નિતિશની નાવડીમાં વધુ એક કાણું : છેદી પાસવાન ભાજપમા જોડાશે
ગાંધીનગર, 28 સપ્ટેમ્બર : નરેન્દ્ર મોદી મુદ્દે ભાજપ સાથે છેડો ફાડનાર જનતા દળ યુનાઇટેડ એટલે કે જેડીયૂ અને બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમાર માટે નરેન્દ્ર મોદી હજીય મુશ્કેલીઓનું કારણ બની રહ્યાં છે. જેડીયૂના જ નેતા જય નારાયણ પ્રસાદ નિષાદ બાદ વધુ એક જેડીયૂ નેતાએ શનિવારે અહીં નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી ભાજપમાં જોડાવાની ઇચ્છા વ્યક્ત કરી છે.

બિહારમાં નરેન્દ્ર મોદીની હુંકાર રેલી આવતા મહીને 27મી ઑક્ટોબરે છે અને તે અગાઉ જ નિતિશની નાવડીમાં એક પછી એક કાણા પડતા જાય છે. બિહારની સાસારામ લોકસભા મત વિસ્તારમાં આવતી મોહનિયા વિધાનસભા બેઠક ઉપરથી ચુંટાયેલા જેડીયૂ ધારાસભ્ય છેદી પાસવાને આજે મોદી સાથે મુલાકાત કરી હતી. અગાઉ બિહારમાંથી કોંગ્રેસ નેતા સાધુ યાદવ તથા જેડીયૂ નેતા જય નારાયણ પ્રસાદ નિષાદ મોદીને મળી ચુક્યાં છે અને હવે છેદી પાસવાનની મોદી સાથેની મુલાકાત નિતિશ કુમાર માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.
મોટા ગજાના નેતા
છેદી પાસવાન બિહારના મોટા ગજાના નેતા ગણાય છે. તેઓ લોકસભા ચૂંટણીઓમાં મીરા કુમારને બે વખત પરાસ્ત કરી ચુક્યાં છે કે જેઓ હાલમાં લોકસભાના સ્પીકર છે. છેદી પાસવાન ચોથી વખત ધારાસભ્ય ચુંટાયાં છે. તેઓ બિહારમાં મંત્રી તરીકે પણ કામ કરી ચુક્યાં છે. છેદી પાસવાને આજે સીએમ ઑફિસમાં ફોન કરી મોદીને મળવાની ઇચ્છા વ્યક્ત કરી. મોદીની લીલી ઝંડી મળતાં જ છેદી પાસવાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરવા પહોંચી ગયાં.












Click it and Unblock the Notifications
