For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મજૂર દિવસ: ભારતીય અર્થતંત્રમાં મહિલા ભાગીદારી કેમ ઘટી રહી છે?

મજૂર દિવસ: ભારતીય અર્થતંત્રમાં મહિલા ભાગીદારી કેમ ઘટી રહી છે?

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News

ભારતમાં મહિલાઓ નોકરીની તલાશમાં નથી. પાછલાં કેટલાંક વર્ષોથી વિપરીત, સક્રિયપણે નોકરી શોધતી મહિલાઓની સંખ્યામાં ઘટાડો થયો છે. અને તે એક મોટી ચિંતા છે.

રોજગાર મેળવતાં મહિલાઓની સંખ્યામાં કેટલો ઘટાડો થયો?

2017 અને 2022ની વચ્ચે, લગભગ 2.1 કરોડ મહિલાઓ કાયમી ધોરણે વર્કફોર્સમાંથી બહાર નીકળી ગયાં હતાં. તેનો અર્થ એ થયો કે તેઓ કાં તો બેરોજગાર છે અથવા તો નોકરીની શોધમાં જ નથી.

અને, તેનાથી મહિલાની એકંદરે મહિલા શ્રમભાગીદારીમાં મોટો ઘટાડો થયો છે. આ ઘટાડો 2017માં 46 ટકાથી 2022માં 40 ટકા થયો છે. તાજેતરનો સીએમઆઈઈ રિપોર્ટ સૂચવે છે કે છેલ્લાં પાંચ વર્ષમાં દેશના શ્રમભાગીદારીના દરમાં છ ટકાનો મોટો ઘટાડો થયો છે.

જોકે આ આંકડાઓ જોઈને નવાઈ પામવા જેવું નથી. ડેટા સૂચવે છે તેમ શ્રમમાં મહિલાઓની ભાગીદારીનું વલણ વર્ષોથી ચિંતાજનક બનતું જઈ રહ્યું છે.

વર્ષ 2004-05માં યુવાન (15થી 29 વર્ષ) ગ્રામીણ મહિલાઓનો શ્રમભાગીદારીનો દર (એલએફપીઆર) 42.8 ટકા હતો. તે સમયથી તેમાં ઘટાડો થઈ રહ્યો છે અને 2018-19 સુધીમાં તે ઘટીને 15.8 ટકા થઈ ગયો છે.


વેતન વગર અને બેરોજગાર

શ્રમ દિવસ- ગ્રાફિક્સ

શું તમે જાણો છો કે ભારતમાં મહિલાઓ વેતન મેળવ્યા વગર ઘરેલુ કામ કરવામાં કેટલા કલાક પસાર કરે છે?

ભારતમાં મહિલાઓ પરિવાર માટે ઘરેલુ સેવાઓમાં દરરોજ લગભગ ચાર કલાક વિતાવે છે. તેમાં બાળકો અને વૃદ્ધ સભ્યોની સંભાળ લેવી તેમજ રસોઈ અને સફાઈનો સમાવેશ થાય છે. તેમના કામના કલાકોનો મહત્તમ હિસ્સો બાળકોની સંભાળ લેવામાં જાય છે.

સ્ટેટિસ્ટિક્સ મંત્રાલયના 2019ના અહેવાલ મુજબ તેની સામે પુરુષો વેતન વગરની પ્રવૃત્તિઓ કરવામાં માત્ર 25 મિનિટનો સમય વિતાવે છે. પુરુષો તેમના દિવસનો મોટા ભાગનો સમય રોજગાર અને સંબંધિત પ્રવૃત્તિઓમાં વિતાવે છે.

મહિલાઓનું કામ માટે બહાર ન નીકળવાનું એક પ્રાથમિક કારણ ઘરમાં સતત વ્યસ્તતા છે. મહામારીએ કામમાં ફરીથી જોડાવાની સંભાવનાઓ ઉપર પૂર્ણવિરામ મૂકી દીધું એમ પણ બની શકે.

ભારતમાં મહિલાઓ પરિવાર માટે ઘરેલુ સેવાઓમાં દરરોજ લગભગ ચાર કલાક વિતાવે છે

પિરિયોડિક લેબર ફોર્સ સર્વે (પીએલએફએસ) અનુસાર, 2018-19માં યુવા શહેરી મહિલાઓમાં બેરોજગારીનો દર 25.7 ટકા હતો. તેની સરખામણીએ સમાન વયજૂથના પુરુષોમાં બેરોજગારીનો દર 18.7 ટકા હતો.

સીએમઆઈઈના તાજેતરના આંકડા વધુ ચિંતાજનક છે. જાન્યુઆરી-એપ્રિલ 2016માં લગભગ 2.8 કરોડ મહિલાઓ બેરોજગાર હતી અને કામ કરવા ઇચ્છુક હતી. ડિસેમ્બર 2021 સુધીમાં આ સંખ્યા ઘટીને માત્ર 80 લાખ થઈ ગઈ હતી.

ગ્રામીણ વિસ્તારોમાં પુરુષોની સરખામણીમાં ઓછી મહિલાઓ બેરોજગાર છે. પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં મહિલા અને પુરુષ બંને માટે બેરોજગારીનો દર વધી રહ્યો છે. શહેરી વિસ્તારોમાં મહિલા કામદારોમાં બેરોજગારીના દરમાં વધારો વધુ સાતત્યપૂર્ણ રહ્યો છે.


