમાં ભારતીય કૉમ્યુનિસ્ટ પાર્ટી (સીપીઆઈ)ને 16, ભારતીય જનસંઘ (બીજેએસ)ને 3, ફૉરવર્ડ બ્લૉક (માર્ક્સિસ્ટ ગ્રુપ) એટલે કે એફબીએલ(એમજી)ને 1, હિન્દૂ મહાસંઘ (એચએમએસ)ને 4, કૃષિકાર લોક પાર્ટી (કેએલપી)ને 1, કિસાન મજદૂર પ્રજા પાર્ટી (કેએમપીપી)ને 9, રામરાજ્ય પાર્ટી (આરઆરપી)ને 3, રિવૉલ્યુશનરી સોશિયલિસ્ટ પાર્ટી (આરએસપી)ને 3, શિડ્યુઅલ કાસ્ટ ફોરમ (એસસીએફ)ને 2 અને એસપી (સોશિયલિસ્ટ પાર્ટી)ને 12 બેઠકો મળી હતી.

નહેરૂ અને કોંગ્રેસને પુનઃ બહુમતી

નહેરૂ અને કોંગ્રેસને પુનઃ બહુમતી

આઝાદી બાદ દેશમાં કોંગ્રેસ પ્રત્યે લોકોની ઘેલછા સતત વધતી જતી હતી અને નેહરૂની લોકપ્રિયતા પણ આસમાને હતી. તેવામાં 1957માં યોજાયેલ બીજી લોકસભા ચૂંટણીમાં પણ લોકોએ કોંગ્રેસને ખોબે-ખોબે મત આપ્યાં અને 371 બેઠકો સાથે કોંગ્રેસ પક્ષ ભારે બહુમત લઈ પુનઃ સત્તા ઉપર આવ્યો. 494 બેઠકો માટે યોજાયેલ આ ચૂંટણીમાં રાષ્ટ્રીય કક્ષાના પક્ષોમાં કોંગ્રેસને 371 ઉપરાંત ભારતીય કૉમ્યુનિસ્ટ પાર્ટી (સીપીઆઈ)ને 27, પ્રજા સોશિયલિસ્ટ પાર્ટી (પીએસપી)ને 19 અને ભારતીય જનસંઘ (બીજેએસ)ને 4 બેઠકો મળી હતી.

નહેરૂ-કોંગ્રેસની હૅટ્રિક

નહેરૂ-કોંગ્રેસની હૅટ્રિક

ભારતમાં ત્રીજી લોકસભા ચૂંટણી 1962માં યોજાઈ. 494 બેઠકો માટે યોજાયેલ આ ચૂંટણીમાં પણ લોકોએ કોંગ્રેસ પક્ષને 361 બેઠકો સાથે સતત ત્રીજી વખત ભારે બહુમતી આપી, તો ભારતીય કૉમ્યુનિસ્ટ પાર્ટી (સીપીઆઈ)ને 29, પ્રજા સોશિયલિસ્ટ પાર્ટી (પીએસપી)ને 12, સ્વતંત્ર (એસડબ્લ્યુએ) ને 18, જનસંઘને 14 અને સોશિયલિસ્ટ (એસઓસી)ને 6 બેઠકોથી સંતોષ કરવો પડ્યો.

કોંગ્રેસ નબળો પડ્યો, પણ બહુમતી મળી

કોંગ્રેસ નબળો પડ્યો, પણ બહુમતી મળી

દેશમાં ચોથી લોકસભા ચૂંટણી 1967માં યોજાઈ. 520 બેઠકો માટે યોજાયેલ આ ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ થોડોક નબળો જરૂર પડ્યો, પરંતુ પ્રજાએ તેને સ્પષ્ટ બહુમતી તો આપી જ દીધી. આ ચૂંટણીમાં કોંગ્રેસને 283 બેઠકો મળી અને બાકીના રાષ્ટ્રીય પક્ષોમાં ભારતીય કૉમ્યુનિસ્ટ પાર્ટી (સીપીઆઈ)ને 23, માર્ક્સવાદી કૉમ્યુનિસ્ટ પાર્ટી (સીપીએમ)ને 19, ભારતીય જનસંઘ (બીજેએસ)ને 35, પ્રજા સોશિયલિસ્ટ પાર્ટી (પીએસપી)ને 13, સંયુક્ત સોશિયલિસ્ટ પાર્ટી (એસએસપી)ને 23 તથા સ્વતંત્ર (એસડબ્લ્યુએ)ને 44 બેઠકો મળી હતી.

