
કાશ્મીર: કુલગામમાં આતંકીઓ સાથે મુઠભેડ, એક જવાન અને નાગરિક ઘાયલ
કાશ્મીર ઘાટીમાં આતંકીઓ વિરુદ્ધ સેનાનું ઓપરેશન ચાલી રહ્યું છે. જે અંતર્ગત શુક્રવારે કુલગામ જિલ્લાના રેડવાની વિસ્તારમાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં એક જવાન અને એક નાગરિક ઘાયલ થયા હતા, જેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ વિસ્તારમાં બેથી ત્રણ આતંકીઓ છુપાયા હોવાની પણ આશંકા છે.
મળતી માહિતી મુજબ શુક્રવારે કુલગામના રેડવાની વિસ્તારમાં કેટલાક આતંકવાદીઓ છુપાયા હોવાના સમાચાર હતા. જેના પર જમ્મુ-કાશ્મીર પોલીસ, CRPF અને સેનાની રાષ્ટ્રીય રાઈફલ્સે સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું. જવાનોને નજીક આવતા જોઈને આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કર્યો હતો, જેનો સુરક્ષાદળોએ જડબાતોડ જવાબ આપ્યો હતો. આ ઘટનામાં એક જવાન ઘાયલ થયો છે. જેમને હોસ્પિટલ લઇ જવાયા હતા. તે જ સમયે, એન્કાઉન્ટર દરમિયાન એક નાગરિક પણ માર્યો ગયો હતો. આ વિસ્તારમાં હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે.
આતંકવાદી ઘટનાઓમાં ઘટાડો
બીજી તરફ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ થયાને ત્રણ વર્ષ પૂર્ણ થયા છે. જમ્મુ-કાશ્મીર પોલીસનો દાવો છે કે હવે ત્યાં આતંકવાદી ઘટનાઓ ઘટી છે. પોલીસના જણાવ્યા અનુસાર, 5 ઓગસ્ટ, 2016 અને 4 ઓગસ્ટ, 2019 વચ્ચે કાયદો અને વ્યવસ્થાની 3,686 ઘટનાઓ બની હતી, પરંતુ છેલ્લા ત્રણ વર્ષમાં માત્ર 438 જ છે. આ સિવાય 2019 પહેલાના ત્રણ વર્ષમાં કાયદો અને વ્યવસ્થાની ઘટનામાં 124 નાગરિકોના મોત થયા હતા, જ્યારે કલમ 370 પછી આ આંકડો શૂન્ય છે. એ જ રીતે પહેલા ત્રણ વર્ષમાં 6 જવાન શહીદ થયા હતા, પરંતુ 2019 પછી કાયદો અને વ્યવસ્થાના કારણે એક પણ જવાન શહીદ થયો નથી.