For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખેડૂત આંદોલન ભાજપની વિચારધારાની મજબૂરી કે સુધારાની જીદનું પરિણામ છે?

ખેડૂત આંદોલન ભાજપની વિચારધારાની મજબૂરી કે સુધારાની જીદનું પરિણામ છે?

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News
કૃષિકાયદાઓનો વિરોધ

પાછલા ઘણા દિવસોથી દેશનાં વિવિધ રાજ્યોના ખેડૂતો પાટનગર દિલ્હીની સરહદો પર નવા કૃષિકાયદાઓ પાછા ખેંચવાની માગ સાથે આંદોલન કરી રહ્યા છે. શુક્રવારે કેન્દ્ર સરકાર અને ખેડૂત સંગઠનોના નેતાઓ વચ્ચે આઠમા તબક્કાની વાતચીતનું પણ કોઈ પરિણામ આવી શક્યું નહોતું.

પાછલી વાતચીતો દરમિયાન કેન્દ્ર સરકાર કાયદાઓમાં કોઈ ફેરફાર ન કરવાના પોતાના મક્કમ નિર્ધારથી પીછેહઠ કરી આંદોલન સમેટવા માટે સંશોધનના વચ્ચેના માર્ગ સુધી આવી છે.

પરંતુ ખેડૂત સંગઠનો કાયદા પાછા ખેંચી લેવાની માગ પર અડગ છે. આ તમામ વાતમાં પ્રશ્ન એ થાય છે કે આખરે કેન્દ્ર સરકાર આટલા વ્યાપક વિરોધ છતાં આ કાયદા પાછા કેમ નથી ખેંચી રહી?

શું ખેડૂતો અને કેન્દ્ર સરકાર વચ્ચેનું આ ઘર્ષણ ભાજપની એક ભારત, શ્રેષ્ઠ ભારત, એક બજારની વિચારધારાનું પરિણામ છે કે પછી આ ઘર્ષણ ભાજપ સરકારની સુધારાની જીદની બાયપ્રોડક્ટ છે?

આ મુદ્દે વધુ સ્પષ્ટતા મેળવવા માટે બીબીસી ગુજરાતીએ કેટલાક નિષ્ણાતો સાથે વાતચીત કરી તેમનો અભિપ્રાય જાણવા પ્રયત્ન કર્યો હતો.


'આ સુધારા નથી કુધારા છે

નરેન્દ્ર મોદી

અમદાવાદની એચ. કે. આર્ટ્સ કૉલેજના અર્થશાસ્ત્રના પ્રોફેસર હેમંતકુમાર શાહ 'એક ભારત, શ્રેષ્ઠ ભારત અને એક બજાર’ની વાતને માત્ર સૂત્ર ગણાવીને તેને નવા કૃષિકાયદા લાવવા સાથે કોઈ સંબંધ ન હોવાની વાત કરે છે.

તેઓ નવા કૃષિકાયદાઓની ટીકા કરતાં કહે છે કે, “મોદી સરકાર નવા કૃષિકાયદાઓ એક બજારની વિચારધારાથી પ્રેરિત થઈને નહીં પરંતુ મૂડીવાદની વિચારધારાથી પ્રેરિત થઈને લાવ્યા છે. જેને સાદી ભાષામાં 'બદમાશ મૂડીવાદ’ પ્રેરિત કહી શકાય.”

તેઓ આ કૃષિકાયદાઓને સુધારા નહીં બલકે કુધારા ગણાવતાં કહે છે કે, “સરકાર જે રીતે છાનીછપની રીતે લૉકડાઉનમાં આ કાયદા લઈ આવી, તેના પરથી જ તેની દાનત છતી થાય છે. ખેડૂતોની આવક વધારવાના નામ પર નાના વેપારીઓ અને ખેડૂતોને મોટી કંપનીઓની રહેમ પર મૂકી દેવા માટે આ કાયદા લાવવામાં આવ્યા છે.”

તેમણે આગળ વાત કરતાં કહ્યું કે, “નવા કૃષિકાયદાઓનો હેતુ દેખીતી રીતે નાના વેપારીઓ અને ખેડૂતોની ભલાઈ માટેનો તો નથી જ લાગતો.”

