ભારતના 'મોસ્ટ વૉન્ટેડ' ડૉન દાઉદ ઈબ્રાહીમના ગુનાહિત રેકૉર્ડવાળી ક્રાઈમ કુંડળી
Dawood Ibrahim News: અંડરવર્લ્ડ ડૉન અને ભારતના 'મોસ્ટ વૉન્ટેડ' ગુનેગાર દાઉદ ઈબ્રાહિમ વિશે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સૂત્રોએ સોમવારે જણાવ્યું કે દાઉદ ઈબ્રાહિમને ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે પાકિસ્તાનના કરાંચીની એક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે દાઉદ ઈબ્રાહિમને ઝેર આપવામાં આવ્યું હતું, પરંતુ તેના સહયોગી દ્વારા શેર કરવામાં આવેલી માહિતી અનુસાર આ વાતની કોઈ પુષ્ટિ થઈ નથી. દાઉદ ઈબ્રાહિમને બે દિવસ પહેલા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર, તેને હૉસ્પિટલની અંદર કડક સુરક્ષા હેઠળ રાખવામાં આવ્યો છે અને એક આખા ફ્લોર પર તે એકમાત્ર દર્દી છે. માત્ર હૉસ્પિટલના વરિષ્ઠ અધિકારીઓ અને તેના નજીકના પરિવારના સભ્યો જ ફ્લોર સુધી જઈ શકે છે, એમ તેમણે જણાવ્યું હતું. આ સમાચાર બાદ ફરી એકવાર દાઉદ ઈબ્રાહિમના ગુનાહિત રેકોર્ડની ચર્ચા થવા લાગી છે. આવો જાણીએ ભારતના 'મોસ્ટ વૉન્ટેડ' ડૉન દાઉદ ઈબ્રાહિમની ક્રાઈમ કુંડળી.
Dawood Ibrahim Criminal Cases: દાઉદ ઈબ્રાહિમનો ગુનાહિત રેકોર્ડ
મહારાષ્ટ્રના રત્નાગીરી શહેરમાં જન્મેલા દાઉદ ઈબ્રાહિમનું નામ 1980ના દાયકામાં મુંબઈની ગુનાખોરીની દુનિયામાં ઝડપથી ઉછળ્યું હતું. કહેવાય છે કે દાઉદ ઈબ્રાહિમની પહોંચ ફિલ્મી દુનિયાથી લઈને સટ્ટાબાજી અને શેરબજાર સુધી વિસ્તરી ગઈ હતી.
દાઉદ ઈબ્રાહિમે શાળા સ્તરે જ અભ્યાસ છોડી દીધો હતો. ભારતીય તપાસ એજન્સી સીબીઆઈના અધિકારીઓ અનુસાર, દાઉદ ઈબ્રાહિમ 1980ના દાયકામાં મુંબઈમાં ખંડણી, છેતરપિંડી, ષડયંત્રો અને લૂંટના ગુનાઓમાં પણ સામેલ હતો.
દાઉદ ઈબ્રાહિમની ગુનાહિત સફરની વાત કરીએ તો શરૂઆતના દિવસોમાં તે મુંબઈના અંડરવર્લ્ડ ડૉન કરીમ લાલાની ગેંગ અને હાજી મસ્તાન ગેંગ માટે કામ કરતો હતો. પરંતુ થોડા દિવસો પછી દાઉદ હાજી મસ્તાન ગેંગથી અલગ થઈ ગયો. પઠાણ ગેંગ અને હાજી ગેંગ સાથે ટક્કર થયા બાદ દાઉદ વધુ શક્તિશાળી બન્યો.
1980ના દાયકામાં દાઉદે 'ડી કંપની' તરીકે ઓળખાતું પોતાનું સંગઠિત અપરાધ સંગઠન બનાવ્યું. મીડિયા રિપોર્ટસ અનુસાર, 'ડી કંપની' દક્ષિણ એશિયાની સૌથી મોટી અંડરગ્રાઉન્ડ બિઝનેસ સંસ્થા માનવામાં આવતી હતી. 'ડી કંપની' ખંડણી, સોપારી કિલિંગ, હથિયારોની દાણચોરી, ડ્રગની દાણચોરી, રિયલ એસ્ટેટ અને આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ હતી.