કોંગ્રેસને પાંચમી વખત બહુમતી

કોંગ્રેસને પાંચમી વખત બહુમતી

દેશમાં પાંચમી લોકસભા ચૂંટણી 518 બેઠકો માટે સને 1971માં યોજાઈ. આ ચૂંટણીમાં પણ પ્રજાએ સતત પાંચમી વખત બહુમતી આપી. આ ચૂંટણીમાં કોંગ્રેસની પરિસ્થિતિ પુનઃ મજબૂત બની અને તેને 352 બેઠકો સાથે ભારે બહુમતી મળી. કોંગ્રેસ ઉપરાંત અન્ય રાષ્ટ્રીય કક્ષાની પાર્ટીઓમાં ભારતીય કૉમ્યુનિસ્ટ પાર્ટી (સીપીઆઈ)ને 23, માર્ક્સવાદી કૉમ્યુનિસ્ટ પાર્ટી (સીપીએમ)ને 25, સંગઠન કોંગ્રેસ (એનસીઓ)ને 16, ભારતીય જનસંઘ (બીજેએસ)ને 22, પ્રજા સોશિયલિસ્ટ પાર્ટી (પીએસપી)ને 2, સંયુક્ત સોશિયલિસ્ટ પાર્ટી (એસએસપી)ને 3 અને સ્વતંત્ર (એસડબ્લ્યુએ)ને 8 બેઠકો મળી હતી.

ઇમર્જંસી વિરુદ્ધ રોષ ફાટી નિકળ્યો

ઇમર્જંસી વિરુદ્ધ રોષ ફાટી નિકળ્યો

સતત પાંચ વખત ભારે બહુમતી સાથે સત્તા ઉપર આવનાર કોંગ્રેસ પક્ષ માટે લોકસભા ચૂંટણી 1977 વળતા પાણી જેવી સાબિત થઈ. કોંગ્રેસ પક્ષ તરફથી નેહરૂ અને લાલ બહાદુર શાસ્ત્રી જેવા વડાપ્રધાનો જોઈ ચુકેલા દેશને ઇંદિરા ગાંધી પાસે ઘણી આશાઓ હતી, પરંતુ 1975માં જાહેર કરેલી ઇમર્જંસી ઇંદિરા ગાંધી અને કોંગ્રેસ પક્ષ માટે ઘાતક સાબિત થઈ. ઇમર્જંસીના કારણે પાંચની જગ્યાએ છ વર્ષ બાદ યોજાયેલ આ ચૂંટણીમાં લોકોનો રોષ ફાટી નિકળ્યો અને કોંગ્રેસને 542માંથી માત્ર 154 બેઠકો હાસલ થઈ. પહેલી વાર દેશે ઇમર્જંસીનો ગુસ્સાના આવેગમાં કોંગ્રેસને સત્તામાંથી હાંકી કાઢી અને 292 બેઠકો સાથે ભારતીય લોકદળ એટલે કે બીએલડીને બહુમતી આપી. આ ચૂંટણીમાં ભારતીય કૉમ્યુનિસ્ટ પાર્ટી (સીપીઆઈ)એ 7, માર્ક્સવાદી કૉમ્યુનિસ્ટ પાર્ટી (સીપીએમ)એ 22 અને સંગઠન કોંગ્રેસ (એનસીઓ)એ 3 બેઠકો જીતી હતી.

