Lok Sabha Election 2024: આજે થઇ શકે છે કોંગ્રેસની ત્રીજી યાદી, 11 રાજ્યોમાં ફાયનલ થયા 80 ઉમેદવારના નામ
Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણીની જાહેરત બાદ તમામ રાજકીય પાર્ટીઓએ કમર કસી છે. આ વચ્ચે કોંગ્રેસ આજે પોતાના ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરે તેવી શક્યતા છે. કોંગ્રેસ ઉમેદવારોની આ યાદીના નામ પર કેન્દ્રીય ચૂંટણી સમિતિ દ્વારા ચર્ચા પૂર્ણ કરી લેવામાં આવી છે. સુત્રોએ આપેલી જાણકારી અનુસાર કોંગ્રેસ પાર્ટીએ 11 રાજ્યોના અંદાજે 80 બેઠકો માટે ઉમેદવારોના નામ નક્કી કરી લીધા છે.
હાલમાં જે રાજ્યો માટે કોંગ્રેસ પાર્ટીએ તેના ઉમેદવારોના નામ ફાઇનલ કર્યા છે, તેમાં ગઠબંધનની સીટો સામેલ નથી. ચૂંટણી સમિતિની આ બેઠકમાં યુપી, દિલ્હી, બિહાર, મહારાષ્ટ્ર અને ઝારખંડ જેવા રાજ્યોની બેઠકો પર ચર્ચા થઈ નથી. આ રાજ્યોમાં કોંગ્રેસ ગઠબંધન કરીને ચૂંટણી મેદાનમાં ઉતરી રહી છે.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં ત્રીજી યાદી માટે 11 રાજ્યોની લગભગ 80 બેઠકો પર ચર્ચા કરવામાં આવી હતી. કેન્દ્રીય ચૂંટણી સમિતિએ અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, બંગાળ, આંદામાન-નિકોબાર, કર્ણાટક, પોંડિચેરી, ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ચંદીગઢની એક બેઠક માટેના ઉમેદવારોની ચર્ચા કરી છે, જેના આધારે ઉમેદવારોના નામ નક્કી કરવામાં આવ્યા છે.
કોંગ્રેસ પાર્ટીની ચૂંટણી સમિતિએ ચંદીગઢ બેઠક માટે ત્રણ ઉમેદવારોના નામ નક્કી કર્યા, જેના પર હવે અંતિમ નિર્ણય કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ લેવાનો છે. આવા સમયે, યુપીની બેઠકો આ બેઠકના એજન્ડામાં નહોતી, તેથી અમેઠી અને રાયબરેલીની બેઠકો પર હજુ પણ સસ્પેન્સ છે.
અત્રે નોંધનીય બાબત છે કે, લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ દ્વારા અત્યાર સુધીમાં બે યાદીઓ જોડીને પોતાના 82 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે.
પ્રથમ તબક્કાનું મતદાન ક્યારે થશે? - લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 બેઠકો પર મતદાન થશે. 18મી લોકસભાની ચૂંટણી 19 એપ્રિલથી શરૂ થશે અને 26 એપ્રિલ, 7 મે, 13 મે, 20 મે, 25 મે અને 1 જૂનના રોજ સાત અલગ-અલગ તબક્કામાં મતદાન થશે. જ્યારે 4 જૂનના રોજ મતગણતરી થશે.












Click it and Unblock the Notifications
