Parliament Budget Session Day 6 Highlights: હોબાળાની ભેટ ચઢ્યો વધુ એક દિવસ, લોકસભામાં ના બોલી શક્યા PM મોદી
Parliament Budget Session Day 6 Highlights: બુધવાર, 4 ફેબ્રુઆરી 2026ના રોજ સંસદના બજેટ સત્રનો છઠ્ઠો દિવસ ભારે હોબાળાથી ભરેલો રહ્યો. લોકસભા અને રાજ્યસભા બંને ગૃહોની કાર્યવાહી સતત ખોરવાઈ હતી. દિવસની શરૂઆત મોટા વિવાદથી થઈ, જે આખો દિવસ ચાલ્યો અને ગૃહની કામગીરીને અસર કરી.

આ વિવાદની શરૂઆત લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કરી હતી. તેમણે સંસદના પ્રવેશદ્વાર પાસે કેન્દ્રીય મંત્રી અને ભાજપના સાંસદ રવનીત સિંહ બિટ્ટુને 'ધોખેબાજ મિત્ર' કહ્યા હતા. આ ટિપ્પણી પર ભાજપે જોરદાર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, આ શીખો પ્રત્યે કોંગ્રેસની નફરત દર્શાવે છે.
વિપક્ષી સાંસદોનો વિરોધ તેમના સાથીદારોના સસ્પેન્શન અને રાહુલ ગાંધીને ગૃહમાં ભૂતપૂર્વ આર્મી ચીફના પુસ્તકનો ઉલ્લેખ કરવાથી રોકવાના મુદ્દાઓ પર કેન્દ્રિત હતો. ભારે શોરબકોર વચ્ચે, લોકસભામાં વિપક્ષના કેટલાક સાંસદોએ પેપરો ફાડીને અધ્યક્ષની આસન તરફ ફેંક્યા.
વિપક્ષી સાંસદોના સતત હોબાળાને કારણે PM નરેન્દ્ર મોદી પોતાનું ભાષણ આપી શક્યા નહીં. વારંવારની ચેતવણીઓ છતાં, સાંસદો શાંત રહ્યા ન હતા. આખરે, અધ્યક્ષે લોકસભાની કાર્યવાહી ગુરુવાર સવારે 11 વાગ્યા (5 ફેબ્રુઆરી) સુધી સ્થગિત કરી. હવે PM ગુરુવારે રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા કરશે તેવી અપેક્ષા છે.
આ હોબાળા વચ્ચે, ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ કોંગ્રેસના નેતાઓ પર લખાયેલું પુસ્તક લહેરાવી રાહુલ ગાંધી પાસેથી જવાબ માંગ્યો. તેમણે ટિપ્પણી કરી કે, કોંગ્રેસ અત્યાર સુધી પોતાના અહંકારમાંથી બહાર નથી આવી શકી.
અધ્યક્ષના આસન તરફ કાગળો ફેંકવાના મામલા અંગે ભાજપના દલિત સાંસદોએ અધ્યક્ષને પત્ર લખીને વિપક્ષી સાંસદો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
રાજ્યસભામાં પણ ભારે હોબાળાને કારણે ગૃહની કાર્યવાહી વારંવાર મુલતવી રહી. ગૃહમાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સરકાર પર આકરા પ્રહારો કર્યા. તેમણે જણાવ્યું, "અમે ગૃહ ચલાવવા માંગીએ છીએ, પરંતુ સરકાર જવાબ આપવા તૈયાર નથી. સરકારે અત્યાર સુધી 78 ટકા પ્રશ્નોના જવાબો આપ્યા નથી."












Click it and Unblock the Notifications