ઇંદિરાનું શાનદાર કમબૅક

ઇંદિરાનું શાનદાર કમબૅક

ઇમર્જંસી બાદ કોંગ્રેસને સત્તામાંથી ઉખાડી ફેંકનાર અને ઇમર્જંસી વિરોધી પક્ષોને સત્તા સોંપનાર પ્રજાને ત્રણ જ વર્ષમાં દેશમાં જે અસ્થિર રાજકીય-શાસકીય પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો, તે કદાચ પ્રજાને ઇમર્જંસી કરતા પણ વધુ કપરો લાગ્યો હશે અને એટલે લોકસભા ચૂંટણી 1980માં પ્રજા પુનઃ કોંગ્રેસ તરફ વળી અને ઇમર્જંસીના કારણે નફરતનો ભોગ બનેલા ઇંદિરા ગાંધી 353 બેઠકો સાથે પુનઃ કોંગ્રેસ પક્ષને સત્તામાં લઈ આવ્યાં. 529 બેઠકો માટે યોજાયેલ આ ચૂંટણીમાં તમામ વિપક્ષી દળોનો સફાયો થઈ ગયો હતો. આ ચૂંટણીમાં અન્ય રાષ્ટ્રીય પક્ષોમાં ભારતીય કૉમ્યુનિસ્ટ પાર્ટી (સીપીઆઈ)ને 10, માર્ક્સવાદી કૉમ્યુનિસ્ટ પાર્ટી (સીપીએમ)ને 37, જનતા પાર્ટી (જેએનપી)ને 31, કોંગ્રેસ (યૂ)ને 13 અને જનતા પાર્ટી ‘સેક્યુલર' (જેએનપી-એસ)ને 41 બેઠકો જ હાસલ થઈ હતી.

ઇંદિરા લહેરમાં તર્યા રાજીવ ગાંધી

ઇંદિરા લહેરમાં તર્યા રાજીવ ગાંધી

લોકસભા ચૂંટણી 1984-85 ખૂબ જ કપરા કાળમાં યોજાઈ હતી. 31મી ઑક્ટોબર, 1984ના રોજ વડાપ્રધાન ઇંદિરા ગાંધીની હત્યા થઈ અને રાજીવ ગાંધી વડાપ્રધાન નિમાયા હતાં. દેશ ભરમાં કોંગ્રેસ પક્ષ પ્રત્યે સહાનુભૂતિની આંધી ફરી વળી હતી અને એટલે જ રાજીવ ગાંધીના નેતૃત્વ હેઠળ કોંગ્રેસ પક્ષને રેકૉર્ડ 414 બેઠકો હાસલ થઈ હતી. જોકે આજના સંદર્ભમાં જોઇએ, તો કદાચ કોંગ્રેસ પણ નહીં જાણતી હોય કે આ રેકૉર્ડ બહુમતી તેને છેલ્લી વાર મળી રહી છે અને કદાચ દેશને પણ છેલ્લી વાર મળી રહી છે. 546 બેઠકો માટે યોજાયેલ આ ચૂંટણીમાં પણ તમામ વિપક્ષી દળોનો સફાયો થઈ ગયો હતો. એ વખતે માટે ગૌણ, પરંતુ આજના સંદર્ભ સાથે મિલાવીને જોઇએ, તો ભારતીય જનતા પક્ષ એટલે કે ભાજપની આ પહેલી ચૂંટણી હતી અને તેને માત્ર 2 બેઠકો હાસલ થઈ હતી. જોકે ઇંદિરા લહેર વચ્ચે પણ પક્ષે 2 બેઠકો જીતતા ઉત્સાહ વધ્યો હતો. આ ઉપરાંત ભારતીય કૉમ્યુનિસ્ટ પાર્ટી (સીપીઆઈ)એ 6, માર્ક્સવાદી કૉમ્યુનિસ્ટ પાર્ટી (સીપીએમ)એ 22, ઇન્ડિયન કોંગ્રેસ સોશિયલિસ્ટ (આઈસીએસ)એ 5, જનતા પાર્ટી (જેએનપી)એ 10 અને લોકદળ (એલકેડી)એ 3 બેઠકો હાસલ કરી હતી.

કોંગ્રેસની હકાલપટ્ટી

કોંગ્રેસની હકાલપટ્ટી

લોકસભા ચૂંટણી 1989માં ફરી એક વાર દેશમાં 1977 જેવો પરિવર્તનનો પવન ફુંકાયો હતો અને રાજીવ ગાંધી તથા કોંગ્રેસ પક્ષ વિરુદ્ધ લોકોએ જનાદેશ આપ્યો. 529 બેઠકો માટે યોજાયેલ આ ચૂંટણીમાં લોકોએ રાજીવ ગાંધી વિરુદ્ધ ઉપસી આવેલા વી. પી. સિંહ તરફી જનાદેશ આપ્યો. કોંગ્રેસને આ ચૂંટણીમાં માત્ર 197 બેઠકો હાસલ થઈ અને બીજી બાજુ કોંગ્રેસ વિરુદ્ધ યુતિ કરી ચૂંટણી મેદાને ઉતરેલ જનતા દળ તથા ભાજપને લોકોએ સ્પષ્ટ બહુમતી આપી. જનતા દળને 143, તો ભાજપને 85 બેઠકો સાથે લોકોએ યુતિને બહુમતી આપી અને વી. પી. સિંહ વડાપ્રધાન બની ગયાં. આ ચૂંટણીમાં ભારતીય કૉમ્યુનિસ્ટ પાર્ટી (સીપીઆઈ)ને 12, માર્ક્સવાદી કૉમ્યુનિસ્ટ પાર્ટી (સીપીએમ)ને 33, ઇન્ડિયન કોંગ્રેસ (સોશિયલિસ્ટ-શરત ચંદ્ર સિન્હા) એટલે કે આઈસીએસ-એસસીએસને 1 બેઠક હાસલ થઈ હતી.

પ્રથમ બિન-ગાંધી કોંગ્રેસી વડાપ્રધાન

પ્રથમ બિન-ગાંધી કોંગ્રેસી વડાપ્રધાન

પાંચ વર્ષે યોજાતી લોકસભાની ચૂંટણી બે વર્ષે પાછી આવી ગઈ. ગત ચૂંટણીમાં અપાયેલ અસ્પષ્ટ જનાદેશનું પરિણામ પ્રજાએ ભોગવવુ પડ્યું અને 1991-92માં દેશ ફરીથી ચૂંટણીઓ ધકેલાઈ ગયો. આ ચૂંટણી દરમિયાન ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા પણ થઈ. અશાંતિના માહોલ વચ્ચે યોજાયેલ આ ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ પુનઃ મજબૂત તો બન્યો, પરંતુ બહુમતી તો ન જ મેળવી શક્યો. 534 બેઠકોમાંથી કોંગ્રેસ પક્ષને 245 બેઠકો હાસલ થઈ અને ગાંધી પરિવારની અલિપ્તતાના પગલે પી. વી. નરસિંહ રાવના નેતૃત્વમાં કોંગ્રેસે બે વર્ષમાં જ કેન્દ્રની સત્તામાં પુનરાગમન કરી લીધું. બીજી બાજુ ગત ચૂંટણીમાં જનતા દળ સાથે યુતિ કરનાર ભાજપ આ ચૂંટણીમાં એકલા હાથે 120 બેઠકો જીતવામાં સફળ થયો. રામ મંદિર મુદ્દાના બળે ભાજપે દેશમાં પોતાની હાજરી વિસ્તૃત કરી નાંખી. આ ચૂંટણીમાં ભારતીય કૉમ્યુનિસ્ટ પાર્ટી (સીપીઆઈ)ને 14, માર્ક્સવાદી કૉમ્યુનિસ્ટ પાર્ટી (સીપીએમ)ને 35, જનતા દળ (જેડી)ને 59, જનતા પાર્ટી (જેપી)ને 5 અને ઇન્ડિયન કોંગ્રેસ (સોશિયલિસ્ટ-શરત ચંદ્ર સિન્હા) એટલે કે આઈસીએસ-એસસીએસને 1 બેઠક હાસલ થઈ.