જ્યારે બીજી તરફ ગુજરાતના વરિષ્ઠ પત્રકાર અજય નાયક નવા કૃષિકાયદાઓને એક ભારત, એક બજારની દિશામાં શરૂઆત તરીકે ગણાવે છે. તેઓ કહે છે કે, “હાલ ખેડૂત પોતાનાં ઉત્પાદનો વેચવા માટે એક પ્રકારે સીમિત બની ગયો છે, આ કાયદાઓની મદદથી ખેડૂતો માટે આખા ભારતની બજારો ખૂલવા જઈ રહી છે.”

તેઓ આગળ વાત કરતાં જણાવે છે કે, “ઘણાં રાજ્યોમાં ઘણી વસ્તુઓની અછત હોય છે જ્યારે તે જ સમયે અમુક રાજ્યોમાં તે જ વસ્તુઓ વિપુલ પ્રમાણમાં હોય છે. આવી સ્થિતિમાં જો દેશમાં એક સમાન કાયદો લાગુ કરાયેલો હોય તો ખેડૂતો માટે તે લાભકારી સાબિત થઈ શકે છે. ”

તેઓ કાયદા રદ કરવાની ખેડૂતોની માગને ગેરવાજબી ગણાવતાં કહે છે કે, “ટેકાના ભાવને કાયદાકીય સ્વરૂપ આપવા જેવી માગો માટે વાટાઘાટોનો માર્ગ લઈ શકાય પરંતુ કાયદા રદ કરવાની માગ એ ગેરવાજબી છે. ખેડૂતોને કાયદાની યોગ્ય માહિતી નથી. તેમજ આ કાયદાઓની જોગવાઈઓ સીમાંત ખેડૂતોને સ્પર્શતી નથી. આંદોલનકારી ખેડૂતોમાં પંજાબ અને હરિયાણાના મોટા ખેડૂતો, જેઓ ટેકાના ભાવોનો લાભ લઈ ચૂક્યા છે, તેઓ મોટા પ્રમાણમાં છે. જ્યારે દેશના બીજા ભાગોમાં ખેડૂત આંદોલનની મોટી અસર જોવા મળી રહી નથી.”

તેઓ મક્ક્મપણે કહે છે કે, “ભાજપનું એક ભારત, શ્રેષ્ઠ ભારત અને એક બજારનું સૂત્ર બાજુ પર મૂકીને પણ આ સમગ્ર પરિસ્થિતિને જોવામાં આવે તો પણ ખેડૂતોને ત્યારે જ લાભ થાય જ્યારે તેના માટે બજાર ખૂલી જાય અને પ્રતિબંધો દૂર થાય.”

ખેડૂત આંદોલન

દેશમાં કૃષિ સુધારાને સરકારની જીદ સાથે જોડવાનો ઇન્કાર કરતાં તેઓ કહે છે કે, “ભારતમાં 1991 પછી થયેલા આર્થિક સુધારાને કારણે થયેલી પ્રગતિને બધા વધાવે છે. આવી જ રીતે કૃષિક્ષેત્રે હરિયાળી ક્રાંતિ આવી પરતું તે પછી બીજી હરિયાળી ક્રાંતિ આવી જ નથી. ભૂતકાળમાં બનેલી હરિયાળી ક્રાંતિના કારણે થયેલા લાભોને આપણે બધા વધાવીએ છીએ. આ નવા સુધારા પણ હરિયાળી ક્રાંતિનો બીજો તબક્કો જ છે.”

નવા કૃષિકાયદાઓના વિરોધ અંગે તેઓ કહે છે કે, “દરેક પ્રકારના પરિવર્તનનો હંમેશાં વિરોધ થતો જ હોય છે. કારણ કે માણસને કમ્ફર્ટ ઝોન છોડવો નથી હોતો. નવા કૃષિકાયદામાં સરકારનો હઠાગ્રહ નથી દેખાતો. બંને પક્ષો એકબીજા સાથે વાટાઘાટ કરીને જ આ સમસ્યાનો ઉકેલ લાવી શકશે.”


'એક ભારત, શ્રેષ્ઠ ભારત અને એક બજારના સૂત્રને યથાર્થ કરે છે નવા કાયદા’

દિલ્હીની સરહદો પર ઘણા સમયથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે.

