IndVsNZ: ન્યૂઝીલૅન્ડના રચિન રવીન્દ્ર શ્રેયસ અય્યરને કઈ રીતે ભારે પડ્યા
ભારતીય ટીમના કોચ રાહુલ દ્રવિડ કાનપુર ટેસ્ટના છેલ્લા દિવસની છેલ્લી પળોમાં ચિંતાગ્રસ્ત ચહેરે મેદાન તાકી રહ્યા હતા અને એક ખેલાડી જેમનું નામ રાહુલ દ્રવિડના નામ પરથી પ્રેરણા લઈને પાડવામાં આવ્યું છે એ એમની ચિંતા વધારી રહ્યા હતા.
એ ખેલાડી છે, ન્યૂઝીલૅન્ડના રચિન રવીન્દ્ર.
પહેલી જ ટેસ્ટ રમી રહેલા રચિન ભારત અને એની જીત વચ્ચે 'દીવાલ'ની જેમ ઊભા રહી ગયા. એમણે વિકેટ પર ઊભા રહેવાની જાણે એવી જીદ કરી હતી જેવી જીદ કોઈ એક સમયે રાહુલ દ્રવિડ કરતા હતા અને જેના કારણે એમને 'દીવાલ'નું ઉપનામ મળ્યું હતું.
અણનમ વિકેટે રચિન 91 બૉલ રમ્યા. એમણે રન તો માત્ર 18 જ કર્યા પણ એમના દાવે ન્યૂઝીલૅન્ડ માટે મૅચ બચાવી લીધી અને ભારતના હાથમાં દેખાતી જીત હારમાં પલટાઈ ગઈ. ભારતને જ્યારે જીતવા માટે માત્ર એક વિકેટની જરૂર હતી ત્યારે રચિને એઝાઝ પટેલ સાથે જોડી જમાવી અને 8.4 ઓવર સુધી ભારતીય બૉલરોને કોઈ વિકેટ ખેરવવા ન દીધી.
રચિને આ દાવમાં ભારત માટે પહેલી ટેસ્ટ મૅચ રમી રહેલા શ્રેયસ અય્યરની સાથે હૅડલાઇન્સમાં ભાગ પણ પડાવ્યો અને અય્યરના કમાલને જીતનું ઇનામ પણ લેવા ન દીધું.
જો છેલ્લા કલાકમાં રચિને વિકેટ પર ચોંટી રહેવાની જીદ ન બતાવી હોત તો કાનપુર ટેસ્ટ શ્રેયસ અય્યરના કમાલ માટે જ યાદ કરવામાં આવતી. પહેલી ટેસ્ટ રમી રહેલા શ્રેયસ અય્યરે પહેલા દાવમાં સદી ફટકારી અને બીજા દાવમાં અડધી સદી નોંધાવી હતી.
તો રચિને પહેલા દાવમાં માત્ર 13 રન કર્યા હતા, મૅચમાં તેઓ એક પણ વિકેટ નહોતા લઈ શક્યા.
મૅચનું પ્રસારણ કરનારી બ્રૉડકાસ્ટરની કૉમેન્ટ્રી ટીમ અનુસાર રચિનનું નામ ભારતના દિગ્ગજ બેટ્સ્ટમૅન સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડનાં નામથી પ્રભાવિત થઈને રાખવામાં આવ્યું છે અને પોતાની કરિયરની પહેલી ટેસ્ટમાં તેઓ એવા સમયે ઝળક્યા જ્યારે ભારતની જીત નિશ્ચિત મનાતી હતી. સતત આછી થતી જતી લાઇટ અને બૉલિંગ લાઇનમાં જોવા મળતા ભારતીય બૉલરોનો સામનો કરવો આસાન નહોતો પણ રચિને એ કરી બતાવ્યું.
રચિન ભારતીય મૂળના છે. એમનાં માતા-પિતા ભારતીય છે. પણ રચિનનો જન્મ ન્યૂઝીલૅન્ડમાં થયો છે. ન્યૂઝીલૅન્ડ માટે રચિન છ ટ્વેન્ટી-20 મૅચ રમી ચૂક્યા છે.
તો, ભારત માટે 32 ટ્વેન્ટી-20 અને 22 વનડે મૅચ રમી ચૂકેલા શ્રેયસ અય્યરે ટેસ્ટ કરિયરની શરૂઆત શાનદાર અંદાજમાં કરી હતી. એમણે પહેલા દાવમાં સદી અને બીજા દાવમાં 50 રન કર્યા હતા અને ભારતને જીતની મજબૂત સ્થિતિમાં લાવી મૂક્યું હતું. આખી મૅચ દરમિયાન બધે એમની જ ચર્ચા થતી હતી પણ મૅચ ડ્રૉ થતાં રચિનને ન્યૂઝીલૅન્ડની ઇજ્જત બચાવવા બદલ ટેસ્ટ ચૅમ્પિયનનું શ્રેય મળ્યું.
છેલ્લા દિવસે શું થયું?