રાજકીય અસ્થિરતાનો દોર

રાજકીય અસ્થિરતાનો દોર

નરસિંહ રાવે પાંચ વરસ સુધી અલ્પમત ધરાવતી સરકાર આમ-તેમ કરીને ચલાવી અને 1996માં ફરી લોકસભા ચૂંટણીઓ આવી. રાવ સરકારની નિષ્ફળતાઓ સામે પ્રજામાં ઘુઘવાતો રોષ આ ચૂંટણીમાં સ્પષ્ટ ઝળકી આવ્યો. 543 બેઠકો થયેલ આ ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર 140 બેઠકો હાસલ થઈ અને 161 બેઠકો સાથે ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઉપસી આવ્યો. જોકે સ્પષ્ટ બહુમતી કોઈને મળી નહોતી. આ ચૂંટણીમાં ભારતીય કૉમ્યુનિસ્ટ પાર્ટી (સીપીઆઈ)ને 12, માર્ક્સવાદી કૉમ્યુનિસ્ટ પાર્ટી (સીપીએમ)ને 32, જનતા દળ (જેડી)ને 46, સમતા પાર્ટી (એસએપી)ને 8 અને તિવારી કોંગ્રેસ (એઆઈઆઈસી-ટી)ને 4 બેઠકો હાસલ થઈ. આ સાથે જ કેન્દ્રમાં પહેલી વાર અટલ બિહારી બાજપાઈના નેતૃત્વ હેઠળ ભાજપની સરકાર બની કે જે માત્ર 13 જ દિવસ ચાલી અને પછી એચ ડી દેવગૌડા તથા ઇંદ્રકુમાર ગુજરાલે કોંગ્રેસના ટેકાથી જેમ-તેમ સરકાર ચલાવી.

ભાજપનો વધતો પગ-પેસારો

ભાજપનો વધતો પગ-પેસારો

કોંગ્રેસના ટેકાથી બનેલી દેવગૌડા અને ગુજરાલ સરકાર માંડ ડોઢ વરસ ચાલી શકી અને 1998માં પુનઃ લોકસભા ચૂંટણીઓ આવી પડી. આ ચૂંટણીમાં પણ પ્રજાનો મત વહેંચાયેલો જ રહ્યો. કોંગ્રેસની હાલત સુધરી નહીં અને તેને માત્ર 141 બેઠકો મળી, તો બીજી બાજુ ભાજપની પરિસ્થિતિમાં જોરદાર સુધારો થયો. ભાજપને આ ચૂંટણીમાં 182 બેઠકો હાસલ થઈ અને તે સૌથી મોટા પક્ષ તરીકે ઉપસી આવ્યો. જોકે સ્પષ્ટ બહુમતીનો આંકડો તો હજી દૂર જ હતો, પરંતુ બાજપાઈના નેતૃત્વ હેઠળ એનડીએની રચના થઈ અને સરકાર બની ગઈ. આ ચૂંટણીમાં અન્ય રાષ્ટ્રીય કક્ષાના પક્ષોમાં બહુજન સમાજ પાર્ટી (બીએસપી)ને 5, ભારતીય કૉમ્યુનિસ્ટ પાર્ટી (સીપીઆઈ)ને 9, માર્ક્સવાદી કૉમ્યુનિસ્ટ પાર્ટી (સીપીએમ)ને 32, જનતા દળ (જેડી)ને 6 અને સમતા પાર્ટી (એસએપી)ને 12 બેઠકો મળી હતી.

ભાજપ સૌથી મજબૂત

ભાજપ સૌથી મજબૂત

1998માં બનેલી બાજપાઈ સરકાર 13 માસમાં જ પડી ગઈ અને 1999માં દેશે ફરીથી લોકસભા ચૂંટણીનો સામનો કરવો પડ્યો. આ ચૂંટણીમાં પણ કોંગ્રેસનો વધુ રકાસ થયો અને તેની બેઠકોની સંખ્યા ઘટીને 114 થઈ ગઈ, તો બીજી બાજુ ભાજપને સ્થિતિ મજબૂત બની અને તેને 182 બેઠકો હાસલ થઈ. જોકે પ્રજાએ સ્પષ્ટ જનાદેશ તો ન જ આપ્યો, પરંતુ બાજપાઈએ પુનઃ એનડીએ સરકાર બનાવી લીધી. આ ચૂંટણીમાં બહુજન સમાજ પાર્ટી (બીએસપી)એ 14, ભારતીય કૉમ્યુનિસ્ટ પાર્ટી (સીપીઆઈ)એ 4, માર્ક્સવાદી કૉમ્યુનિસ્ટ પાર્ટી (સીપીએમ)એ 33, જનતા દળ સેક્યુલર (જેડીએસ)એ 1 અને જનતા દળ યુનાઇટેડ (જેડીયૂ)એ 21 બેઠકો હાસલ કરી હતી.