રાજકીય વિશ્લેષક વિષ્ણુ પંડ્યા નવા કૃષિકાયદાઓને સમગ્ર દેશના ખેડૂતો માટે ઉપકારક ગણાવે છે. તેઓ કહે છે કે, “હાલ માત્ર પંજાબ અને હરિયાણાના ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. બાકીનાં રાજ્યોમાંથી આંદોલન કરવા માટે પહોંચેલા ખેડૂતો એક કે બીજા પક્ષ દ્વારા પ્રેરિત કાર્યકર્તાઓ છે. એનો અર્થ એ થયો કે દેશના બીજા ભાગોના ખેડૂતોને આ કાયદા સામે કોઈ વાંધો નથી. તેમજ તેનો બીજો અર્થ એ થયો કે આ કાયદાઓનો વિરોધ રાજકારણથી પ્રેરિત છે.”

તેઓ આગળ કહે છે કે, “આંદોલન કરી રહેલા ભલાભોળા ખેડૂતોને ડાબેરી તત્ત્વો, સામ્યવાદી વિચારધારાના લોકો અને ખાલિસ્તાની સમર્થકો પ્રેરિત કરી રહ્યાં છે.”

તેઓ કૃષિકાયદાઓ સામે જે પ્રકારનો પ્રચાર સોશિયલ મીડિયામાં થઈ રહ્યો છે તેને અત્યંત ઘાતક ગણાવે છે.

તેઓ કહે છે કે, “નવા કાયદા એક ભારત, શ્રેષ્ઠ ભારત અને એક બજારના વિચારને આકાર આપવા માટે ભારતની સરકાર અને પ્રજાએ આ કાયદા લાવ્યા છે. જેની સામે કોઈને કોઈ વાંધો હોવો જોઈએ નહીં.”

ખેતી રાજ્યનો વિષય છે, તેવી પરિસ્થિતિમાં કેમ કેન્દ્ર સરકાર રાજ્યનો મામલો રાજ્યો પર છોડી દેવા માગતી નથી?

આ પ્રશ્ન અંગે તેઓ કહે છે કે, “જો કૃષિલક્ષી સુધારાની બોબતો અંગેના આ કાયદાઓની બાબત રાજ્યો પર છોડી દેવામાં આવે તો કેટલાંક રાજ્યો કોઈકને કોઈક રીતે તેનો ઇન્કાર કરે તેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. જો આવું થાય તો સમગ્ર દેશમાં એક કાયદો લાગુ કરવાની સરકારની ઇચ્છા પૂરી થઈ શકે નહીં. તેમજ આવી પરિસ્થિતિમાં સમગ્ર દેશમાં એકસરખા કાયદાના લાભો ખેડૂતો અને અન્ય પક્ષકારોને મળી શકે નહીં. જો એક રાજ્યમાં કાયદો લાગુ કરવામાં આવે અને બીજામાં ન કરવામાં આવે તો તેવી પરિસ્થિતિમાં વિસંવાદ સર્જાવાની શક્યતા વધી જાય છે.”


ખેડૂત આંદોલનની ફંડિંગ અંગેના સવાલો

ખેડૂત

બીજી તરફ સોશિયલ મીડિયાનાં અનેક પ્લૅટફૉર્મો પર નવા કૃષિકાયદાઓ અંગે સરકારના સમર્થનમાં અનેક લોકો સામે આવી રહ્યા છે. તેઓ પોતાની પોસ્ટ અને લખાણમાં આંદોલનકારી ખેડૂતો પર વિવિધ સવાલો ઉઠાવી રહ્યા છે.

નોંધનીય છે કે આંદોલન કરી રહેલા ખેડૂતોને મળી રહેલ ફંડિંગ, ડાબેરી પક્ષો અને ખાલિસ્તાની સમર્થકોના ટેકા સહિત અનેક આરોપો આંદોલનકારી ખેડૂતો પર લગાવાઈ રહ્યા છે. ઘણી પોસ્ટોમાં આંદોલનકારી ખેડૂતોને દેશદ્રોહી અને ખાલિસ્તાની ગણાવાઈ રહ્યા છે.

વિવિધ પ્લૅટફૉર્મો પર ચાલી રહેલી આવી ચર્ચાઓ વિશે પ્રોફેસર હેમંતકુમાર શાહ કહે છે કે, “કહેવાતા દેશભક્તો દિલ્હીની ભાગોળે આંદોલન કરનારા ખેડૂતોને દેશદ્રોહી અને ખાલિસ્તાની ચીતરવામાં કશું બાકી રાખી રહ્યા નથી. ત્યારે જરા વિચારીએ કે દેશદ્રોહી કોણ છે? ભારતમાં ખેડૂતોને બહુ સબસિડી અપાય છે, બહુ રાહતો અપાય છે, તેમનાં દેવાં માફ કરવામાં આવે છે તો તેમને મફતનું ખાવાની ટેવ પડી જાય છે વગેરે જેવી કાગારોળ કેટલાક અર્થશાસ્ત્રીઓ અને દેશની 35 ટકા વસ્તીના શહેરીજનો વારંવાર મચાવી મૂકતા હોય છે."

