લખીમપુર ખીરીઃ 2 દલિત બહેનોની લાશ ઝાડ પર લટકતી મળી, બળાત્કાર બાદ કરી હત્યા, ગામ લોકોએ કર્યો વિરોધ
ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં અનુસૂચિત જાતિ સમુદાયની બે સગીર બહેનોના મૃતદેહ ઝાડ પર લટકેલા મળી આવ્યા હતા.
લખીમપુર ખીરીઃ ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીના નિઘાસન પોલીસ સ્ટેશન વિસ્તારના લાલપુર માજરા તમોલી પુરવા ગામમાં અનુસૂચિત જાતિ સમુદાયની બે સગીર બહેનોના મૃતદેહ ઝાડ પર લટકેલા મળી આવ્યા હતા. આ ઘટના બુધવારે સાંજે બની હતી. જેના પછી પરિવારના સભ્યો અને ગ્રામજનોએ વિરોધ કર્યો. સ્થાનિક ગ્રામજનો અને યુવતીઓના પરિવારજનોએ વિરોધ માર્ચ કાઢીને પીડિતોને ન્યાયની માંગણી સાથે રસ્તો રોકી ચક્કાજામ કરી દીધુ હતુ. મૃતકના પરિવારે ત્રણ લોકો પર બળાત્કાર અને હત્યાનો આરોપ લગાવ્યો છે અને ગામથી થોડા કિલોમીટર દૂર નિઘાસન ચોકડી પર વિરોધ પ્રદર્શન કર્યુ હતુ.

પોલીસે શું કહ્યુ?
લખીમપુર ખીરીના પોલીસ અધિક્ષક(SP) સંજીવ સુમન, પોલીસ દળ સાથે વિરોધ સ્થળ પર પહોંચ્યા અને ગ્રામજનોને ખાતરી આપી કે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. બીજી તરફ લખનઉ રેન્જના પોલીસ મહાનિરીક્ષક(IG) લક્ષ્મી સિંહે ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતા જણાવ્યુ કે, 'લખીમપુર ખrરીમાં એક ગામની બહાર ખેતરમાં એક ઝાડ પર બે છોકરીઓના મૃતદેહ લટકેલા મળી આવ્યા હતા. શરીર પર કોઈ ઈજાના નિશાન મળ્યા નથી.'
મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે મોકલવામાં આવ્યા
મૃતદેહોને પોસ્ટમ\ર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે અને રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. આઈજીએ વધુમાં જણાવ્યુ હતુ કે, 'અન્ય બાબતો પોસ્ટમોર્ટમ બાદ જાણવા મળશે. અમે તપાસને ઝડપી બનાવવાનો પ્રયાસ કરીશું.'
માએ કહ્યુ - દીકરીઓને ઉઠાવીને લઈ ગયા 3 બાઈક સવાર
બે દલિત બહેનોની ઉંમર 15 અને 17 વર્ષ જણાવવામાં આવી રહી છે. છોકરીઓની માતાએ મીડિયાને જણાવ્યુ કે તેમને શંકા છે કે તેમની દીકરીઓની હત્યા કરવામાં આવી છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે પડોશી ગામના બાઈક પર સવાર ત્રણ યુવકોએ એક ઝૂંપડી નજીકથી બંને દીકરીઓનુ ત્યારે અપહરણ કર્યુ હતુ જ્યારે બંને બહેનો ઘાસચારો લણતી હતી. માતાએ કહ્યુ, 'હું ઝૂંપડીમાં નહાતી હતી ત્યારે બાજુના ગામના ત્રણ યુવકો આવ્યા, એક પીળા ટી-શર્ટમાં, બીજો સફેદ ટી-શર્ટમાં અને ત્રીજો વાદળી ટી-શર્ટમાં અને મારી દીકરીઓને લઈ ગયા.'
પ્રિયંકા ગાંધીએ સાધ્યુ નિશાન
આ ઘટના બાદ કોંગ્રેસે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠાવ્યા છે. આ ઘટના પર દુઃખ વ્યક્ત કરતા કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ રાજ્ય સરકાર પર નિશાન સાધતા કહ્યુ કે, 'લખીમપુર(યુપી)માં બે બહેનોની હત્યાની ઘટના હૃદયદ્રાવક છે. પરિવારજનોનુ કહેવું છે કે એ બાળકીઓનુ ધોળે દિવસે અપહરણ કરવામાં આવ્યુ હતુ. દરરોજ અખબારો અને ટીવીમાં આવતી ખોટી જાહેરાતોથી કાયદો અને વ્યવસ્થા સુધરતી નથી. યુપીમાં મહિલાઓ સામેના ઘૃણાસ્પદ ગુનાઓ કેમ વધી રહ્યા છે?'












Click it and Unblock the Notifications