કોંગ્રેસ સત્તામાં પરત તો ફરી

કોંગ્રેસ સત્તામાં પરત તો ફરી

બાજપાઈએ પાંચ વરસ સુધી સ્થિર સરકાર આપી અને લોકસભા ચૂંટણી પાંચ વરસ બાદ એટલે કે 2004માં યોજાઈ. 543 બેઠકો માટે થયેલ આ ચૂંટણીમાં એમ લાગતુ હતું કે બાજપાઈ પુનઃ સરકાર બનાવશે, પરંતુ પ્રજાએ આ વખતે વધુ ખંડિત જનાદેશ આપ્યો. પ્રજાએ બાજપાઈ સરકારની ઇન્ડિયા શાઇનિંગની હવા કાઢી નાંખતા ભાજપને માત્ર 138 બેઠકો આપી, તો વિપક્ષ તરીકે કોંગ્રેસને પણ ઝાઝી સફળતા ન મળી અને માત્ર 145 બેઠકો જ હાસલ થઈ. જોકે કોંગ્રેસે યૂપીએની રચના કરી સરકાર બનાવી લીધી અને મનમોહન સિંહ વડાપ્રધાન બન્યાં. આ ચૂંટણીમાં બહુજન સમાજ પાર્ટી (બીએસપી)ને 19, ભારતીય કૉમ્યુનિસ્ટ પાર્ટી (સીપીઆઈ)ને 10, માર્ક્સવાદી કૉમ્યુનિસ્ટ પાર્ટી (સીપીએમ)ને 43 તથા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ને 9 બેઠકો મળી હતી.

કોંગ્રેસ વધુ મજબૂત થઈ

કોંગ્રેસ વધુ મજબૂત થઈ

મનમોહન સિંહ સરકારે સફળતાપૂર્વક પાંચ વરસ પૂર્ણ કર્યાં, પરંતુ પ્રજાનો પૂર્ણ વિશ્વાસ જીતવામાં તેઓ નિષ્ફળ જ રહ્યાં. આ વાતની સાબિતી હતી લોકસભા ચૂંટણી 2009 કે જેમાં કોંગ્રેસની બેઠકોમાં ગત ચૂંટણી કરતા વધારો તો થયો, પરંતુ તે બહુમતીના આંકડાથી તો દૂર જ હતો. 543 બેઠકો માટે થયેલ આ ચૂંટણીમાં કોંગ્રેસને 206 બેઠકો મળી અને તેણે યૂપીએના સાથી પક્ષો સાથે મળી પુનઃ સરકાર તો બનાવી લીધી. બીજી બાજુ ભાજપ વધુ નબળો પડ્યો અને તેની બેઠકો ઘટીને 116 થઈ ગઈ. ઉપરાંત અન્ય રાષ્ટ્રીય કક્ષાના પક્ષોમાં બહુજન સમાજ પાર્ટી (બીએસપી)ને 21, ભારતીય કૉમ્યુનિસ્ટ પાર્ટી (સીપીઆઈ)ને 4, માર્ક્સવાદી કૉમ્યુનિસ્ટ પાર્ટી (સીપીએમ)ને 16, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ને 9 અને રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ને 4 બેઠકો મળી હતી.

ત્રીસ વરસથી તલસતુ ભારત

ત્રીસ વરસથી તલસતુ ભારત

આમ તમામ ચૂંટણીઓનો ઇતિહાસ જોયા બાદ સ્પષ્ટ છે કે ભારતમાં 1984-85 બાદ કોઈ પણ ચૂંટણીમાં પ્રજાએ કોઈ એક પક્ષને સ્પષ્ટ બહુમતી આપી નથી. આ વખતે જોકે નરેન્દ્ર મોદીની લહેર હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, પરંતુ અત્યાર સુધીના વલણોથી સ્પષ્ટ છે કે કદાચ આ વખતે પણ કોઈ એક પક્ષને સ્પષ્ટ બહુમતી નહીં મળે. જોઇએ આ વખતની ચૂંટણી ત્રણ દાયકાથી સ્પષ્ટ જનાદેશ માટે તલસતા ભારતની તરસ બુઝાવી શકશે કે નહીં.

English summary
In our country there are elections in every five years to choose a government, but unfortunately since last few elections people of india are just making futile decisions to choose the government. And new generation of india might not be aware of the fact that there were clear majority governments also formed in the past years. India since last three decades is deficient of most required clear majority government.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X