આ તમામ ગુનાહિત ગતિવિધિઓ સિવાય દાઉદ ઈબ્રાહિમનો સૌથી મોટો ધંધો ક્રિકેટમાં સટ્ટાબાજી અને મેચ ફિક્સિંગનો હતો. 1985માં દુબઈમાં યોજાયેલી ક્રિકેટ મેચ દરમિયાન દાઉદ સ્ટેડિયમમાં બેઠો જોવા મળ્યો હતો. આ સિવાય દાઉદ ઈબ્રાહિમ ફિલ્મો અને બૉલિવુડમાં સક્રિય હતો. દાઉદ કોઈ બીજાના નામે ફિલ્મોમાં પૈસા રોકતો હતો. કહેવાય છે કે હિન્દી ફિલ્મ 'ચોરી-ચોરી ચૂપકે-ચુપકે' ડી કંપનીના પૈસાથી બની હતી.
ગુનાઓમાં તેની વધતી જતી પ્રવૃત્તિને કારણે તપાસ એજન્સી દાઉદની પાછળ પડી હતી.. ત્યાર બાદ તે ભારત છોડીને ભાગી ગયો હતો. સમદ ખાનની હત્યા માટે મુંબઈ પોલીસ દ્વારા વૉન્ટેડ હોવા છતાં તે 1986માં ભારતથી દુબઈ ભાગી ગયો હોવાનું કહેવાય છે. પોલીસના જણાવ્યા અનુસાર દાઉદ ઈબ્રાહિમ વિદેશમાં બેઠા-બેઠા ભારતમાં અનેક ગુનાઓને અંજામ આપતો હતો.
દાઉદ ઈબ્રાહિમને 1993ના મુંબઈ બૉમ્બ બ્લાસ્ટનો માસ્ટરમાઇન્ડ પણ કહેવામાં આવે છે. સુપ્રીમ કોર્ટે 1993ના મુંબઈ બૉમ્બ વિસ્ફોટ કેસમાં દાઉદ ઈબ્રાહિમ અને તેના ભાઈ અનીસ ઈબ્રાહિમને કાવતરાખોર ગણ્યા છે. આ હુમલામાં 257 લોકો માર્યા ગયા હતા અને 700થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ જ કેસમાં અભિનેતા સંજય દત્તને વિસ્ફોટો દરમિયાન હથિયાર રાખવા બદલ સુપ્રીમ કોર્ટે 5 વર્ષની જેલની સજા ફટકારી હતી.
મુંબઈ વિસ્ફોટો પહેલા દાઉદ ઈબ્રાહિમ ભારત છોડી ગયો હતો. ભારત સરકારનું કહેવું છે કે દાઉદ ઈબ્રાહીમ પાકિસ્તાનમાં છે. જોકે પાકિસ્તાન આ વાતને નકારી રહ્યું છે. અમેરિકી સરકારે દાઉદ ઈબ્રાહિમને વૈશ્વિક આતંકવાદીઓના સમર્થકોની યાદીમાં પણ મૂક્યો છે. 2003માં તૈયાર કરવામાં આવેલી આ યાદીમાં લખ્યું છે કે, 'પોલીસ કોન્સ્ટેબલનો પુત્ર દાઉદ ઈબ્રાહિમ છેલ્લા બે દાયકામાં ભારતીય અંડરવર્લ્ડનો સૌથી મોટો ગુનેગાર છે.'
એવું કહેવાય છે કે દાઉદ પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI અને આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે ગાઢ સંબંધો ધરાવે છે. ભારત દાયકાઓથી પાકિસ્તાન પાસેથી દાઉદ ઈબ્રાહિમના પ્રત્યાર્પણની માંગ કરી રહ્યું છે અને તે દેશમાં તેની ગતિવિધિઓના અસંખ્ય પુરાવાઓ આપ્યા છે. જો કે, પાકિસ્તાને વારંવાર ગુનેગારને આશ્રય આપવાનો ઇનકાર કર્યો છે.
ભારતે દાઉદના માથા પર $25 મિલિયનનું ઈનામ પણ રાખ્યું છે અને તેને સોંપવા માટે પાકિસ્તાન પર દબાણ લાવવા આંતરરાષ્ટ્રીય સમુદાયને વિનંતી કરી છે. દાઉદ અને તેની ગેંગનું ક્રાઈમ સિન્ડિકેટ એશિયા, યુરોપ અને આફ્રિકામાં ફેલાયેલું છે. જેની 40 ટકાથી વધુ કમાણી ભારતમાંથી આવે છે.












Click it and Unblock the Notifications
