For Daily Alerts
જાધવ સાથેની મુલાકાતમાં થયું હતું આ 8 વાતોનું ઉલ્લંઘન
પાકિસ્તાનની જેલમાં બંદ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવ સાથેની મુલાકાત પહેલાં તેમના પરિવાર સાથે થયેલ ગેરવર્તણુકના મુદ્દે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે રાજ્યસભામાં પાડોશી દેશની ખૂબ આલોચના કરી હતી. બુધવારે કુલભૂષણ જાધવના માતા અને પત્ની તેમને મળવા ઇસ્લામાબાદ પહોંચ્યા હતા, આ મુલાકાત દરમિયાન પાકિસ્તાન દ્વારા અનેક પ્રકારના પ્રતિબંધો મામલે સંસદમાં ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુ સહિત વિભિન્ન રાજકીય દળોના નેતાઓએ પાકિસ્તાનની નિંદા કરી હતી. વિદેશ મંત્રીએ સંસદમાં એ 8 વાતો ગણાવી હતી, જેનું જાધવ સાથેની મુલાકાતમાં ઉલ્લંઘન થયું હતું.

મીડિયાને પ્રવેશ નહોતો
- વિદેશ મંત્રીએ જણાવ્યું હતું કે, અમારી વચ્ચે સ્પષ્ટ સમાધાન થયું હતું કે, મીડિયાને અહીં પ્રવેશ નહીં મળે, પરંતુ આનું ઉલ્લંઘન થયું.
- પાકિસ્તાનના અધિકારીઓએ સુરક્ષાના નામે કુલભૂષણના માતા અને પત્નીના કપડાં સુદ્ધાં બદલાવવાની ફરજ પાડી હતી. તેમણે તેમને સલવાર-કુર્તા પહેરવાની ફરજ પાડી હતી, જ્યારે કે કુલભૂષણના માતા હંમેશા સાડી જ પહેરે છે.

મરાઠીમાં વાત કરવા દેવામાં ન આવી
- પાકિસ્તાનના અધિકારીઓએ કુલભૂષણના માતા-પત્નીને બંગડીઓ, ચાંદલા અને મંગલસૂત્ર પણ કાઢવાની ફરજ પાડવામાં આવી હતી. આ ખૂબ શરમજનક પગલું હતું. કુલભૂષણે જ્યારે પોતાના માતાને મંગળસૂત્ર વિના જોયા ત્યારે તેમણે ચિંતા સાથે પોતાના પિતાના સમાચાર પૂછ્યા હતા.
- આ ઉપરાંત કુલભૂષણને પોતાના માતા સાથે મરાઠીમાં વાત કરવાની પરવાનગી આપવામાં નહોતી આવી. કેબિનમાં હાજર પાકિસ્તાની અધિકારી તેમને સતત હિંદીમાં વાત કરવાની સલાહ આપી રહ્યા હતા. જ્યારે તેઓ મરાઠીમાં બોલી રહ્યા હતા, ત્યારે ઇન્ટરકોમ બંધ કરી દેવામાં આવ્યુ હતું, જેથી તેઓ મરાઠીમાં વાત ચાલુ ન રાખે.

ભારતીય હાઇકમિશ્નરની ગેરહાજરીમાં મુલાકાત
- પકિસ્તાની અધિકારીએ ભારતના હાઇ કમિશ્નરને જણાવ્યા વિના કુલભૂષણના માતા અને પત્નીને પાછળના દરવાજેથી લઇ ગયા હતા અને તેમના કપડા બદલાવડાવ્યા હતા.
- કુલભૂષણની તેમના માતા અને પત્ની સાથેની મુલાકાત પરણ ભારતીય હાઇ કમિશ્નરની ગેરહાજરીમાં શરૂ કરવામાં આવી હતી. જ્યારે કે આ મુલાકાત દરમિયાન ભારતીય હાઇ કમિશ્નર હાજર રહેશે એ પહેલેથી નક્કી કરવામાં આવ્યું હતું.

ચંપલ પણ કઢાવી લેવામાં આવ્યા હતા
- પાકિસ્તાની અધિકારીઓએ મુલાકાત બાદ પરત ફરતી વખતે ગાડી રોકી રાખી હતી, જેથી મીડિયા કુલભૂષણના માતા અને પત્નીને ખોટા સવાલો પૂછી શકે.
- કુલભૂષણ સાથેની મુલાકાત પહેલાં તેમના પત્ની અને માતાના જોડા અને ચંપલ પણ કઢાવી લેવામાં આવ્યા હતા અને મુલાકાત બાદ વારંવાર પાછા માંગવા છતાં તેમના જોડા પરત કરવામાં નહોતા આવ્યા. એ પછી પાકિસ્તાન તરફથી કહેવામાં આવ્યું હતું કે, તેમના જોડામાં ચિપ અને કેમેરા હતા.