બુલેટ ટ્રેન યોજનાથી 'મેક ઇન ઇન્ડિયા'ને મળશે પ્રોત્સાહન

Written By:
Subscribe to Oneindia News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન શિંઝો અબે 14 સપ્ટેમ્બર, 2017ના રોજ મુંબઇ અમદાવાદ વચ્ચેની દેશની પ્રથમ બુલેટ ટ્રેનનો શિલાન્યાસ કરશે. મુંબઇ અમદાવાદ હાઇ-સ્પીડ રેલ(એમએએચએસઆર)ની આ યોજના અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેનના નામથી વધુ જાણીતી છે. આ દૂરગામી યોજનામાં સુરક્ષા અને ઝડપ પર ખાસ ધ્યાન આપવામાં આવશે. એવું માનવામાં આવી રહ્યું છે કે, આ યોજના દ્વારા ભારતીય રેલવે ઝડપ, સુરક્ષા અને સુવિધાના ક્ષેત્રે વૈશ્વિક સ્તરે પોતાની નવી ઓળખાણ બનાવશે.

bullet train

88 હજાર કરોડની લોન

આ યોજના પાર પાડવા માટે ભારતે જાપાન સાથે કરાર કર્યો છે, જે હેઠળ જાપાન ભારતને 0.1 ટકા વ્યાજના દરે 88 હજાર કરોડની લોન આપશે. આ લોનની ચૂકવણીની શરૂઆત 15 વર્ષ બાદ થશે. ભારત સરકારનું કહેવું છે કે, આટલો લાંબો સમયગાળો અને ઓછો વ્યાજ દર એક રીતે લોનને વ્યાજ મુક્ત બનાવે છે.

આ યોજના માટે ભારતે જાપાન પાસેથી લીધેલ લોનનો વ્યાજ દર લગભગ 0 જ છે, જેને કરાણે ભારતની હાલની આર્થિક પરિસ્થિતિ પર કોઇ દબાણ નહીં પડે. આ યોજનાનો 80 ટકાથી વધુ ખર્ચ જાપાન દ્વારા ફાળવવામાં આવ્યો છે, એમ કહી શકાય. ભારતના ઇતિહાસમાં આ પહેલી એવી ઘટના છે, જ્યાં આટલા મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માટે કોઇ બીજા દેશ દ્વારા આટલી સગવડ સાથે કરાર કરવામાં આવ્યો હોય.

મેક ઇન ઇન્ડિયા

બંને દેશની સરાકર વચ્ચે જે કરાર પર સહી કરવામાં આવી છે, તે અનુસાર આ યોજનાના મુખ્ય હેતુઓ છે, મેક ઇન ઇન્ડિયા અને ટ્રાન્સફર ઓફ ટેક્નોલોજી. આ યોજના હેઠળ ચાર જૂથ બનાવવામાં આવ્યા છે, જેમાં ભારતીય ઉદ્યોગ, જાપાની ઉદ્યોગ, ડીઆઈપીપી, એનએચએસઆરસીએલ અને જેઇટીઆરઓના પ્રતિનિધિઓ જોડાશે અને તેઓ મેક ઇન ઇન્ડિયા માટે જરૂરી ક્ષમતાઓને ઓળખવામાં મદદ કરશે.

આ યોજનાના પ્રારંભ પહેલાં જ ભારત અને જાપાનના ઉદ્યોગપતિઓ વચ્ચે સક્રિય વાતચીત શરૂ થઇ ગઇ હતી. આવનાર ભવિષ્યમાં બંને દેશો આવી અનેક યોજનાઓ અને પ્રોજેક્ટ પર સાથે મળીને કામ કરશે, જેથી મેન્યુફ્રેક્ચરિંગ ક્ષેત્રે મોટી ઉપલબ્ધિ મેળવી શકાય. જાપાન સાથે શરૂ થયેલ આ યોજનાથી દેશમાં આધુનિક ટેક્નોલોજી તો આવશે જ, સાથે યુવાનોને મોટી સંખ્યામાં રોજગાર પણ મળી રહેશે. મેક ઇન ઇન્ડિયાનો એક મોટો હેતુ એ પણ છે કે, આ યોજના હેઠળ દેશમાં મોટી માત્રામાં રોકાણ થાય અને તે ભારતની અંદર જ ખર્ચવામાં આવે. બુલેટ ટ્રેન યોજના દ્વારા ભારતમાં નિર્માણ ક્ષેત્રે પણ વૃદ્ધિ થશે અને આ ક્ષેત્રે થતા રોકાણમાં પણ વધારો થશે. આ યોજનાના નિર્માણ દરમિયાન 20 હજાર લોકોને રોજગાર મળશે, નિર્માણ દરમિયાન કઇ રીતે કામ કરવું એની ટ્રેનિંગ પણ કામદારોને આપવામાં આવશે.

