લેફ્ટનન્ટ જનરલ મનોજ પાંડે નવા આર્મી ચીફ બનનાર પ્રથમ એન્જિનિયર બનશે!
નવી દિલ્હી, 18 એપ્રિલ : લેફ્ટનન્ટ જનરલ મનોજ પાંડેને ભારતીય સેનાના નવા આર્મી ચીફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મનોજ પાંડે હવે વર્તમાન આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણેનું સ્થાન લેશે. આ સાથે મનોજ પાંડે આર્મી ચીફ તરીકે નિયુક્ત થનાર પ્રથમ એન્જિનિયર પણ બની ગયા છે. વાસ્તવમાં વર્તમાન આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણે એપ્રિલ 2022ના અંત સુધીમાં નિવૃત્ત થવા જઈ રહ્યા છે. આ સ્થિતિમાં હવે તેમની જવાબદારી લેફ્ટનન્ટ જનરલ મનોજ પાંડે સંભાળશે.
આ સાથે લેફ્ટનન્ટ જનરલ મનોજ પાંડે પહેલા એન્જિનિયર હશે, જે ભારતીય સેનાને કમાન્ડ કરશે. હાલમાં જનરલ મનોજ પાંડે ડેપ્યુટી આર્મી ચીફ છે. જાન્યુઆરી 2022 માં તેમને આર્મી સ્ટાફના વાઇસ ચીફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. અગાઉ મનોજ પાંડે ઈસ્ટર્ન કમાન્ડના કમાન્ડિંગ ઓફિસર રહી ચૂક્યા છે અને આંદામાન-નિકોબાર કમાન્ડના કમાન્ડર-ઈન-ચીફની જવાબદારી પણ નિભાવી ચૂક્યા છે. મળતી માહિતી મુજબ, નાગપુરના રહેવાસી લેફ્ટનન્ટ જનરલ મનોજ પાંડે નેશનલ ડિફેન્સ એકેડમી (NDA)ના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. તેમને ડિસેમ્બર 1982માં કોર્પ્સ ઓફ એન્જિનિયર્સમાં સામેલ કરવામાં આવ્યા હતા.
Lt Gen Manoj Pande becomes first engineer to be appointed as Army Chief pic.twitter.com/lHh5vWBW2G
— ANI (@ANI) April 18, 2022
અહીં જનરલ મનોજ મુકુંદ નરવણે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS)ના પદ માટે સૌથી આગળ દેખાઈ રહ્યા છે. જણાવી દઈએ કે ગત વર્ષે 8 ડિસેમ્બરે તમિલનાડુમાં ખરાબ હવામાનને કારણે વાયુસેનાનું Mi-17 હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ હેલિકોપ્ટરમાં સીડીએસ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવત સહિત કુલ 14 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ અકસ્માત કુન્નુરના જંગલમાં થયો હતો. આવી સ્થિતિમાં દેશના પહેલા CDS જનરલ બિપિન રાવતના નિધનથી આ પદ ખાલી છે. સરકાર આગામી સીડીએસના નામ પર સતત મંથન કરી રહી છે.