" 'વિશ્વ વ્યાપાર સંગઠન’ (WTO)માં ભારત સરકારના પ્રતિનિધિ તરીકે રહેલા એક નિવૃત્ત આઈએએસ અધિકારી જે. એસ. દીપક દ્વારા ફાઇનાન્સિયલ એક્સપ્રેસમાં તા. 06-01-2021ના રોજના એક લેખમાં એમ કહેવાયું છે કે અમેરિકામાં એક ખેડૂતને 62,000 ડૉલર એટલે કે રૂ. 46 લાખની સબસિડી દર વર્ષે મળે છે. બીજી તરફ, ભારતના એક ખેડૂતને 282 ડૉલર એટલે કે રૂ. 21,000ની સબસિડી મળે છે. છતાં અમેરિકા અને યુરોપની સરકારો એમ કહે છે કે ભારતમાં ખેડૂતોને આપવામાં આવતી સબસિડી ઘટાડવી જોઈએ તથા બંધ કરવી જોઈએ. અને ભારતમાં બધા રાજકીય પક્ષોની રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારો એમની વાત માને તો સરકારો જ દેશદ્રોહી કહેવાય કે નહિ?”


'ખેડૂતોની આવક બમણી કરવા માટે નવા કાયદા જરૂરી

ખેડૂત

બીબીસી હિંદીનાં સંવાદદાતા સરોજ સિંહના એક અહેવાલ અનુસાર કેન્દ્રની ભાજપ સરકારના નેતાઓ અવારનવાર નવા કૃષિકાયદાઓને ખેડૂતોની આવક બમણી કરવા માટે જરૂરી હોવાની વાત કરી ચૂક્યા છે.

અહેવાલ પ્રમાણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના વારાણસી પ્રવાસ પર ખેડૂતો માટે કહ્યું હતું કે, “મને વિશ્વાસ છે, આજે જે ખેડૂતોને કૃષિસુધારાને લઈને અમુક શંકા છે. તેઓ પણ ભવિષ્યમાં આ કૃષિસુધારોનો લાભ લઈને, પોતાની આવક વધારશે.”

આ જ છે આ નવા કાયદાઓ પાછા ન ખેંચવા પાછળ કેન્દ્ર સરકારના અહમ્નું એક કારણ.

'આઉટલુક' મૅગેઝિનનાં રાજકીય સંપાદક ભાવના વિજ અરોરા કહે છે કે, "મારી ભાજપના ઘણા નેતાઓ સાથે આ વિશે વાત થઈ છે. સરકાર એ વાતને માને છે કે આ સુધારા ઐતિહાસિક છે."

"ખેડૂતોને આવનારા દિવસોમાં એ ખબર પડશે કે આનાથી કેટલો મોટો લાભ થયો છે અને ત્યારે જ ખેડૂતો તેમનો ધન્યવાદ કરશે. દરેક રિફૉર્મ પહેલાં આવાં આંદોલનો થાય છે. પરંતુ સરકાર પણ આ વખત લાંબી લડત માટે તૈયાર છે."

ભાવના આગળ એ પણ જણાવે છે કે જે સંશોધનો અંગે સરકાર ઢીલું મૂકતી દેખાઈ રહી છે, તેના પરથી એક વાત સ્પષ્ટ છે કે સરકારે પહેલાંની સરખામણીએ પોતાનું વલણ ઘણું લવચીક બનાવ્યું છે. પરંતુ ભવિષ્યમાં ક્યાં સુધી સરકાર કાયદો પાછા ખેંચવાને લઈને અડગ રહી શકે છે, એ પણ જોવા જેવું હશે.

કેન્દ્ર સરકારે વર્ષ 2022માં ખેડૂતોની આવક બમણી કરવાનો વાયદો કર્યો છે. તેમને લાગે છે કે આ કાયદા એ વાયદો પૂરો કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.

https://youtu.be/qaJBmsFbZx4


કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર
કોરોના વાઇરસ ફર્નિચર

https://www.youtube.com/watch?v=CZRuslESZUI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Is the peasant movement the result of BJP's ideological compulsion or insistence on reform?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X