કાનપુર ટેસ્ટમાં પાંચમા અને છેલ્લા દિવસની મૅચ શરૂ થઈ ત્યારે ભારતને જીતવા માટે નવ વિકેટની જરૂર હતી અને ન્યૂઝીલૅન્ડને 280 રનની. ન્યૂઝીલૅન્ડના બૅટ્સમૅન ટૉમ લૅથમ અને વિલિયમ સૉમરવિલેએ પહેલા સેશનમાં બૅટિંગ જમાવી દીધી હતી અને ભારતીય બૉલરોને વિકેટ ખેરવવાની સફળતાથી દૂર રાખ્યા હતા.
લંચ સમયે ન્યૂઝીલૅન્ડના બીજા દાવનો સ્કોર હતો એક વિકેટે 79 રન. ઓપનર વિલ યંગ મૅચના ચોથા દિવસે જ આઉટ થઈ ગયા હતા.
લંચ પછીની મૅચમાં ઉમેશ યાદવે વિલિયમને આઉટ કરીને ભારતને બીજી સફળતા અપાવી. એમણે 36 રન નોંધાવ્યા હતા. એમના પછી ટૉમ લૅથમે કૅપ્ટન વિલિયમ્સ સાથેની જોડીમાં ત્રીજી વિકેટ માટે 39 રન બનાવ્યા. ટૉમ લૅથમ 52 રન કરીને આર. અશ્વિનનો શિકાર બન્યા હતા.
એમની જગ્યાએ આવેલા રૉસ ટેલર સસ્તામાં આઉટ થઈ ગયા. તેઓ માત્ર બે રન જ કરી શક્યા. ટેલરને રવીન્દ્ર જાડેજાએ આઉટ કર્યા હતા. પછીની ઓવરમાં અક્ષર પટેલે હેનરી નિકોલરને આઉટ કર્યા.
ત્યાર બાદ કૅપ્ટન વિલિયમ્સ પણ વધારે વાર પિચ પર ટકી શક્યા નહીં. તેઓ 24 રન બનાવીને જાડેજાની બૉલિંગમાં આઉટ થયા હતા. ટૉમ બ્લનડેલને આઉટ કરીને અશ્વિને ભારતને સાતમી વિકેટની ભેટ ધરી. કેલી જૅમિસન અને ટિમ સાઉદીની વિકેટો જાડેજાએ ખેરવી.
ત્યાર પછી રચિન અને એઝાઝ પિચ પર જામી ગયા. ભારત માટે બીજા દાવમાં રવીન્દ્ર જાડેજાએ ચાર, આર. અશ્વિને ત્રણ, અક્ષર પટેલ અને ઉમેશ યાદવે એક-એક વિકેટ લીધી હતી.
મૅચની સ્થિતિ
ભારતના કૅપ્ટન વિરાટ કોહલી, ઓપનર રોહિત શર્મા અને ઝડપી બૉલર જસપ્રીત બુમરાહ સહિત બીજા ઘણા દિગ્ગજ ખેલાડીઓએ આ મૅચમાં રમ્યા નહોતા. અજિંક્ય રહાણે આ મૅચમાં કૅપ્ટન હતા અને ટૉસ જીતીને એમણે પહેલાં બૅટિંગ કરવાનું પસંદ કર્યું હતું. ભારતે પહેલા દાવમાં 345 રન કર્યા હતા.
એમાં શ્રેયસ અય્યરની સદી મહત્ત્વની હતી. પહેલી ટેસ્ટ મૅચ રમતા શ્રેયસે 105 રન કર્યા હતા. રવીન્દ્ર જાડેજાએ 50 રન કર્યા હતા.
ન્યૂઝીલૅન્ડે પહેલા દાવમાં 296 રન કર્યા હતા. પહેલા દાવના આધારે ભારતે 49 રનની લીડ મેળવી હતી. બીજા દાવમાં શ્રેયસ અય્યરના 65 અને ઋદ્ધિમાન સાહાના 61 રનની મદદથી ભારતે સાત વિકેટે 234 રન કરીને દાવ ડિક્લૅર કર્યો હતો.
ભારતે કુલ 283 રનની લીડ મેળવી હતી અને જીતવા માટે ન્યૂઝીલૅન્ડ સામે 284 રનનો લક્ષ્યાંક હતો.
ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે બીજી ટૅસ્ટ મૅચ ત્રીજી ડિસેમ્બરે મુંબઈમાં રમાશે. એ મૅચમાં વિરોટ કોહલી ભારતીય ટીમની કૅપ્ટનશિપ સંભાળશે.
- કોરોના વાઇરસની દવા મળી, જે બચાવી રહી છે લોકોના જીવ
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચી શકાય?
- કોરોના વાઇરસ દૂધની થેલી અને શાકભાજી પર કેટલું જીવે છે?
- કોરોના વાઇરસનો ચેપ આખરે કયા પશુમાંથી ફેલાયો?
https://www.youtube.com/watch?v=BMePMYJWbfI&t=
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો