CBI રેડને લઈને મનીષ સિસોદિયાનો મોટો આરોપ, કહ્યું-ખોટી રીતે ચાર્જસીટમાં નામ જોડવા કોમ્યુટર લઈ ગયા
મનીષ સિસોદિયાએ એક લેખિત નિવેદન જારી કરીને જણાવ્યુ છે કે, CBI જાણી જોઈને બીજા શનિવારે એટલે કે રજાના દિવસે તેમની ઓફિસે પહોંચી હતી.
નવી દિલ્હી : દિલ્હીના કથિત એક્સાઈઝ કૌભાંડમાં આમ આદમી પાર્ટી સતત સીબીઆઈ પર આરોપો લગાવી રહી છે. હાલમાં જ મનીષ સિસોદિયાએ આરોપ લગાવ્યો હતો કે તેમની ઓફીસ પર સીબીઆઈ રેડ થઈ છે ત્યારે હવે તેમને વધુ ખુલાસા કરીને મોટા આરોપ લગાવ્યા છે. હવે મનીષ સિસોદિયાએ જણાવ્યુ કે, સીબીઆઈના લોકો મારી ઓફીસેથી કોમ્યુટર લઈ ગયા છે.

મનીષ સિસોદિયાએ એક લેખિત નિવેદન જારી કરીને જણાવ્યુ છે કે, CBI જાણી જોઈને બીજા શનિવારે એટલે કે રજાના દિવસે તેમની ઓફિસે પહોંચી હતી. અહીં મનીષ સિસોદિયાએ મોટો આરોપ લગાવતા જણાવ્યુ કે, ચાર્જશીટમાં ખોટી રીતે નામ ઉમેરવા માટે કોમ્પ્યુટરને લઈ ગયા છે. જેથી દસ્તાવેજને સીપીયુમાં મેન્યુઅલી અપલોડ કરી શકાય.
મનીષ સિસોદિયાએ કહ્યું કે, ગઈકાલે મહિનાનો બીજો શનિવાર હતો. તેથી મારી ઓફિસ બંધ હતી. આ દરમિયાન સીબીઆઈના કેટલાક અધિકારીઓએ મારા અંગત સચિવને ઓફિસ ખોલવા માટે ટેલિફોન પર કહ્યું. સીબીઆઈની ટીમ પહેલેથી જ ઓફિસમાં હાજર હતી. સીબીઆઈના અધિકારીઓએ અંગત સચિવને ઓફિસ ખોલીને કોન્ફરન્સ રૂમમાં લઈ જવા કહ્યું. તેઓ કોન્ફરન્સ રૂમમાં પહોંચ્યા કે તરત જ તેઓએ ત્યાં એક કોમ્પ્યુટર લગાવેલું જોયું. તેઓએ મારા સેક્રેટરીને કોમ્પ્યુટર ચાલુ કરવા કહ્યું. તેનું આંકલન કર્યું અને સચિવને સીઆરપીસીની કલમ 91 હેઠળ નોટિસ આપી.
તેમણે આગળ કહ્યું કે, નોટિસ મુજબ સેક્રેટરીને કોન્ફરન્સ રૂમમાં રહેલા કોમ્પ્યુટર સિસ્ટમનું CPU આપવા વિનંતી કરવામાં આવી હતી. ત્યારબાદ નિયત પ્રક્રિયાને અનુસર્યા વિના ઓફિસના કોન્ફરન્સ રૂમમાંથી CPU જપ્ત કરવામાં આવ્યું. આ નોટિસને જોઈને ખબર પડે છે કે નોટિસ સેક્રેટરીને હસ્તલેખિત કરવામાં આવી હતી અને તરત જ મિલકત (CPU) જપ્ત કરવામાં આવી હતી, જે અધિકારીઓની દુર્ભાવના દર્શાવે છે.
અહીં મનીષ સિસોદિયાએ કહ્યું કે, નિર્ધારિક દિશા નિર્દેશોનું પાલન કર્યા વગર જ સીપીયુ જપ્ત કરવામાં આવ્યુ. સીબીઆઈ મેન્યુઅલ અનુસાર કાનુની વ્યવસ્થા હોવી જોઈએ. પ્રથમ હેશ વેલ્યુ હોવી જોઈએ, જેમાં ઇલેક્ટ્રોનિક ફિંગરપ્રિન્ટ આવશ્યક છે. ફાઇલમાં અંદરનો ડેટા ક્રિપ્ટોગ્રાફિક અલ્ગોરિધમ દ્વારા ઓળખાય છે, તેને હેશ-વેલ્યુ કહેવાય છે. આ ડેટા વેરીએબલ્સની સ્ટ્રિંગ છે. હેશ વેલ્યુ વાસ્તવમાં એક કી છે જે દર્શાવે છે કે પ્રશ્ન કરવામાં આવી રહેલા ડેટાની માન્યતા અને અધિકૃતતા ચકાસી શકાય છે કે કેમ.
બીજી તરફ સીબીઆઈના એક સૂત્રએ જણાવ્યું કે, અમે કાયદાની પ્રક્રિયા અનુસર્યા પછી કમ્પ્યુટર જપ્ત કર્યું છે. પુરાવા સાથે ચેડા થવાની શક્યતાઓ છે અને તેથી અમે તેને જપ્ત કર્યુ છે. સૂત્રો અનુસાર સીબીઆઈ જપ્ત કરાયેલા કોમ્પ્યુટરને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીને મોકલી શકે છે. દાવા અનુસાર સીબીઆઈ કેટલાક ડીલીટ ડેટા એક્સેસ કરવા માંગે છે, જેના માટે તે FSLની મદદ લઈ શકે છે.
અહીં તમને એ પણ જણાવી દઈએ કે નવેમ્બર 2022માં સીબીઆઈએ કથિત એક્સાઈઝ કૌભાંડના સંબંધમાં ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં સિસોદિયાના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. જો કે, આ કેસમાં અગાઉ નોંધાયેલી એફઆઈઆરમાં તેમનું નામ હતું.












Click it and Unblock the Notifications
