
હિજાબ વિવાદ પર આજે ચુકાદા પહેલા દક્ષિણ કન્નડ પ્રશાસને લીધો બધી સ્કૂલ-કૉલેજોમાં રજાનો નિર્ણય
બેંગલુરુઃ હિજાબ વિવાદ પર 15 માર્ચ, મંગળવારે એટલે કે આજે કર્ણાટક હાઈકોર્ટના નિર્ણય પહેલા દક્ષિણ કર્ણાટક પ્રશાસને કર્ણાટકમાં તમામ શાળાઓ, કોલેજો બંધ રાખવાનો નિર્ણય લીધો છે. દક્ષિણ કર્ણાટકના ડીસીએ આજે તમામ શાળાઓ અને કોલેજોમાં રજાનો આદેશ આપ્યો છે. દક્ષિણ કર્ણાટકના ડીસી રાજેન્દ્ર કેવીએ જણાવ્યુ હતુ કે એક્સ્ટર્નલ પરીક્ષાઓ મંગળવારે શિડ્યૂલ મુજબ લેવામાં આવશે પરંતુ આંતરિક પરીક્ષાઓ મુલતવી રાખવામાં આવશે.
આ સાથે બેંગલુરુમાં એક અઠવાડિયા માટે જાહેર સ્થળોએ તમામ પ્રકારના મેળાવડા, આંદોલન, વિરોધ પ્રદર્શન અથવા ઉજવણી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બેંગલોરના પોલીસ કમિશનર કમલ પંતે આ માહિતી આપી. તમને જણાવી દઈએ કે કર્ણાટકમાં હિજાબ વિવાદ પર આજે કર્ણાટક હાઈકોર્ટ પોતાનો ચુકાદો આપશે. કોર્ટે પોતાના વચગાળાના આદેશમાં કહ્યુ હતુ કે મામલાના ઉકેલ સુધી શાળાઓ અને કોલેજો દ્વારા નિર્ધારિત યુનિફોર્મનુ પાલન કરવામાં આવે.
મુખ્ય ન્યાયાધીશ રિતુ રાજ અવસ્થીએ ક્લાસમાં હિજાબ પહેરવાની પરવાનગી માંગનાર અરજદારોના વકીલ મોહમ્મદ તાહિરને કહ્યું, 'અમે સ્પષ્ટતા કરવા માંગીએ છીએ કે તે ડિગ્રી કોલેજ હોય કે પીયુ કોલેજ, જો યુનિફોર્મ નક્કી કરવામાં આવ્યો હોય તો કોર્ટ સમક્ષ કેસ પેન્ડીંગ હોય ત્યાં સુધી તેનુ પાલન કરવાનું રહેશે.' જ્યારે ઉડુપીના અરજદારો માટે હાજર રહેલા વકીલે જણાવ્યુ કે શિક્ષકોને પણ તેમના હિજાબને દૂર કરવા માટે કહેવામાં આવ્યુ હતુ, ત્યારે કોર્ટે સ્પષ્ટ કર્યું કે હિજાબને લગતો વચગાળાનો આદેશ માત્ર વિદ્યાર્થીઓ પૂરતો મર્યાદિત હતો.
શું હતો આખો મામલો
હિજાબને લઈને વિવાદ ત્યારે થયો જ્યારે કર્ણાટકના ઉડુપી જિલ્લાની સરકારી પીયુ ગર્લ્સ કોલેજની કેટલીક વિદ્યાર્થિનીઓને હિજાબ પહેરીને સ્કૂલમાં પ્રવેશ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો. આ પછી આ વિદ્યાર્થીનીઓએ કોલેજ પ્રશાસન વિરુદ્ધ પ્રદર્શન કર્યું. વિદ્યાર્થિનીઓએ કહ્યુ કે શાળા પ્રશાસને હિજાબ પહેરવા બદલ તેમને પ્રવેશ આપવાનો ઇનકાર કર્યો હતો. આ પછી વિજયપુરાના શાંતેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટ ખાતે વિવિધ કોલેજના વિદ્યાર્થીઓ કેસરી ખેસ પહેરીને પહોંચ્યા હતા. મામલો તૂલ પકડતો જોઈને પ્રિ-યુનિવર્સિટી એજ્યુકેશન બોર્ડે એક પરિપત્ર બહાર પાડ્યો હતો જેમાં જણાવ્યુ હતુ કે વિદ્યાર્થીઓ ફક્ત શાળા વહીવટીતંત્ર દ્વારા માન્ય ડ્રેસ પહેરીને જ શાળાએ આવી શકે છે અને કોલેજોમાં અન્ય કોઈ ધાર્મિક પ્રથાઓને મંજૂરી આપવામાં આવશે નહિ.