વડોદરામાં હાઇ-સ્પીડ રેલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ

વડોદરા ખાતે હાઇ-સ્પીડ રેલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટની સ્થાપના કરવામાં આવશે. આ સંસ્થાનમાં દરેક પ્રકારની સુવિધા આપવામાં આવશે. વર્ષ 2020ના અંત સુધીમાં આ સંસ્થાનનું કામ પૂર્ણ થશે અને ત્યાં ટ્રેનિંગ આપવાની શરૂઆત કરવામાં આવશે.

આ સંસ્થાનમાં 4000 લોકોને ટ્રેનિંગ આપી શકાશે, ત્રણ વર્ષની અંદર તેમની ટ્રેનિંગ પૂર્ણ કરાવામાં આવશે. ટ્રેનિંગ બાદ આ લોકોને બુલેટ ટ્રેનના સંચાલન કાર્યમાં લેવામાં આવશે. આ રીતે પ્રશિક્ષિત યુવાઓની મદદથી ભારત પોતે જ હાઇ-સ્પીડ ટ્રેનોનું સંચાલન કરવામાં સક્ષમ બનશે અને દેશને બહારથી પ્રશિક્ષિત લોકો બોલાવવાની જરૂર નહીં પડે. આ પ્રશિક્ષિત લોકો જ ભવિષ્યમાં નવા હાઇ-સ્પીડ પ્રોજેક્ટના દરવાજા ખોલશે.

હાઇ-સ્પીડ ટ્રેક ટેક્નોલોજી અંગે પૂરતી જાણકારી મળી રહે એ હેતુથી 300 યુવા કર્મચારીઓને હાલ જાપાનમાં ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. ભવિષ્યને ધ્યાનમાં રાખતા જાપાનની સરકાર દ્વારા જાપાનના વિશ્વવિદ્યાલયોમાં દર વર્ષે 20 બેઠકો ભારતીય વિદ્યાર્થીઓ માટે આરક્ષિત રાખવામાં આવી છે. આ પ્રોજેક્ટનો ખર્ચ પણ સંપૂર્ણ રીતે જાપાન દ્વારા ફાળવવામાં આવ્યો છે.

ટેક્નોલોજી અને સુરક્ષાનો સુમેળ

શિંકનસન ટેક્નોલોજી તેની સુરક્ષા અને વિશ્વસનીયતા માટે જાણીતી છે, છેલ્લા 50 વર્ષોમાં આ ટેક્નોલોજી પોતાની વિશ્વસનીયતા સાબિત કરવામાં સફળ રહી છે. આ ટેક્નોલોજીથી ચાલતી ટ્રેનો ક્યારેય પણ 1 મિનિટથી વધુ મોડી નથી પડી અને ટ્રેન સાથે ક્યારેય કોઇ દુર્ઘટના નથી ઘટી. આથી આ યોજના ભારતને પણ હાઇ-સ્પીડ સાથે ભરોસાપાત્ર સેવા આપશે એમ માનવામાં આવી રહ્યું છે. આ ટેક્નોલોજીમાં રહેલ હોનારત નિવારણ પ્રણાલી દ્વારા ભૂકંપ જેવી કુદરતી આફતો સામે પણ લડી શકાય છે.

English summary
Prime Minister Narendra Modi and his Japnese counterpart Shinzo Abe will lay the foundation stone of the Mumbai-Ahmedabad High-Speed Rail project on 14 Sept.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.