પરિવહન

કોવિડ -19 દરમિયાન ઘણા ફ્રન્ટલાઇન કાર્યકરો પૈકીના એક તેલંગણાનાં આંગણવાડી કાર્યકર બલમ્મા કહ્યું હતું, "મારે પતિ કે પિતા નથી કે જે મને લઈ અને મૂકી જાય. કોઈ વાહન કે બસ મળે તો અમે તેમાં જઈએ. જો ન મળે તો અમારે કામ પર જવું કેવી રીતે?"

અઝીમ પ્રેમજી યુનિવર્સિટીના બિહાર અને તેલંગણા પરના એક અભ્યાસપત્ર મુજબ, મોટા ભાગનાં પરિણીત આંગણવાડી અને આશાવર્કર્સ તેમના કામ અર્થે પરિવહન માટે તેમના પતિ અથવા સાસરિયા પર આધાર રાખે છે.

અડધી શહેરી મહિલાઓ નિયમિત સવેતન અથવા પગારદાર કામદાર છે અને પરિવહન તેના આડેના અવરોધો પૈકીનો એક છે. સામાજિક સુરક્ષાના લાભ અને પગાર તફાવત તેમાં ઉદ્દીપકનું કામ કરે છે.


અપરાધ અને મહિલા

શું મહિલાઓ સામેના ગુનાઓ મહિલાઓને તેમના ઘરની બહાર નીકળીને કામ પર જતાં અટકાવે છે?

શું મહિલાઓ સામેના ગુનાઓ મહિલાઓને તેમના ઘરની બહાર નીકળીને કામ પર જતાં અટકાવે છે?

ઇનિશિએટિવ ફૉર વ્હૉટ વર્ક્સ ટુ ઍડ્વાન્સ વુમન ઍન્ડ ગર્લ્સ ઇન ધ ઇકૉનૉમી (IWWAGE) દ્વારા હાથ ધરવામાં આવેલા એક અભ્યાસમાં એવી દલીલ કરવામાં આવી છે કે શ્રમમાં મહિલાઓની ભાગીદારી ઓછી હોય તેવાં રાજ્યોમાં મહિલાઓ અને છોકરીઓ સામેના ગુનાઓ વધુ નોંધાયા હતા.

વર્ષ 2011 અને 2017ના નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યૂરો- એનસીઆરબીનાં રાજ્યોના અપરાધના ડેટાનું વિશ્લેષણ કરતાં, બિહાર અને દિલ્હી જેવાં રાજ્યોમાં મહિલાઓ સામેના ગુનાઓમાં નજીવો વધારો જોવા મળ્યો હતો અને તે જ સમયે તેની મહિલા શ્રમની ભાગીદારીમાં ઘટાડો થયો હતો.

જોકે કોઈ નક્કર પુરાવા નથી અને આ સંશોધન માત્ર ગુના અને શ્રમ બળ વચ્ચે નકારાત્મક સંબંધ દર્શાવે છે, મહિલા સામેના ગુના એ મહિલાઓને તેમના ઘરની બહાર નીકળીને કામ પર જતા અટકાવતા ઘણા અવરોધો પૈકીનો એક છે.


ગ્રામીણ-શહેરી વિભાજન

મહિલા

2021માં શહેરી ભારતમાં સરેરાશ મહિલા રોજગાર 2020માં 6.9 ટકા નીચો હોવાનું જણાયું હતું.

જો મહામારી પહેલાંના વર્ષ સાથે સરખામણી કરવામાં આવે તો તે વધુ ખરાબ હતું. 2019માં, 2021ની સરખામણીમાં 22.1 ટકા વધુ મહિલાઓ નોકરી કરતાં હતાં.

આ વલણ ગ્રામીણ મહિલાઓ સાથે મેળ ખાતું નથી. હકીકતમાં 2021માં ગ્રામીણ મહિલાઓની રોજગારી 2019 કરતાં માત્ર 0.1 ટકા ઓછી હતી. આ આંકડા સૂચવે છે કે શહેરી મહિલાઓને મહામારી પછી ફરીથી વર્કફોર્સમાં જોડાવામાં સૌથી વધુ અસર થઈ છે.

2019માં દર મહિને 90.5 લાખ મહિલાઓએ સક્રિયપણે નોકરીની શોધ કરી હતી. 2020માં આ સંખ્યા ઘટીને 80.32 લાખ અને 2021માં માત્ર 60.52 લાખ થઈ હતી.

પુરુષો માટે પૅટર્ન અલગ છે. 2019ની સરખામણીમાં 2021માં સક્રિયપણે નોકરી શોધી રહેલા પુરુષ કામદારોની સંખ્યામાં વાસ્તવમાં વધારો થયો છે.

ડેટા સૂચવે છે કે મહામારી પછી ઓછી મહિલાઓની રોજગારી રહી હોવાની સાથે તેમનું નોકરી શોધવાનું પ્રમાણ પણ ઘટ્યું છે.


https://www.youtube.com/watch?v=dC_kg22iDtk

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Labor Day: Why is women's participation in the Indian economy declining?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X